Abtak Media Google News

વીજચોરો સામે તંત્રની લાલ આંખ:  શહેર વર્તુળ કચેરીમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

41 ટીમોએ  1006 જેટલા વીજ કનેકશનો  ચેક કર્યા, 109 કનેકશનોમાંથી ગેરરીતિ ઝડપાઈ

છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

તા.  7  નાં રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ  જિલ્લાની રાજકોટ શહેર-2 વિભાગીય કચેરી હેઠળની રૈયા રોડ, માધાપર તેમજ બેડીનાકા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે પરમેશ્વર પાર્ક, સતાધાર પાર્ક, શાસ્ત્રીનગર, રૂખડીયાપરા, પોપટપરા, રઘુનંદન સોસાયટી, વિવેકાનંદનગર, શિવાજીનગર, રાજીવનગર, સંજયનગર, વાંકાનેર સોસાયટી માં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 41 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 1006 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 109 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 19.44 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-22 થી જાન્યુઆરી-23 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 76139 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 6365 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 2026.37 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.