Abtak Media Google News

પૈસા બોલતા હૈ…

ઊંચી રાજકોષીય ખાધ, આયાત- નિકાસમાં અત્યાર સુધી ડોલરમાં વ્યવહાર અને ડોલરનું સતત મજબૂતથવું આ કારણોસર રૂપિયાનું સતત અવમૂલ્યન : હવે આ કારણો ઉપર સરકાર સતત પ્રયત્નશીલ

ભારતીય રૂપિયો ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકી ડોલર સામે 80ની ખૂબ નજીક પહોંચી ગયો છે.  સવાલો ઉઠી રહ્યા છે કે આ સતત ઘટાડામાં ભારતીય અર્થવ્યવસ્થા માટે શું સંદેશો છે.  પરંતુ રૂપિયાના મૂલ્યમાં ઘટાડા પાછળ એક નહીં પરંતુ ઘણા કારણો છે. બીજી તરફ રૂપિયો ભલે 81ની સપાટી વટાવે પણ રૂપિયાની બોલબાલા જરૂરથી રહેવાની જ છે.

ડોલર સામે રૂપિયા માટે આ વર્ષ સારું રહ્યું નથી.  2022 ની શરૂઆતથી રૂપિયો નબળો પડી રહ્યો છે અને ફેબ્રુઆરીમાં યુક્રેનિયન યુદ્ધ ફાટી નીકળ્યા પછી કટોકટી વધુ વકરી હતી.  આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રૂપિયાના મૂલ્યમાં લગભગ છ ટકાનો ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારો દ્વારા રૂપિયામાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ ભારતમાંથી તેમનું રોકાણ પાછું ખેંચી લેવાનું કહેવામાં આવી રહ્યું છે.  એક અંદાજ મુજબ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ છેલ્લા છ મહિનામાં ભારતમાંથી લગભગ રૂ. 2,320 અબજ પાછા ખેંચી લીધા છે.  વિદેશી રોકાણકારોના પૈસા પાછા ખેંચવા એ સંકેત છે કે તેઓ આ સમયે ભારતને રોકાણ કરવા માટે સુરક્ષિત નથી માનતા.

ઘટાડાનું બીજું કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે.  આ ઇન્ડેક્સ હેઠળ, પાઉન્ડ, યુરો, રૂપિયો, યેન જેવી વિશ્વની મુખ્ય કરન્સી સામે યુએસ ડોલરનું પ્રદર્શન જોવામાં આવે છે.  ઇન્ડેક્સમાં વૃદ્ધિનો અર્થ એ છે કે તમામ કરન્સી સામે ડોલર મજબૂત થાય છે.  આવી સ્થિતિમાં ડોલર સામે અન્ય કરન્સીમાં ઘટાડો થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર ઇન્ડેક્સમાં નવ ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે ઇન્ડેક્સ હાલમાં 20 વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે છે.

રૂપિયાના ઘટાડાનું ત્રીજું કારણ યુક્રેન યુદ્ધ હોવાનું માનવામાં આવે છે.  યુદ્ધે તેલ, ઘઉં, ખાતર જેવા ઉત્પાદનોના પુરવઠામાં ઘટાડો કર્યો છે, જેમાંથી રશિયા અને યુક્રેન મુખ્ય નિકાસકારો છે, અને કિંમતો વધી છે.  ભારત ખાસ કરીને ક્રૂડ ઓઈલનો મોટો આયાતકાર દેશ હોવાથી આયાત પરનો દેશનો ખર્ચ જબરદસ્ત વધી ગયો છે.  આયાત માટે ચૂકવણી ડોલરમાં થાય છે, જેના કારણે દેશમાં ડોલરની અછત છે અને ડોલરની કિંમત વધે છે.

એવા સમયે જ્યારે ભારતમાં ફુગાવો પહેલેથી જ ખૂબ જ ઊંચો છે, નબળા પડતા રૂપિયોનો અર્થ વધુ આયાતી ફુગાવો છે, આપણી લગભગ 80% તેલની જરૂરિયાતો આયાત કરીએ છીએ. જે આપણી ચાલુ ખાતાની ખાધ માટે પણ મોટી અસરો ધરાવે છે. આપણી રાજકોષીય ખાધ પાછળ સરકાર એક ચોક્કસ રકમથી ઊંચા ભાવો ગ્રાહકો સુધી પહોંચાડવા માંગતી નથી તે નીતિ પણ જવાબદાર છે.

ભારત ઊંચી રાજકોષીય ખાધ, પ્રમાણમાં ઊંચી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ધરાવે છે. એ પણ હકીકત એ છે કે આપણે તેલની આયાત પર નિર્ભર છીએ અને તેલની કિંમતો ઊંચી છે, તે તાજેતરની ઘટના નથી.  ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી તે છેલ્લા ઘણા મહિનાઓથી ત્યાં છે.  પરંતુ રૂપિયાનું અવમૂલ્યન પ્રમાણમાં તાજેતરનું છે.

રૂપિયો ડોલરના મુકાબલે રૂ. 80ને સ્પર્શી ગયો છે એટલે કે ભારતીય ફંડામેન્ટલ્સ ખૂબ નબળા છે. એ વાત તથ્ય નથી. જો કે દેશના ફંડામેન્ટલ્સ કોવિડ પહેલા જેટલા સારા હતા. તેટલા અત્યારે નથી. જો કે આવું તો દરેક દેશ સાથે થયું છે.  એ હકીકત છે કે રૂપિયો મુખ્યત્વે ડોલર સામે નબળો પડ્યો છે પરંતુ અન્ય કરન્સી સામે નહીં. ન માત્ર ભારતનું પણ બીજા દરેક દેશોનું ચલણ પણ નબળું પડ્યું છે. ડોલર સામે રૂપિયો 80 વટે તો જાણે આભ તૂટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉદ્દભવે એવું નથી. હાલ ડોલર વધુને વધુ મજબૂત થઈ રહ્યો છે. માટે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. ભારત હાલ લાંબા ગાળાની મજબૂતાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આયાત-નિકાસના  વ્યવહારમાં હવે રૂપિયાને  છૂટ મળતા ડોલરને ફાયદો નહિ થાય

ભારતીય રિઝર્વ બેંકે આયાત- નિકાસના વ્યવહાર રૂપિયામાં કરવાની છૂટ આપી છે. ભારતમાંથી નિકાસ વધારવા માટે ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપારી સમુદાયના વધારે પડતા રસને જોતા વૈશ્વિક વેપારને વધારવા માટે એ નક્કી કરવામા આવ્યું છે કે, બિલ બનાવવા માટે, ચુકવણી કરવા અને રૂપિયામાં આયાત-નિકાસ કરવા માટે એક વધારાની વ્યવસ્થા કરવામાં આવે. અત્યાર સુધી ભારત નિકાસ કે આયાત કરતું તો ચુકવણું ડોલરમાં થતું હતું. ત્યારે ભલે નિકાસ ભારત કરતું હોય પણ ફાયદો તો ડોલરને પણ થતો હતો. આના કારણે જ ડોલર વધુ મજબૂતાઈ મળતી હતી.

પીએલઆઈ યોજના રૂપિયાના મૂલ્યને આપી રહી છે ટેકો

સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત બિલમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા પાંચ વર્ષ માટેની પીએલઆઈ યોજના શરૂ કરવામાં આવી હતી.  દેશમાં પીએલાઈ યોજના માટે 14 ક્ષેત્રોની પસંદગી કરવામાં આવી હતી.  તેમાં ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, ફૂડ પ્રોડક્શન સહિત આઈટી હાર્ડવેર જેવા સેક્ટરનો સમાવેશ થાય છે.  આ યોજના હેઠળ 1.97 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ હતો. સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહી છે. આ યોજના હેઠળ 14 ક્ષેત્રોમાં 2.34 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. આ યોજના રૂપિયાને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ડોલર સામે વિશ્ર્વની મોટાભાગની કરન્સીની હાલત ખરાબ 

લીરા : તુર્કી લીરાની વાત કરીએ તો ડોલર સામે લીરામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 14 જુલાઈ, ગુરુવારે, ડિસેમ્બર 2021 પછી પ્રથમ વખત લીરાનું મૂલ્ય ઘટીને 17.5 પ્રતિ ડોલર થયું હતું.  જુલાઈ 2021 માં યુએસ ડોલર સામે લીરાની કિંમત 8 આસપાસ હતી, જે એક વર્ષ પછી 16 થી ઉપર રહી છે.

યુરોપિયન યુરો : ડોલરની સરખામણીમાં યુરોપિયન દેશોની કરન્સી યુરોની સ્થિતિ પણ બહુ સારી નથી.  આ મહિને ડોલર સામે યુરોમાં બે વખત જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.  બુધવાર, 13 જુલાઈના રોજ, યુરો ડોલર સામે સમાન સ્તરથી નીચે ગયો.  લગભગ બે દાયકામાં આ પ્રથમ વખત યુરોમાં આટલો ઘટાડો જોવા મળ્યો હતો.  જુલાઈ 2021 માં, એક ડોલર 0.84 યુરો બરાબર હતો.  જ્યારે જુલાઈ 2022માં તે સતત 0.95 યુરોથી ઉપર રહ્યો છે.

 બ્રિટિશ પાઉન્ડ : 15 જુલાઈ 2021ના રોજ, એક બ્રિટિશ પાઉન્ડની કિંમત 1.38 યુએસ ડોલર હતી જે જુલાઈ 2022માં ઘટીને 1.17 યુએસ ડોલર થઈ ગઈ છે.  માર્ચ 2020 પછી પાઉન્ડનું આ સૌથી નીચું સ્તર છે.  બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વારંવાર વ્યાજદરમાં વધારો કરવા છતાં 2022માં સ્ટર્લિંગમાં તીવ્ર ઘટાડો થયો છે.

 ચીની યુઆન:  15 જુલાઈ 2021ના રોજ એક યુએસ ડોલર 6.46 યુઆન (રેનમિન્બી) ની બરાબર હતો, જે 15 જુલાઈ 2022ના રોજ 6.79 યુઆન થઈ ગયો.  અગાઉ 10 મે, 2022 ના રોજ, યુએસ ડોલર સામે ચીની યુઆનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 6.7134 પર પહોંચી ગયો હતો.  ઝીરો કોવિડ પોલિસીના કારણે કડક લોકડાઉન અને રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીને કારણે ચીનમાં આર્થિક વૃદ્ધિ દર પર ખરાબ અસર પડી છે, તેથી યુઆન દબાણ હેઠળ રહેવાની ધારણા છે.

જાપાનીઝ યેન : જાપાની યેન પણ યુએસ ડોલર સામે નબળો પડી રહ્યો છે.  યેન 22 જૂન, 2022ના રોજ ઘટીને 136.45 પ્રતિ ડોલરના 24 વર્ષના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો.  2022 માં, યેન ગ્રીનબેકની સામે 18 ટકાથી વધુ ઘટ્યો છે.  15 જુલાઇ, 2022ના રોજ ડોલર 138.80 યેન પર હતો, જે એક વર્ષ પહેલા આ જ દિવસે 109.98 યુઆન હતો.

કેનેડિયન ડોલર : છેલ્લા એક વર્ષથી, કેનેડિયન ડોલર, જે યુએસ ડોલર સામે 1.28 ની આસપાસ ફરતો હતો, તે પણ 14 જૂન, 2022 થી સતત ખચકાઈ રહ્યો છે.  અત્યારે તેની કિંમત એક યુએસ ડોલર માટે ઘટીને 1.32 થઈ ગઈ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.