Abtak Media Google News

એક જ દિવસમાં મુરતીયા નક્કી કરી દેવા ભારે દોડધામ: ૨૮મી સુધીમાં સેન્સની કામગીરીનો સંકેલો કરી દેવાશે

ચૂંટણી જાહેર થઈ જતા રાત થોડી અને વેશ જાજા જેવો ઘાટ સર્જાયો છે. કારણકે એક જ દિવસમાં મુરતિયા નક્કી કરી દેવા માટે ભારે દોડધામ જોવા મળી રહી છે. આગામી ૨૮મી સુધીમાં સેન્સની કામગીરીનો સંકેલો કરી દેવામાં આવનાર છે. પાંચ વર્ષના મુરતિયાનો એક જ દિવસમાં નિર્ણય લેવો ઉતાવળીયુ કામ હોય તેવું લાગી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેને ધ્યાને લઈને ભાજપ દ્વારા હાલ સેન્સની કામગીરીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. ગઈકાલથી મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા સેન્સની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે આવતીકાલ સુધી ચાલવાની છે. દરેક મહાપાલિકા માટે એક એક દિવસ જ સેન્સની કામગીરી ચાલવાની છે.

ત્યારબાદ આગામી તા.૨૭ અને ૨૮ના રોજ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સેન્સની કામગીરી ચાલવાની છે. તમામ ઉમેદવારો પસંદ કરવા માટે માત્ર એક એક દિવસ જ નિરીક્ષકોને મળ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં ચૂંટણી લડવા માંગતા ટિકિટ ઇચ્છતા ઉમેદવારો માટે કેટલાક નિયમો ઘડી નાખ્યા છે. આ નિયમમાં ફીટ બેસે તેને પ્રાધાન્યતા આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ભાજપે ઉમેદવારોની પસંદગી માટે કામગીરી શરૂ કરી દીધી છે. હાલ ભાજપની નિરીક્ષકોની ટીમ રાજ્યભરમાં ઘૂમી રહી છે. આજે આ ટીમ રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના મુરતિયાઓ પસંદ કરવા માટે રાજકોટ આવી પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાપાલિકા માટે ભાજપ દ્વારા આજે સેન્સની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. સુરતમા ગઈકાલે અને આજે બે દિવસ સેન્સનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત જામનગરમાં પણ સેન્સની કાર્યક્રમ યોજાઈ ગયો હતો જ્યારે રાજકોટ મહાનગરપાલિકા માટે આજરોજ સેન્સ લેવામાં આવી રહી છે. તમામ મહાપાલિકાઓમાં હાલ ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ ચાલી રહ્યો છે. નિરીક્ષકોની ટીમોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. સામે મુરતીયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારે સંખ્યામાં લોકો મહાપાલિકલાની ચૂંટણીમાં કોર્પોરેટર બનવા માટે રસ દાખવી રહ્યાં છે. સામે નિરીક્ષકોનું કામ પણ અઘરૂ બન્યું છે. કોની પસંદગી કરવી અને કોને પસંદ ન કરવા તે નિર્ણય નિરીક્ષકો માટે કસોટીરૂપ બની જવા પામ્યો છે. હવે આગામી તા.૨૭ અને ૨૮ના રોજ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સેન્સ લેવા નિરીક્ષકો ગ્રામ્ય વિસ્તારોને પણ ધમરોળવાના છે. ૨૮મી સુધીના સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી નાખવામાં આવશે. આ વખતે ચૂંટણી મોડી જાહેર થઈ ઉપરાંત પુરતો સમય પણ ન હોય, સેન્સની પ્રક્રિયામાં ભારે ઝડપ રાખવામાં આવી રહી છે. માત્ર એક જ દિવસમાં તમામ સ્થળોએ સેન્સની પ્રક્રિયાઓ પૂર્ણ કરી ઉમેદવારોના નામની યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદી પર મંજૂરીની મહોર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લગાવવામાં આવનાર છે.

૩૦ અને ૩૧મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આગામી ૩૦ અને ૩૧મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવાની છે. ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કરવા માટે ૨૮મી સુધી સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. બાદમાં નિરીક્ષકો જે નામ આવ્યા હોય તેનું લિસ્ટ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકશે. પાર્લામેન્ટરી બોર્ડ સંકલન સમિતિના હોદેદારો સાથે બેઠક યોજી ઉમેદવારોના નામ ફાઇનલ કરશે. મહાપાલિકા માટે વોર્ડ વાઇઝ ૩ના નામનું લિસ્ટ બનાવાશે અને અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડના ૧૩ સભ્યો લેશે.જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના નેતા છે. ઉલ્લેખનીય છે કે, પાર્લામેન્ટરી બોર્ડ પાસે એવી પણ સત્તા છે કે, નિરીક્ષકો દ્વારા જે નામ યાદીમાં આપવામાં આવ્યું ન હોય તે નામ પણ તેઓ પસંદ કરી શકે છે. નિરીક્ષકો દ્વારા તમામ સ્થળોએ જઈ ત્યાંની પરિસ્થિતિને ધ્યાને લઈ કાર્યકર્તાનો ઈતિહાસ તપાસીને તેનું નામ પસંદ કરવામાં આવે છે. જો કે, પાર્લામેન્ટરી બોર્ડ આ લીસ્ટમાંથી કોને પસંદ કરવા કે કોને ન કરવા તે અંગેનો નિર્ણય લે છે. ઉમેદવારની પસંદગીનો અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.