Abtak Media Google News

ચાલુ પેસેન્જર ટ્રેનોમાં ખેલાતો ગંજીપાના ઉપર રમાતો જુગાર આમ તો ઠગાઈ અને છેતરપિંડી જ હતો

ફોજદાર જયદેવ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં પંદર દિવસના ટેમ્પરરી હૂકમ ઉપર આવ્યો હતો. પણ ત્રણ ચાર મહિના થવા છતા બીજો કોઈ હુકમ થતો નહતો. તેમ છતા આવી અવઢવ વાળી પરિસ્થિતિમાં ગોધરા સ્થાયી થવા પ્રયત્ન કરતો હતો.

તેવામાં થોડા સમયમાં સુરેન્દ્રનગર ખાતેના તેના મિત્ર અને જિલ્લા માહિતી અધિકારી એવા શ્રી ભુપેન્દ્રભાઈ દવેની બદલી પણ પંચમહાલ જીલ્લામાં થતા તેઓ ગોધરા કલેકટર કચેરી ખાતે હાજર થયા આથી જયદેવને થોડુ આશ્વાસન થયુંં કે એક સારી કંપની તો મળી !

તે સમયે ગોધરા રેલવે સ્ટેશનની સરકારી જીપ હતી. પરંતુ એવા વિસ્તારો કે જંગલમાં કે પહાડી અંતરીયાળ વિસ્તારોમાં આવેલી રેલવે ટ્રેકો ઉપર પોલીસ જીપ જઈ શકે તેમ નહોય ત્યાં જવા માટે ગોધરા સ્ટેશન માસ્તરને રીપોર્ટ આપતા તેઓ અકે ખાસ મેમો કાઢી આપતા આથી જતી આવતી માલગાડીના ડ્રાઈવર નકકી જણાવેલ જગ્યાએ અધ વચ્ચે પણ ઉતારી દે. આ માલગાડીનો ગાર્ડ નો ડબ્બો જે ખાસ આકારનો અલાયદો હોય છે જે ડબ્બા કે કેબીનમાં ખૂબજ આંચકા અને થડકા લાગતા હોય છે. આથી આ રીતે માલગાડીમાં જવાનું થાય ત્યારે જયદેવ ડ્રાઈવર સાથે જ એન્જીનમાં ચડી જતો અને તે મુસાફરીનો પણ આનંદ લેતો પહાડી ઈલાકા અને ઘનઘોર જંગલો અને ઘાટીઓમાંથી પસાર થતા એન્જીનની મુસાફરી કાંઈક અલગ જ આનંદદાયક હોય છે. આ જંગલોમાં રહેતા લોકો અલગ અલગ ટેકરાઓ ઉપર નાના નાના ઝુપડાઓ બનાવી રહેતા. દિવસના ગરીબ અને ભીરૂ લાગે. પરંતુ પોલીસના કહેવા મુજબ રાત્રે આ લોકો દારૂ પીધા પછી ભયંકર હેવાન અને આક્રમક બનતા હોય છે.

બે રાજયની સરહદ ઉપર અનાસ નદીના બ્રીજ ઉપર તે સમયે સીંગલ ટ્રેક રેલવેનો બ્રીજ હતો. આથી ડબલ ટ્રેક ઉપર પસાર થતી ટ્રેનોને અનાસ બ્રીજ આવતા કેટલીક વખતે ઉભુ રહેવું પડતુ આથી ઉભેલી ટ્રેન અથવા માલગાડીના ડ્રાઈવર કે ગાર્ડને સાવ સામાન્ય ચીજ જેવી કે ટીફીન કે કાંડા ઘડીયાળ સામેથી આપી દેવા છતા આ લોકો અતી ગંભીર ઈજાઓ પહોચાડતા, જયદેવે આ લોકોની જ્ઞાતીના પણ પોલીસ ખાતામાં ભરતી થયેલા કોન્સ્ટેબલથી આ બાબતે જાણ્યું અને જે હકિકત જાણી તેથી આશ્ચર્ય પામી ગયો. રાત્રીનાં આ લોકોને લાખો રૂપીયાનો માલ સામનો કર્યા સિવાય એમને એમ આપી દયો તો પણ માલ લીધા પછી પણ ઈજા કર્યા સિવાય કે મારમાર્યા સિવાય રહેતા નથી. કેમકે આ લોકો એવું માને છે કે મહેનત કર્યા સિવાય કાંઈ લેવાય નહિ ! અને મહેનત વગરનું પચે પણ નહિ ! અરે ભલા માણસો તમારી આ મહેનત (ભોગ બનનાર વ્યકિતને મારવાની)થી તો બીજાની જીંદગી બગડી જાય તેનું શું?

રેલવે વિસ્તારમાં આમતો અસામાજીક પ્રવૃત્તિ ખાસ હતી નહિ પરંતુ ગોધરા ટાઉનનાં વરલી મટકાના ટાયા ફન્ટરીયા આંકડા લખવાનો ધંધો રેલવે સ્ટેશનની બહાર કરતા હતા. પરંતુ કોઈ ભય કે જોખમ લાગે તો રેલવેના પાર્કિંગ કે યાર્ડમાં પણ આવી જતા. આથી જો કોઈ કેસ થાય તો જાય રેલવે પોલીસ સ્ટેશનમાં અને ગોધરા ટાઉન પોલીસ મજામાં! આમ ‘જમવામાં જગલો અને માર ખાવામાં મગનો’ એવો ઘાટ થાય.

મધ્ય પ્રદેશ અને બિહાર બાજુથી અફીણ હથીયારો (દેશી કટા તમંચા) અને ઈગ્લીશ દારૂ પણ રેલ રસ્તે ચોરી છૂપીથી આવતો. આથી ડી.સ્ટાફ તથા પેટ્રોલીંગના માણસો સતત ચાલુ ટ્રેને તથા પ્લેટફોર્મ ઉપર પેટ્રોલીંગ કરતા અને ઘણા કેસો પકડાતા પણ ખરા. જુગારની એક નવતર પધ્ધતિ અહી જોવા મળી. આમતો આને જુગારને બદલે છેતરપીંડી કે ઠગાઈ જ કહી શકાય. ગોધરાના અમુક ઠગ ગુનેગારો જેનો નેતા સીકંદર હતો તેની ટોળકીમાં પાંચથી છ સભ્યો હતા.

આ ટોળકીના સભ્યો અલગ અલગ પ્રકારનાં પહેરવેશ પહેરીને (બહૂરૂપી માફક) કોઈ પંજાબી, કોઈ જૈન વેપારી કે કોઈ ભગત કે અન્ય પહેરવેશ ધારણ કરી સવારે સવા સાત વાગ્યે મુંબઈથી આવતા દહેરાદૂન એકસ્પ્રેસના એક સારા પેસેન્જર વાળા ડબ્બાની શોધ કરી તમામ જુદી જુદી રીતે એક બીજાના અજાણ્યા હોય તેમ ડબ્બામાં ચડે અને ગોઠવાતા જાય.ગોધરાથી જેવી ટ્રેન ચાલુ થાય કે તુરત જ એક પીઢ વ્યકિત સફેદ બગલાની પાંખ જેવો લેંધો ઝબ્બો પહેરેલ હાથામં અકિક વાળી કિમંતી વીટીઓ ધારણ કરેલી હોય બે આંગળી વચ્ચે દબાવેલી ધુમાડા કાઢતી સીગારેટ, માથા ઉપર સફેદ વાળ અને ગોરી ચામડી વાળો કોઈ મોટા વેપારીના રૂપમાં સિકંદર ડબ્બામાં પ્રવેશ કરે. આથી અગાઉથી થયેલ ગોઠવણ મુજબ અગાઉથી જ જગ્યા પચાવીને બેઠેલ તેનો ટાયો જે તેનાથી અજાણ્યો હોય તેવો દેખાવ કરી જાણે પોતે નમ્ર અને વિવેકી હોય તેમ સિકંદરને વડીલ તરીકે માન આપી નમ્ર ભાષામાં ‘ચાચા આઈએ ઈધર આઈએ બેઠો બેઠો’ કહી ઉભા થઈ જગ્યા આપી સજ્જનતા અને વિવેકનો રોલો પાડે વળી સિકંદર પણ હિન્દી ભાષામાં જ આભાર માની ને કહે ‘બૌત બૌત ધન્યવાદ’ બાકી અભી કે જયાદાતર લોગો મેં તો બુઝર્ગો પ્રતિ આમન્યા કમ હોતી જા રહી હૈ, આપ જૈસે સજજન કમ દીખાઈ દેતે હૈ’ કહી જગ્યા લે,. અને હવે ખરો ખેલ શરૂ થાય.

પરંતુ આ પહેલા તેના ટાયાઓ એ આ ટ્રેનના ડબ્બામાં કોઈ જોખમ (પોલીસ)છે કે કેમ તેની ખાત્રી કરી લેતા હોય છે. જો જોખમ હોય તો તેનો ટાયો જ સિકંદરને કહે ‘સીઝન ઠીક નહિ હૈ’ અને ઠગાઈ ચાલુ કરવાની હોય તો ‘મૌસમ અચ્છી હૈ’ આથી સિકંદર ગંજીપાના પત્તા કાઢે અને ટાઈમ પાસ ના નામે ‘રમત’ ચાલુ કરે. લાલ, કાળી અંદર બહાર કરે અને તુરંત જ મોટી હારજીત તેમની ટોળીના જ સભ્યો એકઠા થઈને ચાલુ કરે દેખાવ એવો કરે કે સિકંદર હારતો હોય અને બીજા તેના ટાયા પુષ્કળ પૈસા જીતતા હોય પણ તેતો તેના જ માણસો હોય છે.

બીચારા મુસાફરો આ ઠગલીલા શું જાણે? આ લલચામણી રમતમાં અજાણ્યા લાલચુ મુસાફરો નસીબ અજમાવવા પડે અને હારવા ગુમાવવામાં તો તેઓ જ હોય, કદાચ એકાદ બાજી જીતવા દે બાકી તેને ઘોયેલ મુળા જેવો કરી દે ! ટ્રેન આરીતે એકાદ કલાક ચાલે ત્યાં તો પુષ્કળ મુસાફરો ખંખેરાઈ જતા હોય છે. હારવામાં ટણક ટોળકીનો મુખ્યો સિકંદર પણ હોયતે વળી બોલતો જાય ‘સાલા આજ દિન હી ખરાબ નીકલા પાના ચલતા હી નહિ હૈ!! આમ મુસાફરોને ઠગાઈની શંકા પણ જાય નહિ.

આ દરમ્યાન ટ્રેન સંતરોડ કે પીપલોદ સ્ટેશને પહોચે અને જો સામેથી ફીરોઝપૂર જનતા એકસ્પ્રેસનું ક્રોસીંગ થાય તો બાજી સંકેલીને તમામ ફરી એક જ પધ્ધતિએ ગોધરા તરફ જતી ટ્રેનમાં ચડી જાય, જો મોડી હોય તો છેક દાહોદ સુધી ચાલ્યા જાય અને દાહોદથી ફીરોઝપૂર જનતા ટ્રેન પકડીને પાછી તેજ પધ્ધતીથી ટ્રેનમાં પ્રવેશ કરી એજ કલાકારીગીરી અને કસબ અજમાવવાનો અને લોકોને ઠગવાના, દરેક ટ્રેનમાં તો મુસાફરો હંમેશા નવા જ રહેવાના ! આથી આ ઠગ લોકો નિયમિત ફાવતા પણ કયારેક કોઈ માથા પેસેન્જર સામટા ભેગા થઈ જતા તો ધોલાઈ પણ થતી તેવી વાતો સંભળાતી.

સામાન્ય રીતે ઓછા શિક્ષણ ને કારણે અમુક નીચેની કક્ષાના કર્મચારીઓમાં દારૂ જુગારની કૂટેવો અને આદતો પ્રમાણમાં વધુ જોવા મળે છે. આમાં ઓછા શિક્ષણ ઉપરાંત દેખાદેખી, ખરાબ સંગત અને સમજણ શકિતનો અભાવ ઉપરાંત કાયદાની અસરકારકતા પણ કંઈક અંશે રોલ ભજવતી હોય છે. આમ મુશ્કેલીઓ છતા અમુક લોકો કુટેવ છોડતા નથી.

જયદેવ પોતાના રેલવે કવાર્ટરમાં જવા માટે પ્લેટ ફોર્મ નં. એક ઉપરથી રેલવે યાર્ડ પસાર કરી ને જતો રેલવે યાર્ડ  પુરૂ થતા આ કોલોનીમાં જવા માટેના રસ્તામાં નાના કર્મચારીઓ માટેની લાઈન આવતી. આ કોલોનીમાં અલગ અલગ કક્ષાના મકાનો હારબંધ હતા. આ પ્રથમ લાઈનમાં જ એક કવાર્ટરમાં એક નાનો કર્મચારી (ફેલવાળો જેવો લાગતા) હંમેશા ઘર બહાર ખાટલો નાખી નીરાશવદને બેઠો હોય, તેના કવાર્ટરમાં બીજુ કોઈ સભ્ય ન હોય તેવું જણાતું હતુ એક દિવસ જયદેવે ડી સ્ટાફના પુંજાભાઈને પૂછયું કે આ બીચારો નિરાધાર લાગે છે. આથી પૂંજાભાઈએ જે જવાબ આપ્યો તે આશ્ચર્યકારક હતો.

પૂંજાભાઈએ કહ્યું ‘સાહેબ આ કર્મચારીને પત્ની બાળકો સાથે હર્યું ભર્યું ઘર અને સંસાર હતો. પણ આ વ્યકિત દારૂ પીવાની આદત વાળો તો હતો જ પરંતુ દારૂપીને જુગાર પણ રમતો. એક તો ગરીબાઈ હતી.જ તેથી તેને કોઈ ઉછીના પૈસા પણ આપતુ નહિ પરંતુ એક રેલવેના જ પંજાબી કર્મચારી તેને વારંવાર પૈસા ઉછીના આપતો ધીરેધીરે આ રકમ ખૂબ મોટી થઈ ગઈ. પંજાબીનું કુટુંબ પંજાબ રહેતું હતુ અને અહી પોતે રેલવેમાં એકલો નોકરી કરતો હતો. આ જુગારીયા અને નિરાધાર દેખાતા કર્મચારીથી ચોથુ જ મકાન આ પંજાબી કર્મચારીનું હતુ.

એક વખત પંજાબીએ બાકીનાં નાણાની ઉઘરાણી કડકાઈથી કરી પણ પૈસા હોય તો આપે ને? આથી આ જુગારીયા કર્મચારીએ પંજાબી સાથે છેલ્લી ગેઈમ ખેલી નાખવાનું નકકી કર્યું કે ચાલો છેલ્લી બાજી ખેલી નાખીએ જુગારીયાએ જ જાહેર કર્યું કે આ છેલ્લી બાજી હું જીતું તો મારૂ કરજ માફ અને જો હું બાજી હારી જાવ તો મારી પત્ની તમારી (દ્રોપદી માફક) પંજાબી તો તુરત સહમત થઈ ગયો. આથી ત્રણ ચાર સાક્ષીઓની હાજરીમાં આખરી બાજી મંડાણી, પરંતુ ગરીબના નસીબ પણ ગરીબ જ હોય તેમ જુગારીયો આખરી બાજી પણ હારી ગયો! આથી જુગારીયાએ આ હારી ગયાની વાત તેની પત્નીને કરી, જુગારીયાનીની પત્ની આમેય જુગારીયાની દારૂ પીવાની આદત અને સતત નાણાભીડ ને લીધે ત્રાસી ગઈ હતી. તેણે પંજાબીને કહ્યું હું એકલી નહિ મારા આ નાના બે સંતાનો પણ સાથે આવશે. પંજાબી સહજ રીતે જ સંમત થયો. આ પંજાબીનું મકાન પણ આ લાઈનમાં જ હતુ. આથી જયદેવ આવતા કે જતા પહેલા આ રાંકા અને ખાટલામાં ટુંટીયુ વળીને બેઠેલા જુગારીયાને જુએ અને તે પછી ચોથા મકાને પંજાબીના મકાનમાં કીલ્લોલ કરતા બાળકો અને તે સ્ત્રિને જોતો ! જયદેવ વિચારતો કે આદત અને લત માણસની કેવી હાલત બનાવી દે છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.