Abtak Media Google News

હાઈકોર્ટની ઉપલી બેંચના ન્યાયાધીશ રેડ્ડી અને પંચાલે ધર્મિષ્ઠાબા જાડેજાની તરફેણમાં ચુકાદો આપ્યો કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા માટે હવે મહાપાલિકાએ રાજકોટ કોર્ટમાં નવેસરથી કાર્યવાહી કરવી પડશે

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સતત ત્રણ બેઠકમાં ગેરહાજર રહેનાર વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ચુંટણીપંચ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.

દરમિયાન તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠક પૂર્વે જ હાઈકોર્ટની નીચલી બેંચે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી પીટીશન ફગાવી દેતા ધર્મિષ્ઠાબા જાડેજા કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

દરમિયાન કોંગ્રેસે આજે હાઈકોર્ટની ઉપલી બેંચમાં અરજન્ટ મેટર તરીકે રજુ કરેલી પીટીશનને હાઈકોર્ટે આજે જ ચલાવી હતી અને કોર્પોરેટરની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ધર્મિષ્ઠાબાને કોર્પોરેટરપદે ગેરલાયક ઠેરવવા માટે સ્થાનિક કોર્ટમાં કાર્યવાહી કરવા મહાપાલિકાને આદેશ આપ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા જનરલ બોર્ડની ત્રણ બેઠકમાં ગેરહાજર રહેતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જયુડીશીયલી ડિસીઝન લેતા તેઓને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા માટેની દરખાસ્ત ચુંટણીપંચ સમક્ષ કરી હતી. દરમિયાન આ અંગે અમે હાઈકોર્ટની નીચલી બેંચમાં પીટીશન દાખલ કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી. દરમિયાન આજે અમારા એડવોકેટ અશ્વીનભાઈ પંડયા દ્વારા હાઈકોર્ટની ઉપલી બેંચ સમક્ષ અરજન્ટ મેટર રજુ કરવામાં આવી હતી જે ઉપલી બેંચના ચીફ જસ્ટીસ રેડી અને પંચાલે ચલાવી હતી તથા એવો ચુકાદો આપ્યો છે.

અમારી માંગણી એવી હતી કે આ કેસમાં જયુડીશીયલી જજમેન્ટ આપવામાં આવે અને બંને પક્ષને સાંભળવામાં આવશે. દરમિયાન હાઈકોર્ટની ઉપલી બેંચે એવો ચુકાદો આપ્યો છે કે કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા માટે બીપીએમસી એકટની કલમ ૧૨/૧ હેઠળ મહાપાલિકાએ રાજકોટ કોર્ટમાં કાર્યવાહી કરવાની રહેશે.

આ કલમમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે જયાં સુધી સ્થાનિક કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કોર્પોરેટર પોતાના પદ પર ચાલુ રહી શકે છે. હવે જયાં સુધી સ્થાનિક કોર્ટ ચુકાદો નહીં આપે ત્યાં સુધી ધર્મિષ્ઠાબા જાડેજા કોર્પોરેટરપદે ચાલુ રહેશે.

હાઈકોર્ટે મહાપાલિકાનું લીગલ સ્ટેન્ડ માન્ય રાખ્યું છે, ધર્મિષ્ઠાબા ગેરલાયક જ રહેશે: મ્યુ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટની ઉપલી બેંચે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવાનું જે લીગલ સ્ટેન્ડ હાથ ધર્યું હતું તે માન્ય રાખ્યું છે.

ધર્મિષ્ઠાબા ગેરલાયક જ રહેશે. આજના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં મહાપાલિકાના પગલા સામે તેઓએ નીચલી કોર્ટમાં જવુ જોઈએ જેમાં તેઓ ગયા નથી અને સીધા જ હાઈકોર્ટમાં ગયા છે.

ત્યારે ગુણદોષના આધારે ન્યાય આપવો એવી દલીલને માન્ય રાખવાની માંગણી કરી હતી પરંતુ આમાં કોઈ ગુણદોષ જણાતો નથી. આવામાં કોર્પોરેશનનું લીગલ સ્ટેન્ડ હાઈકોર્ટે માન્ય રાખ્યું છે અને ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તે યોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.