Abtak Media Google News

લોકસભાની ચુંટણી પૂર્વ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વિસાવદરના ‘આપ’ ના ધારાસભ્ય ભુપતભાઇ ભાયાણીએ ગઇકાલે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ આજે સવારે વિધાનસભા અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. હવે તેઓ ગમે તે ઘડીએ ઘર વાપસી કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે.

વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું: હવે ભાજપમાં જોડાશે: ‘આપ’ના હજી બે ધારાસભ્યો રાજીનામા આપશે?

ગત વર્ષ ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ 156 બેઠકો જીતી રાજયમાં સતત સાતમી વખત સત્તારૂઢ થયો છે. કોંગ્રેસ 17 બેઠકો જીત્યું હતું. જયારે આમ આદમી પાર્ટીના ફાળે પાંચ બેઠકો આવી હતી. રેકોર્ડ બેંક બેઠકો છતાં ભાજપ દ્વારા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ‘આપ’ના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. જેમાં સત્તાધારી પાર્ટીને સફળતા મળી છે. વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઇ ભાયાણીએ ગઇકાલે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન આજે સવારે તેઓએ ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ગમે તે ઘડીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુપતભાઇ ભાયાણી  વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓ જુનાગઢ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે પણ રહી ચુકયા છે. ભ્રષ્ટાચારના આરોપોના કારણે ભાજપે તેઓને સસ્પેન્ડ કર્યા હતા. સરપંચથી લઇ ધારાસભ્ય તરીકે ભુપતભાઇ ભાયાણીની રાજકીય કારકીર્દી ખુબ જ રસપ્રદ રહેવા પામી છે.

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ ભુપતભાઇ ભાયાણી ભાજપમાં જોડાશે. દરમિયાન આગામી દિવસોમાં વિસાવદર બેઠક માટે પેટા ચુંટણી યોજાશે જેમાં ભુપતભાઇ ભાયાણી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તે નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યું છે. 2022માં વિસાવદર બેઠક પરથી હર્ષદ રીબડીયા જેવા માંધાતાને હરાવી ‘આપ’ ના ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.

લોકસભાની ચુંટણી પૂર્વ આમ આદમી પાર્ટીને તોડવામાં ભાજપને સફળતા મળી હતી. ‘આપ’ ના પાંચ ધારાસભ્યો પૈકી ભુપતભાઇ ભાયાણીએ કેસરીયા કરી લીધા છે. હવે બાકીના ચાર ધારાસભ્યોને તોડવામાં પણ ભાજપ એડી ચોટીનું જોર લગવશે તે નિશ્ર્ચીત છે. લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપે રાજયની તમામ ર6 બેઠકો પાંચ લાખ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ ટારગેંટને હાંસલ કરવા માટે ભાજપ કોઇપણ વ્યુહ રચના અપનાવી શકે છે.

રેકોર્ડ બ્રેક બેઠકો હોવા છતાં ભાજપ દ્વારા અન્ય પક્ષોના ધારાસભ્યોને તોડવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની આલોચના થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.