ટેસ્ટમાં ઈંગ્લેન્ડની કરારી હાર: ફાઈનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે

ભારતની તોતિંગ લીડ સામે ઇંગ્લેન્ડને મેચ બચાવવો અસંભવ: વોશિંગટન સુંદરની 96 રનની નોટઆઉટ અને અક્ષર પટેલની જોડીએ ભારતને મોટી લીડ અપાવી

ઈંગ્લેન્ડને આજે ભારત સામે કરારી હાર મળી છે આ સાથે જ ઈંગ્લેન્ડ સહિત ઓસ્ટ્રેલીયા પણ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર નીકળી ગયું છે. ઈંગ્લેન્ડની હાર થતા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્યિનશીપમાં ન્યુઝીલેન્ડ સામે ફાયનલમાં ભારત ટકરાશે. હાલ પોઈન્ટ ટેબલની સ્થિતીમાં ભારત પહેલા નંબરે જ્યારે ન્યુઝીલેન્ડ બીજા નંબર પર છે. બંને વચ્ચે જંગ જામશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વિશ્વના સૌથી મોટા ગ્રાઉન્ડ અમદાવાદના મોઢેરા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે ત્યારે ભારતીય ટીમના જમણેરી મોટા ગજાનાં બેટસમેનો ઇંગ્લેન્ડના બોલરો સામે નિષ્ફળ રહ્યા હતા. જો કે, મેચના અંતિમ તબક્કામાં ડાબા હાથવાળા બેટ્સમોનેએ જબરદ્દસ્ત લડત આપતા ટિમ ઇન્ડિયાએ 161 રનથી વધુની લીડ મેળવી લીધી હતી. હવે પ્રથમ ઇનિંગ્સની ટિમ ઇન્ડિયાની લીડ ઇંગ્લેન્ડ માટે  “લોઢાના ચણા” ચાવવા સમાન સાબિત થઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો ભારતીય ટીમના ઉભરતા બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંતે માત્ર 118 બોલમાં જ સદી ફટકારી હતી અને ટિમ ઇન્ડિયાને ડ્રાઇવિંગ શીટ પર બેસાડી દીધું હતું. આજે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના ડાબેરી બેટ્સમેનો વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે પણ મક્કમ બેટીંગ કરી હતી અને હવે ટીમ ઇન્ડિયાને 161 રનની લીડ આપી હતી. પિચના મિજાજ મુજબ ભારતના સ્ટાર જમણેરી બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં. જો કે, ડાબેરી બેટ્સમેનોએ લાજ રાખતા ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

ભારતીય ટીમની બેટિંગની જો વાત કરવામાં આવે તો   બીજા દિવસે 1 વિકેટ પર 24 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમ 17 રન જ બનાવ્યા હતા કે તેણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા ચેતેશ્વર પૂજારાને 17 રને જેક લીચે એલબીડબ્લ્યુ કર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. તેણે ફાસ્ટર બેન સ્ટોકસે આઉટ કર્યો હતો. 80 રન પર ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો મળ્યો. અજિંક્ય રહાણે (27 રન)ને જેમ્સ એન્ડરસને કેચ આઉટ કરાવ્યો હતો. અહીંથી, રોહિતે પંત સાથે 5મી વિકેટ માટે 41 રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને સંભાળી હતી. પરંતુ રોહિત પણ આઉટ થયો હતો.અશ્વિન પણ વધુ સમય રમી શક્યો નહીં, પરંતુ પંતે બીજો છેડો જાળવી રાખ્યો. તેણે વોશિંગ્ટન સુંદર સાથે 7 મી વિકેટ માટે 158બોલમાં 113 રનની ભાગીદારી કરી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે મજબૂત બનાવી હતી. તે આ મેચની પ્રથમ સદીની ભાગીદારી હતી.

પંતે 118 બોલ પર 101 રનની ઈનિંગ્સ રમી હતી. આ તેની કારકિર્દીની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી. એંડરશનના બોલ પર જો રુટે પંતનો કેચ ઝડપ્યો. વિકેટકીપર બેટ્સમેન પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. આ અગાઉ તેણે જાન્યુઆરી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 159 રનની ઇનિંગ્સ રમી હતી. આ બે સદીઓની વચ્ચે તે 2 વખત નર્વસ 90. (97, 91)એ શિકાર બન્યો હતો. એકવાર તેણે અણનમ 89 રન બનાવ્યા હતા. તે જ સિરીઝની પહેલી મેચની પ્રથમ ઇનિંગ્સમાં તે 91 રને આઉટ થયો હતો.

ત્યારબાદ વોશિંગટન સુંદરમ અને ગુજ્જુ બોય અક્ષર પટેલે કમાન સાંભળીને ટીમ ઇન્ડિયાને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યા હતા. જેના પરીણામે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં જ ઇંગ્લેન્ડ સામે 161 રનની લીડ મેળવી લીધી હતી. વોશિંગટન સુંદરે અણનમ રહીને 174 બોલમાં 96 રનની ઇનિંગ રમી હતી. જ્યારે તેનો સાથ દેતા અક્ષર પટેલે 97 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી.બીજી બાજુ ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના ઓપનર્સ ફક્ત 10 રનમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ઇંગ્લેન્ડનો સ્કોર 10 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. જ્યારે 20 રને ત્રીજી વિકેટ પડી હતી. ફક્ત 10 રન બાદ 30 રને ઇંગ્લેન્ડે ચોથી વિકેટ પડી ગઈ હતી. જ્યારે ફરીવાર 65 રને ઇંગ્લેન્ડની ધબડકો બોલતાં 2 વિકેટ એકસાથે પડી ગઈ હતી.

ઇંગ્લેન્ડ સ્ટાર બેટ્સમેનો ખૂબ નજીવા સ્કોરે પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ગત મેચમાં અર્ધ શતક ફટકારનાર ક્રોવલી ફક્ત 5 રને અશ્વિનનો શિકાર બની કેચ આઉટ થઈ ગયો હતો. જ્યારે સીબલીની વિકેટ અક્ષરે પટેલે ફક્ત 3 રનમાં જ લઈ લીધી હતી. બેરસ્ટો અશ્વિનનો શિકાર બની શુન્ય રને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. કેપ્ટન રુટ પણ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. અશ્વિને 30 રને રૂટને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. જ્યારે અક્ષર પટેલે સ્ટોકસ આઉટ કરીને તેની બીજી વિકેટ લીધી હતી. ગુજ્જુ બોયે વિકેટ ચટકાવવાનો સિલસિલો યથાવત રાખતા પોપેને પણ 15 રને આઉટ કરી દીધો હતો. આ પ્રકારે ભારતીય સ્પિન બોલર અશ્વિન અને અક્ષરે 3-3 વિકેટ મેળવી તરખાટ મચાવ્યો હતો.