ચૂંટણીને ધ્યાનમાં લઇ સૌરાષ્ટ્રના ખેતરોમાં નર્મદાના પાણી ફેરવવાની સરકારનો ઇરાદો

narmdawater | saurashtra farm | election | government
narmdawater | saurashtra farm | election | government

નર્મદા બંધનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી રાજયના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચાડી ભાજપ સરકાર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકોને રિઝવવાની તૈયારીમાં છે. રાજયના કુલ ૧,૪૦,૩૧૭ હેકટર વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવશે જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાનો પણ સમાવેશ થઇ જાય છે. ભાજપના કાંતિભાઇ અમૃતિયાએ વિધાનસભામાં નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી માટે શું આયોજન કરવામાં આવ્યું છે તેનો જવાબ આપતા જળસંપત્તિ મંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર-૨૦૧૬ની સ્થિતિએ ૨૦૧૬-૧૭માં આયોજન મુજબ ઉત્તર ગુજરાતમાં કામ પૂર્ણ થયું છે જયારે સૌરાષ્ટ્રમાં પૂર્ણતાના આરે છે. કયા જિલ્લામાં કેટલા હેકટરમાં પાણી પહોંચાડાશે તેની માહિતી પણ આપવામાં આવી હતી.

જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ૫૭૯૦ હેકટર, મહિસાગરમાં ૧૫૦ હેકટર, ખેડા જિલ્લામાં ૬૦ હેકટર, સાબરકાંઠા જિલ્લામાં ૧૧,૮૦૦ હેકટર, ગાંધીનગર જિલ્લામાં ૩ હજાર હેકટર, મહેસાણા જિલ્લામાં ૨૮,૯૦૦ હેકટર, પાટણ જિલ્લામાં ૧૪,૪૦૦ હેકટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૧,૯૦૦ હેકટર વિસ્તારમાં પાણી પહોંચાડાશે. જયારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં ૭૯૭૫ હેકટર, મોરબી જિલ્લામાં ૨૫,૩૭૭ હેકટર, જામનગરમાં ૧૭,૩૫૮ હેકટર, સુરેન્દ્રનગરમાં ૩૯૩૯ હેકટર અને બોટાદ જિલ્લામાં ૮૬૬૮ હેકટર વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત અનેક તળાવો પણ ઊંડા કરવાની અને તેને નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન મારફતે ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છના કેટલાક વિસ્તારમાં પણ નર્મદાની મુખ્ય કેનાલ થકી વધુ પાણી પહોંચાડીને ડિસેમ્બરમાં ચૂંટણી પહેલા પાણીની સમસ્યાની જે જગ્યાએ બૂમ પડી રહી છે ત્યાં યુધ્ધના ધોરણે કામ પૂરા કરવા સરકારે તૈયારી આદરી છે.