Abtak Media Google News

રાજકોટ જિલ્લાના કિસાનોના અણઉકેલ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી, જેમાં ખેડૂતોના પ્રશ્ર્ને વિધેયાત્મક વલણ દાખવવા  પરિમલ પંડયાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો પ્રત્યે લંબાણપૂર્વકની ચર્ચા  કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખિયાએ વિગતવાર ખેડૂતોના અણઉકેલ પ્રશ્ર્નોની રજૂઆત અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા સમક્ષ કરી હતી. જેમાં  રાજકોટ જિલ્લાના 594 ગામોમાં નિયમ મુજબ સ્પીડબ્રેકર બનાવવા,  રોઝ અને ભૂંડના ત્રાસથી ઉભા પાકને થતું નુકસાન અટકાવવા, ચેકડેમના બાકી ચુકવણાં સત્વરે કરવા, દરેક તાલુકામાંથી ચેકડેમ ઉંડા ઉતારવાના પાંચ અને ચેકડેમ રીપેરીંગના પાંચ કામોની દરખાસ્ત મુકવા, પાણી સંગ્રહની વધુ ક્ષમતા ધરાવતા ડેમોને રીપેરીંગમાં અગ્રતા આપવા, સ્પીડ બ્રેકર ઉપર રંગ કરવા, એક ગામડાથી બીજા ગામડા સુધીના રસ્તા રીપેર કરવા, સબસીડીની રકમ કાપીને જ પાક ધિરાણની રકમ ચૂકવવા, ચણા અને ઘઉંની ખરીદીમાં જથ્થા નિયત કરવા, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળાશયોમાં જરૂર જેટલું જ પાણી રાખી બાકીનો જથ્થો પિયત માટે આપવા,  ગાંડા બાવળ કાપવા, ચેકડેમમાંથી માટી કાઢવાનો ભાવ વધારવા વગેરે બાબતો અંગે રજૂઆત કરી હતી. જેના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ  કંધેવાડીયા, અને જનડા તથા હાથસણી ગામના તળાવો તાત્કાલિક રીપેર કરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પર આદેશો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડા, નાયક બાગાયત નિયામક જી. જે.  કાતરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ટીલવા, પ્રાંત અધિકારીઓ, મામલતદાર,  ઉપરાંત, સિંચાઇ, પી. જી.  વી.  સી. એલ.,  ડી. આર. ડી. એ. પશુપાલન, ખેતી, પંચાયત, વગેરે વિભાગોના અધિકારીઓ અને  પ્રતિનિધિઓ, રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રતિનિધિઓ, વગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.