ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગુજરાત સરકારે મિશન મોડમાં શરૂ કરી

ડાંગ જિલ્લો સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર

એક ગાયના ગોબર અને ગૌ મુત્રમાંથી ખેડુત 30 એકર જમીનમાં ખેતી કરી શકે છે: કુદરતી ખેતી અપનાવતા ખેડુતોને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા  ચલાવાય છે અનેક યોજના: બે લાખ ખેડુતોને 200 કરોડ રૂપીયાની સહાયનું વિતરણ

અબતક,રાજકોટ

આજે સમગ્ર વિશ્વમાં બેક ટુ બેઝીક કે બેક ટુ નેચરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આપણે સહુ બદલાતા જળવાયુ પરિવર્તનની અસરોને અનુભવી રહ્યાં છીએ. તેની સામે આપણે કૃષિને ટકાવી રાખવી અનિવાર્ય છે. આજે વર્ષોથી ચાલી આવતી રાસાયણિક  ખાતરના ઉપયોગથી વધુ પાક મેળવવાની ખેત પદ્ધતિને બદલવાનો સમય આવી ગયો છે. રાસાયણિક  ખાતરોના વધુ પડતા ઉપયોગથી પકવેલુ અનાજ આજે ઘણા રોગોનું કારણ બન્યું છે. પહેલા જે ગંભીર રોગો સામાન્ય રીતે 60 થી 65 વર્ષની ઉંમરે જોવા મળતાં હતાં, તે આજે 40 થી 45 વર્ષની ઉંમરે જોવા મળી રહ્યાં છે.  સાથે જ કેમિક્લ ફર્ટીલાઇઝરના વધુ પડતા ઉપયોગથી આપણે જમીનની ગુણવત્તાને પણ ખરાબ કરી રહ્યા છે. આપણે એક પ્રકારે વધારે પાકની જરૂરિયાતમાં ધરતીમાતાને ઝેર આપીને ધરતીમાતાનું સ્વાસ્થ્ય ખરાબ કરી દીધું છે. રાસાયણિક  ખાતરોના ઉપયોગ આ જ પ્રકારે ચાલુ રહ્યો તો સમય જતા જમીન પોતાની ગુણવત્તા ગુમાવતી જશે. આ બધી સમસ્યાઓનો ઉપાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતીને દેશ વ્યાપી પ્રોત્સાહન આપી રહ્યાં છે, ત્યારે તેમના પગલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા મિશન મોડ એપ્રોચ સ્વીકાર્યો છે.

પ્રાકૃતિક ખેત-પદ્ધતિમાં ઇનપુટ ખર્ચ ઓછો હોય છે કારણકે બજારમાંથી ખાતર અથવા અન્ય જંતુનાશકો ખરીદવાની જરૂર નથી. રાજ્ય સરકાર ગુજરાતમાં ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં કોઈ હાનિકારક રસાયણોનો ઉપયોગ થતો નથી. એક ગાય ધરાવતો ખેડૂત ગાયના ગોબર અને મૂત્રનો ઉપયોગ કરીને લગભગ 30 એકર જમીનમાં ખેતી કરી શકે છે. આવા કુદરતી ઘટકો જમીનની ફળદ્રુપતા વધારે છે અને ખેડૂતોના ઈનપુટ ખર્ચમાં ઘટાડો કરે છે. ગુજરાતના ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને પહેલો અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને દેશી ગાયની જાળવણી માટે 10,800 રૂપિયાની વાર્ષિક સહાય આપે છે. અત્યાર સુધીમાં 2 લાખ ખેડૂતોમાં લગભગ 200 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આવી રીતે આપણા દેશમાં ગુજરાત રાજય પહેલું રાજય છે કે જે રાજયમાં ગૌપાલન ખેડુતો દ્વારા કરવામાં આવે છે અને તેનો ખર્ચ રાજય સરકાર ઉઠાવે છે. આ યોજના અંતર્ગત ’જીવામૃત’ તૈયાર કરવા માટે પ્રાકૃતિક કૃષિ કિટ (કિટ દીઠ રૂ. 1,350) ખરીદવા માટે પણ સહાય પૂરી પાડવામા આવી છે. 40 હજારથી વધુ ખેડૂતોને પ્રકૃતિકૃષિ કિટ માટે લગભગ 5 કરોડ રૂપિયા ઉપરાંતની સબસિડી આપવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત રાજયમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે અને તેના માટે રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે ખેડુતોને તાલીમ, પ્રેરણા પ્રવાસ, મોડેલ ફાર્મ, પ્રાકૃતિક કૃષિ માટે સર્ટિફિકેશન, પ્રાકૃતિક કૃષિ પેદાશોમાં પેસ્ટીસાઇડ રેસિડ્યુ ટેસ્ટીંગ તેમજ ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા માટે ખાસ જોગવાઇ કરવામાં આવેલી છે.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની પણ કરાય છે બોર્ડની રચના: 140  કરોડની જોગવાઈ પણ કરાય: આઝાદીકા અમૃત મહોત્સવ દરમિયાન રાજયની દરેક ગ્રામ પંચાયત  દીઠ ઓછામાં ઓછા  75 ખેડુતોને પ્રાકૃતિક  કૃષી તરફ વાળવાના કરાશે પ્રયાસ

હાલના સમયમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે અને તેથી ખેડૂતોને તેમના કુદરતી ઉત્પાદનોના સારા ભાવ મળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની સફળતા માટે માર્કેટિંગ એ એક મહત્વપૂર્ણ કડી છે. ખેડૂતોને માર્કેટિંગ માર્કેટીંગ વ્યવસ્થા પુરી પાડવાની દિશામાં સરકાર મહત્વપુર્ણ કામગીરી કરી રહી છે. તે માટે ઋઙઘત (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્કેટિંગ જોડાણો પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પાસું બન્યું છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણને સરળ બનાવવું અને નાના ખેત ધારકોને પણ તેમના ઉત્પાદનના સારા ભાવ મળે તેના માટે રાજ્યમાં અત્યારે 84 જેટલા એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) સ્થાપિત થઇ ચુક્યા છે.

પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતો તરફથી રાજ્ય સરકારને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પદ્ધતિએ ખેડૂતોને દેશી ગાયોના સંવર્ધન માટે પ્રોત્સાહિત કર્યા છે. જીવામૃત અને ઘન જીવનામૃતનો ઉપયોગ, કુદરતી જંતુનાશકોએ જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તામાં ઘણો વધારો કર્યો છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રાસાયણિક  ખાતરો અને જંતુનાશકો પર મોટી રકમ ખર્ચવાની જરૂર નથી. આ ઉપરાંત ખેડૂતોને તેમની કુદરતી ખેત પેદાશોના સારા ભાવ મળી રહ્યા છે. આ રીતે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. આમ, ઓછા ઈનપુટ ખર્ચ અને જૈવિક ખેત પેદાશોના ઊંચા ભાવ ખેડૂતોની આવકમાં મોટા પાયે વધારો કરશે. તેનાથી તેમની આવક બમણી કરવામાં મદદ મળશે. ખેડૂતોની નવી પેઢીને પણ આ ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહી છે.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન રાજ્યની દરેક ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા 75 ખેડુતો પ્રાકૃતિક કૃષિ કરે તેવી પ્રેરણા આપી છે. જેને અનુસરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આવાની દિશામાં ઝુંબેશ આરંભી છે.  જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે એક લાખ ઉપરાંત ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રશિક્ષિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજ્યના દરેક ગામના સરપંચ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના જાણકાર થઇ શકે તે માટે આશરે 11 હજાર જેટલા સરપંચોને વર્ચ્યુઅલ મોડથી પ્રાકૃતિક કૃષિ અંતર્ગત માહિતગાર કરવાની કામગીરી કરવામાં આવેલ છે. ગુજરાતમાં ડાંગ જિલ્લો સંપૂણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવેલ છે.

મોટાભાગે લોકો ઔદ્યોગિક ક્ષેત્ર અને ટેક્નોલોજીનો જે ઝડપે વિકાસ થઈ રહ્યો છે તેની જ ચર્ચા કરતા હોય છે, પરંતુ આપણે એ બાબતને અવગણી ન શકીએ કે આજે પણ ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે. આત્મનિર્ભર ભારતના વિચારના મૂળમાં જ કૃષિ ક્ષેત્ર રહેલું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કૃષિ ક્ષેત્રને પણ સક્ષમ બનાવી રહ્યાં છે.