Abtak Media Google News

એશિઝ શ્રેણીની ‘એસિડ’ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને મ્હાત આપતું ઓસ્ટ્રેલિયા !!!

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં બે વિકેટથી દિલધડક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 281ના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ 227 રને ગુમાવી ત્યારે તેમની હાર નક્કી લાગતી હતી. જોકે કેપ્ટન કમિન્સ અને લાયને ધીરજપૂર્વક બેટિંગ કરતાં ઈંગ્લેન્ડના હાથમાંથી જીતનો કોળિયો ઝુંટવી લીધો હતો. કમિન્સે રોબિન્સનની બોલિંગમાં ચોગ્ગો ફટકારતાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની એશિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. એશિઝ  શ્રેણીની એસિડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ નાકામ રહી હતી અને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

Advertisement

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જે રીતે ભારતે ભૂલ કરી હતી એ જ ભૂલ એસી જ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ એ ઓસ્ટ્રેલિયા સમક્ષ કરી છે. બાકી રહેતી ચાર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ની સ્થિતિ વિકટ બને તો નવાઈ નહીં કારણકે બોલરો દ્વારા જે રીતે ચુસ્ત બોલિંગ કરવામાં આવી જોઈએ તે થઈ ન હતી અને ઇંગ્લેન્ડની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ 8 વિકેટે 393 રને ડિકલેર કરી હતી. જે પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 386નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 273 રનમાં સમેટાતા ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281ના ટાર્ગેટ મળ્યો હતો. પાંચમા અને આખરી દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગને 107/3 થી આગળ ધપાવી હતી. જોકે તબક્કવાર તેમણે વિકેટ ગુમાવી હતી.

બોલેન્ડ 20, હેડ 16 અને ગ્રીન 28 રને આઉટ થયા હતા. આ તબક્કે સ્કોર 192/6 હતો. જે પછી ખ્વાજા અને કેરી પર મદાર હતો. સ્ટોક્સે ખ્વાજાની 65 રનની સંઘર્ષમય ઈનિંગનો અંત આણતા ઈંગ્લેન્ડનો જીતનો જુસ્સો બુલંદ બનાવ્યો હતો. રુટે કેરી 20ને કોટ એન્ડ બોલ્ડ કર્યો ત્યારે ઈંગ્લેન્ડની જીત હાથવેંતમાં લાગતી હતી. જોકે કમિન્સ અને લાયને ઈંગ્લેન્ડની આશા પર ઠંડુ પાણી રેડતા ઓસ્ટ્રેલિયાને નાટકીય જીત અપાવી હતી. ઇંગ્લેન્ડની આહાર બાદ અનેક તર્ક ભી તર્ક સર્જાય રહ્યા છે જેમાં એ વાતની પણ ચર્ચા શરૂ થઈ છે કે મોઈન અલી ઇંગ્લેન્ડ માટે નિષ્ફળ નીકળ્યો હતો અને ટીમે જો રૂટ ઉપર મદાર રાખવો પડ્યો હતો.

એક સમયે હાથ વેદમાં જણાતી જીત જોજનો દૂર થઈ ગઈ હતી કારણ કે આઠ વિકેટ પડી ગઈ હોવા છતાં બે વિકેટ પાડવામાં ઇંગ્લેન્ડની ટીમ નિષ્ફળ અને ઉણી ઉતરી હતી. ત્યારે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.