Abtak Media Google News

સરકાર માટે કૃષિ કાયદાનો અમલ ફરજીયાત: હવે કાયદો પાછો ખેંચાય તો ‘ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય’ તે ન પરવડે તેવી સ્થિતિ

કૃષિ કાયદાના નિર્માણ અને તેના અમલના મુદ્દાને લઈને સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ઉભી થયેલી મડાગાંઠ ઉકેલવા માટે ખેડૂત સંગઠનો અને સરકાર બન્ને પક્ષ અત્યારે ઉંધામાથે થયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કાયદાની રચના અને તેનો અમલ હવે સરકાર અને ખેડૂત વચ્ચેનો મુદ્દો રહ્યો ન હોય અને રાજકીય મુદ્દો બની ગયો હોય તેવી સ્થિતિમાં આ દ્વંદ યુદ્ધ કેવા વળાંક લે અને ક્યાં પહોંચે તે અત્યારે જો અને તો ના પરિઘમાં આવી ગયું છે.

બન્ને પક્ષોની પરિસ્થિતિ જોઈએ તો સરકાર માટે રાજકીય અને વહીવટી રીતે કૃષિ કાયદો અને તેનો અમલ અનિવાર્ય છે. કમાનમાંથી તિર છુટ્યા પછી તેને વાળવું મુશ્કેલ જ નહીં પરંતુ અશકય હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ખેડૂત સંગઠનોને વિપક્ષની રાજકીય સેહ મળે તેમાં કોઈ સંદેહ નથી. સરકારના ભીડવવા માટે અત્યારે કૃષિ કાનૂનના આ આંદોલનને સંપૂર્ણપણે રાજકીય રીતે વાપરવામાં આવતો હોય તેવું ચિત્ર ઉભુ થયું છે. સરકાર માટે હવે પાછીપાની કરવી શક્ય નથી. હા બન્ને પક્ષો પોત-પોતાનું સ્થાન અડગ રીતે જાળવી રાખીને આ પ્રશ્ર્નની મડાગાંઠ ઉકેલવા આતુર છે પરંતુ સરકાર માટે હવે કૃષિ બીલ પાછુ ખેંચવું શકય નથી.

કૃષિ બીલને રાજકીય પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવા માટે કેટલાક પરિબળો કામે લાગી ગયા હોય તેવા સંજોગોમાં સરકાર માટે આ બીલ અનિવાર્ય છે. સરકાર સુધારા વધારા માટે તૈયાર છે પરંતુ કિસાન સંગઠનો કોઈપણ સંજોગોમાં આ બીલની અમલવારી ન જ થવી જોઈ અને કૃષિ કાયદો પાછો ખેંચવાની માંગમાં અડગ છે ત્યારે સરકાર માટે પરિસ્થિતિ કાયદો પાછો ખેંચે તો ‘ડોસી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય એ ન પોસાય’ તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

શુક્રવારે આંદોલનકારી ખેડૂત સંગઠનોએ સરકાર તરફથી વાતચીતના પ્રસ્તાવને આવકાર્યો છે અને ૩ કૃષિ કાયદાને લઈને ઉભી થયેલી મડાગાંઠ ઉકેલવા માટેના પ્રયાસોમાં સકારાત્મક વલણ અપનાવ્યું છે. સંગઠનોએ શનિવારે કેન્દ્રનો પ્રસ્તાવ સ્વીકારવો કે નહીં તેની એક બેઠક બોલાવી છે. આંદોલનકારી ખેડૂત આગેવાનોએ નામ ન દેવાની શરતે જણાવ્યું છે કે, તેમને લઘુતમ ટેકાના ભાવ અને પડતર ભાવ મુજબ ખેડૂતોને પોતાની જણસનું ભાવ બાંધણુ થાય તેવી બાહેધરી મળે તો સમાધાન માટે તૈયાર છે. નેતાએ એમ પણ જણાવ્યું હતું કે, ખેડૂતો હવે સરકાર સાથે નિશ્ર્ચિત મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અગ્રસચિવ વિવેક અગ્રવાલે ખેડૂત સંગઠનોને આ કૃષિ કાયદામાં લઘુતમ ટેકાના ભાવોની જોગવાઈને કોઈ અસર નહીં થાય તેવી ખાતરી આપી હતી. સંયુક્ત કિસાન મોરચાના ૪૦ સંગઠનો પરિણામ સુધી આંદોલન કરવા તૈયાર છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલનને રાજકીય મુદ્દો બનાવનારાને ચેતવ્યા હતા. લઘુતમ ટેકાના ભાવથી આગળ વધી ખેડૂતો હવે ભાવ બાંધણા તરફ પોતાની માંગને આગળ વધારી રહ્યાં છે. ખેડૂતોનું આંદોલન રાજકીય રીતે આગળ વધતું હોવાના દિશાનિર્દેશને લઈ ખેડૂતોએ સ્પષ્ટતા કરી હતી કે, આ આંદોલન ખેડૂતોના હિતમાં જ ચલાવવામાં આવી રહ્યું છે, ખેડૂતો ક્યારેય કોઈનો હાથો બનવા પસંદ કરતા નથી.  કૃષિ કાયદાની મડાગાંઠ ઉકેલવા અત્યાર સરકાર અને સંગઠન ઉંધામાથે હોય તેવી પરિસ્થિતિ વચ્ચે ઉકેલ માટે પ્રયાસો થઈ રહ્યાં છે.

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ઉભી થયેલી કૃષિ કાયદા અંગેની મડાગાંઠનો ઉકેલ જો પરસ્પર બન્ને પક્ષે સમજદારી કેળવવામાં આવે તો આ પ્રશ્ર્નનો ઉકેલ હાથવેંતમાં જ હોવાનું મનાય રહ્યું છે પરંતુ રાજકારણ અને સામસામે ઉભી થયેલી પ્રતિષ્ઠાનો જંગ જેવી પરિસ્થિતિમાં કૃષિ કાયદાની મડાગાંઠને રાષ્ટ્રહિતમાં મુલવવી જોઈએ. આ મુદ્દાનો ઉકેલ પરસ્પર વાટાઘાટથી શકય છે તે વાત જેટલી વહેલી સમજાય તેટલું સારૂ ગણાશે. સરકાર માટે આ કાયદો પાછો ખેંચવો શકય નથી. ખેડૂતોએ પોતાની હિતમાં કૃષિ કાયદાના અમલની કવાયતમાં જરૂરી સુધારા-વધારા અને સમસ્યાના ઉકેલની મહત્તમ પ્રયાસો કરવા જોઈએ. આ મુદ્દાનો ઉકેલ આંદોલન કે રાજકીય રાગદ્વેશથી નહીં પરંતુ સમાધાનકારી વલણથી જ આવે તે નિશ્ર્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.