Abtak Media Google News

નિકાસકારોની સ્થિતિ સુધારવા સરકારે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ઘટાડો કરવો જોઇએ: સરકાર નિકાસકારોને આપી શકે છે ઇન્ટરનલ સબસિડી

વૈશ્વિક સ્તર પર ભારત દેશ અનેકવિધ ચીજવસ્તુઓનું નિકાસ કરતું જોવા મળે છે ત્યારે નિકાસ સબસીડી ભારત દેશ દ્વારા જે લાગુ કરવામાં આવી હતી તેનાથી અમેરિકાને ઘણી માઠી અસર પહોંચી હોવાનું સામે આવ્યું છે. જે દિશામાં અમેરિકા દ્વારા ભારત વિરુઘ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં ભારતની નામોશીભરી હાર જોવા મળી હતી. હાલ પ્રશ્ન એ ઉદભવિત થઈ રહ્યો છે કે, નિકાસ સબસીડી ઉપર શું કાતર ફરશે ? જો નિકાસ સબસીડી ઉપર રોક મુકવામાં આવશે તો ભારત દેશનાં નિકાસકારો સૌથી વધુ પ્રભાવિત થશે. ભારત દેશ જો ડબલ્યુટીઓ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નીતિ-નિયમોનાં આધારે વેપાર કરવા માંગતું હોય તો તેઓએ એમઈઆઈએસ એટલે કે મર્કન્ડાઈઝ એકસપોર્ટ ફ્રોમ ઈન્ડિયા સ્કિમ, ઈઓયુએસ એટલે કે એકસપોર્ટ ઓરીયેન્ડેટ યુનિટસ તથા ઈપીસીજી એટલે એકસપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડઝ સ્કિમોમાં ધરખમ ફેરબદલ કરવા પડશે.

Advertisement

અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં માહિતી આપી હતી કે, ભારતીય દેશ દ્વારા જે ઈનસેટીવ પોલીસી નિકાસને લઈ લાગુ કરવામાં આવી છે તેનાથી અમેરિકાને ઘણી અસર પહોંચી છે. જેથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડીએફઆઈએસ હેઠળ જે પ્રોહિબીટેડ સબસીડી છે તેને આગામી ૯૦ દિવસમાં હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે તેની સાથોસાથ ઈપીસીજી અને એમઈઆઈએસ સ્કિમોની પ્રોહિબીટેડ સબસીડીની સમય મર્યાદા ૧૨૦ દિવસ અને સેઈઝ સ્કિમમાં ૧૮૦ દિવસમાં જે નાબુદ કરેલી સબસીડીઓ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમો અનુસાર તેને નાબુદ કરવાની રહેશે. આ અંગે વધુ વિગત મેળવવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ભારત દેશે જે નીતિ-નિયમોને અનુસરવાના હોય તે કરવામાં તેઓ અસફળ રહ્યા છે જેના કારણોસર તેઓને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં હારનો સામનો કરવો પડયો છે.

નિકાસકારોને ઇન્સેન્ટીવ સ્વરૂપે પ્રોત્સાહન આપવા શિપીંગ ખર્ચ, ક્લીયરીંગ અને માઇક્રો લેવલથી સરકારે પ્લાનિંગ કરવું જોઇએ: ધનસુખભાઇ વોરા

ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સનાં ધનસુખભાઈ વોરાએ અમેરિકા દ્વારા જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ભારતની ક્રેડિટ સ્કિમને ચેલેન્જ કરી હતી તે અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશની જે ડબલ્યુટીઓમાં હાર થઈ છે તેનાથી દેશનાં નિકાસકારોને ઘણી તકલીફનો સામનો કરવો પડશે. ક્રેડિટ સિસ્ટમ અને સબસીડી નાબુદ થતા ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધારો કરવો પડશે કે જે સબસીડી પ્રમાણેની રકમ હોય પરંતુ આ કાર્ય ભારત દેશ માટે ખુબ જ કઠિન છે જેનું બીજુ કારણ એ પણ છે કે સરકાર પાસે જે નાણાભંડોળ હોવું જોઈએ તે નથી. ભારત દેશનાં નિકાસકારો વૈશ્ર્વિક સ્તર પર જો નિકાસ કરવી હોય તો સબસીડી આવશ્યક છે ત્યારે સબસીડી હટતાની સાથે જ નિકાસનું કામ અટકી પડશે અને જો સબસીડી વગર કાર્ય એટલે કે નિકાસ કરવામાં આવે તો તેનું આકલન પણ એટલું જ ઓછું થશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે ચાઈના તેના નિકાસકારોને મદદ કરી રહી છે તે દિશામાં પણ ભારતે વિચારવું જોઈએ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન તરફથી ભારતને જે હારનો સામનો કરવો પડયો છે તેનાથી દેશમાં થતા એન્જીનીયરીંગ ગુડઝનાં ઉત્પાદન તથા કેમિકલ ગુડઝનાં ઉત્પાદનમાં માઠી અસર પહોંચશે. આગળનાં સમયમાં નિકાસની સ્થિતિ ખુબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરશે. સરકારે જો નિકાસને પ્રોત્સાહન આપવું જ હોય તો તેઓએ ઈનસેટીવ સ્વરૂપે ખર્ચમાં ઘટાડો કરવો પડશે. શીપીંગ ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, માલનાં કલિયરીંગ ખર્ચમાં ધરખમ ફેરબદલ કરવો પડશે. તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે સરકાર જો માઈક્રો લેવલથી પ્લાનીંગ નહીં કરે તો નિકાસકારોની સ્થિતિમાં સુધારો સહેજ પણ નહીં આવી શકે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર સબસીડીમાં જે રોક મુકવામાં આવી છે તેના પર સરકાર કોઈ પગલા નહીં લઈ શકે પરંતુ ઈન્ટરનલ સબસીડી મારફતે નિકાસકારોને મદદ કરી શકશે જેમાં તેઓ તેમના પોસ્ટ ઓફ પ્રોડકશનમાં ઘટાડો કરી નિકાસની સ્થિતિને સુધારવામાં પ્રયત્નશીલ પણ બની શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.