Abtak Media Google News

વિધાનસભા બેઠકોના વિસ્તારોમાં રિટર્નીંગ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ નિદર્શન અને જાગૃતિ રથ વડે મતદારોમાં ઈવીએમ અને વીવીપેટ અંગે જાગૃતિ લાવશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાની ૮ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મતદારોને સરળતા રહે, પારદર્શિકતા રહે અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે તમામ બેઠક માટે નિમાયેલા રીટર્નીંગ ઓફિસરો દ્વારા તૈયારીઓ શ‚ કરી દેવાય છે.

ઈવીએમની સાથોસાથ વીવીપેટ આ વખતે અમલમાં આવનાર હોવાથી લોકોમાં તે અંગેની સમજ અને જાગૃતિ આવે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોના વિસ્તારોમાં જનજાગૃતિ રથ કાઢવાનું આયોજન કરાયું છે. આ જનજાગૃતિ રથનો અમુક વિધાનસભા બેઠકોમાં પ્રારંભ થઈ ગયો છે. જયારે અમુક બેઠકોમાં સોમવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. રથમાં ઈવીએમ અને વીવીપેટ મશીનો રાખવામાં આવ્યા છે. તેનો લાઈવ ડેમો લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક તાલુકા સેવા સદન ખાતે આરઓના માર્ગદર્શન હેઠળ મોક પોલીંગ બુથ પણ રાખવામાં આવ્યા છે.

રીટર્નીંગ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ આઠેય બેઠકોમાં ત્રણ-ત્રણ ફલાઈંગ સ્કવોર્ડ પણ કાર્યરત છે. જે ચૂંટણી સંદર્ભે થતા નાણાના વહિવટ, લોભામણી જાહેરાતો વગેરે પર ચાંપતી નજર રાખી રહી છે.

૬૮-રાજકોટ (પૂર્વ)

બેઠક હેઠળનાં તમામ વિસ્તારોમાં વીવીપેટનું નિદર્શન કરાયું

૬૮-રાજકોટ (પૂર્વ)ના રીટર્નીંગ ઓફિસર એમ.કે.પટેલનાં જણાવ્યા મુજબ બેઠક હેઠળના વિસ્તારમાં નિદર્શનનું કાર્ય પૂર્ણ કરાયું છે. વધુમાં ગઈકાલથી મતદાન જાગૃતિ રથનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બેઠક હેઠળની ત્રણ ફલાઈંગ સ્કવોડ હાલ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

૬૯-રાજકોટ (પશ્ર્ચિમ)

શોપીંગ મોલ્સમાં થઈ રહ્યું છે નિદર્શન

૬૯-રાજકોટ (પશ્ર્ચિમ)ના રીટર્નીંગ ઓફિસર પ્રજ્ઞેશ જાનીનાં જણાવ્યા મુજબ હાલ ઈવીએમ અને વીવીપેટ મશીનોનું ક્રિસ્ટલ મોલ, બીગબજાર અને રીલાયન્સ મોલ ખાતે નિદર્શન થઈ રહ્યું છે. જયાં બહોળા પ્રમાણમાં લોકો તેનો લાભ રહ્યા છે. વધુમાં મતદાર જાગૃતિ રથ ટૂંક સમયમાં જિલ્લા ચૂંટણી અધિકારીની સુચના મુજબ કાર્યરત થશે.

૭૦-રાજકોટ (દક્ષિણ)

૧૨ ઝોનમાં નિદર્શન પ્રક્રિયા પૂર્ણ

૭૦-રાજકોટ (દક્ષિણ)નાં રીટર્નીંગ ઓફિસર એ.ટી.પટેલના જણાવ્યા મુજબ બેઠક હેઠળ કુલ ૧૯ ઝોન આવેલા છે. જેમાના ૧૨ ઝોનમાં નિદર્શન પ્રક્રિયા કરવામાં આવી છે. ૭ ઝોનમાં આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવાશે. તેમજ આગામી દિવસોમાં મતદાર જાગૃતિ રથ પણ શ‚ કરવામાં આવશે.

૭૧-રાજકોટ (ગ્રામ્ય)

એપનો પ્રયોગ સફળ રહેશે તો ચૂંટણીપંચને ભલામણ કરાશે

૭૧-રાજકોટ (ગ્રામ્ય)ના રીટર્નીંગ ઓફીસર પ્રભવ જોષીના જણાવ્યા મુજબ આ બેઠક હેઠળ ૨૧ ઝોન આવેલા છે. બેઠકમાં વીવીપેટ અને ઈવીએમ નિદર્શનની ૪૦ થી ૫૦ ટકા કામગીરી થઈ ચુકી છે. આ ઉપરાંત લોધિકા અને કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે મોક પોલીંગ બુથ કાર્યરત છે. આ બેઠક પર સૌપ્રથમવાર મતદાનના આંકડા જાણવા માટે મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જો આ પ્રયોગ સફળ રહેશે. એપના ઉપયોગ માટે ચૂંટણીપંચને ભલામણ કરાવવામાં આવશે.

૭૨-જસદણ

 મહિલા મતદારોમાં જાગૃતિ લાવવા આંગણવાડી બહેનોની મદદ લેવાશે

૭૨-જસદણ વિધાનસભાના રીટનર્ીંગ ઓફિસર એ.એચ.ચૌધરીના જણાવ્યા મુજબ બેઠક હેઠળના વિસ્તારોમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં નિદર્શન પ્રક્રિયા થઈ ચૂકી છે. નિદર્શન દરમ્યાન જાણવા મળ્યું કે આ પ્રક્રિયામાં મહિલાઓ જોડાતી નથી. મહિલા મતદારોમાં જાગૃતિ આવે તેથી આંગણવાડી બહેનોની મદદ લેવાનું આયોજન કરાયું છે.

૭૩-ગોંડલ

ટુંક સમયમાં વીવીપેટ જાગૃતિ રથ શ કરાશે

૭૩-ગોંડલ વિધાનસભાના આર.એમ.રાયજાદાના જણાવ્યા મુજબ બેઠકનાં વિસ્તારોમાં હાલ નિદર્શનની કામગીરી ચાલી રહી છે. વધુમાં જિલ્લા ચૂંટણી તંત્રની સુચના મુજબ આગામી દિવસોમાં વીવીપેટ અને ઈવીએમ જાગૃતિ માટેનો રથ પણ કાઢવામાં આવશે જે બેઠક હેઠળના તમામ વિસ્તારોમાં ફરશે.

૭૪-જેતપુર

૩૨ માંથી ૧૩ ઝોનમાં નિદર્શન પ્રક્રિયા પૂર્ણ

૭૪-જેતપુર વિધાનસભાનાં રીટર્નીંગ ઓફિસર ધર્મેશ મકવાણાના જણાવ્યા મુજબ બેઠકના ૩૨ ઝોનમાંથી ૧૩ ઝોનમાં ઈવીએમ અને વીવીપેટ મશીનોની નિદર્શન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

વધુમાં જેતપુર તાલુકા સેવા સદન અને કોટડા સાંગાણીના મોક પોલીંગ બુથ હાલ કાર્યરત છે.

૭૫-ધોરાજી

મતદાર જાગૃતિ રથ કોલેજોમાં પણ ફરશે

૭૫-ધોરાજી વિધાનસભાનાં રીટર્નીંગ ઓફિસર ટી.એચ.જોષીના જણાવ્યા મુજબ બેઠકનાં વિસ્તારોમાં નિદર્શન પ્રક્રિયા ચાલી રહી છે. વધુમાં મતદાર જાગૃતિ રથ ટુંક સમયમાં શ‚ કરાશે જે કોલેજોમાં પણ ફરશે જેથી યુવા મતદારોમાં જાગૃતિ આવે. હાલ ઉપલેટા અને ધોરાજીના તાલુકા સેવા સદન ખાતે મોક પોલીંગ બુથ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.