Abtak Media Google News

તેલ જુઓ, તેલની ધાર જુઓ

પામ તેલ માટે અનેક દેશોની હવે મલેશિયા ઉપર મદાર, જો મલેશિયા ઉત્પાદન વધારે તો જ રાહત મળવાની સંભાવના

યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે એક તરફ અનેક કૃષિ વેપારને અસર થઈ છે. તેવામાં ઇન્ડોનેશિયાએ સ્થાનિક અછત અને વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને રાંધણ તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયાતી કરી છે. જેનાથી વિશ્વભરમાં ખાદ્યતેલની સ્થિતિ વધુ વણસવાની ભીતિ સેવાઈ રહી છે.

યુક્રેન પર રશિયાના આક્રમણથી સૂર્યમુખી તેલના વેપારને અંધાધૂંધીમાં ધકેલાઈ ગયો છે. જેના કારણે વિશ્વભરમાં પામ તેલની ડિમાન્ડ વધી હતી. બીજી તરફ  વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દક્ષિણ અમેરિકામાં દુષ્કાળે સોયાબીનના પાકના કદમાં ઘટાડો કર્યો છે અને કેનેડામાં દુષ્કાળને કારણે કેનોલાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેનાથી પુરવઠામાં ઘણો ઘટાડો થયો છે.

વધુમાં ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરવાની જાહેરાત થતાં જ પામતેલ સહિતની તેલ બજાર ભડકે બળી છે. બીજી તરફ કોરોનાકાળથી અત્યાર સુધી પામ ખેતરોમાં કામ કરતા મજૂરોને મલેશિયા પ્રવેશ બંધી કરી હતી. હવે મલેશિયન ગવર્નમેન્ટે વિદેશના 32 હજાર મજૂરોને પ્રવશ છૂટ આપતા ત્યાં પામતેલ ઉત્પાદનમાં વૃદ્ધિ થતા જ વૈશ્વિક માલ ખાદ્ય હળવી થાય તેવી આશા સેવાઈ રહી છે. જો આવું થાય તો ભાવો નીચા આવવાની ઉજળી સંભાવના ઉભી થશે. આવા સંજોગોમાં સરકાર આયાતી ડયુટી ઝીરો કરે તો જ જનતાને તેલ સસ્તું મળે તેમ છે.

ભારતમાં ખાદ્યતેલની માંગ 240 લાખ ટન, તેમાંથી 100 લાખ ટન જ દેશમાં ઉત્પાદન થાય છે

ભારતમાં ખાદ્યતેલમાં ખૂબજ પરાવલંબન છે. દેશની ખાદ્ય તેલની કુલ માંગ 240થી 250 લાખ ટનની છે તેમાથી 140 લાખ ટન વિદેશથી આયાત થાય છે અને 100 લાખ ટન પ્રાદેશિક સ્થાનિક તેલ ઉત્પન્ન થાય છે. યુક્રેનથી અને રશિયાથી સનફ્લાવર તેલની આયાત થતી રહેતી હતી. પરંતુ હાલ યુદ્ધની વિષમ પરિસ્થિતિ છે. ભારતે મોટો મદાર પામ તેલ ઉપર રાખવો પડે છે, તેના પર સમગ્ર દેશનો નમકીન ઉદ્યોગ અને ડોમેસ્ટિક યુઝર્સનો આધાર છે. આ તેલમાં બનતા પદાર્થોની ’વેલિડિટી’ ખૂબ જ લાંબી રહે છે એ એમનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. 1980થી ભારતમાં વિદેશી પામોલિને પગપેસારો કર્યો છે, હવે સરકાર અને વપરાશકારો તેના ’આદી’ બની ગયા છે, અને સતત ભાવ વધારા થતા થતા પ્રાદેશિક તેલોની ભાવ સપાટીની લગોલગ આંબી ગયા છે.

પામ તેલમાં ઊંચી ડ્યુટી સરકાર માટે આવકનું મોટું સાધન

દેશની પામતેલની પ્રચંડ જરૂરીયાતને સરકારે આવકનું માધ્યમ બનાવી દીધું છે. પ્રાદેશિક તેલોના વપરાશને પ્રોત્સાહન આપવાના નામે આયાતી પામ તેલ ઉપર ઊંચી ડયૂટી ઝીંકી છે. આ બધો બોજો તો અંતિમ વપરાશકાર ઉપભોક્તા ઉપર જ આવે છે. એમાં યે મલેશિયા, ઈન્ડોનેશિયા પામતેલ માટે જેમ નચાવે એમ નાચવું પડે છે. આવી જ સ્થિતિ આયાતી રિફાઈન્ડ સોયાતેલમાં, સરસિયું, રાયડા તેલમાં ઉંચી આયાતી ડયુટી છે. તેલના વેપારમાં સરકારની ઊંચી ’ટકાવારી’ આમાં પ્રજાનું તેલ નીકળે છે. જેવી રીતે પ્રજા પેટ્રોલ-ડિઝલમાં સરકારી રાહે લૂંટાય છે એવી રીતે આયાતી તેલમાં પણ લૂંટાય છે!

સરકારે હવે પુરવઠા વિભાગને હરકતમાં લાવવાની જરૂર

તેલના ભાવોને નિયંત્રણમાં લાવવા સરકારે જંગી આયાત ડયૂટીમાં માત્ર 5 ટકાનો જ દર રાખવો પડશે અને સાથોસાથ પુરવઠાના દરોડાનો દોર ચાલુ કરવો જ પડશે, નહીંતર તેલના ડબ્બાનો ભાવ રૂા. 3000 ઉપર પહોંચી જતા વાર નહીં લાગે તેમ બજારના વર્તુળો કબૂલે છે.

સરકારે તેલીબિયાંના વાવેતરને પ્રોત્સાહન આપવું જરૂરી

લોકોને સ્વદેશી, પ્રાદેશિક તેલ ખાવું છે, સ્વનિર્ભર બનવું છે. પરંતુ પ્રાદેશિક તેલના ભાવો આસમાને આંબી ગયા હોય તો તે કેમ ખાવું ?તેલીબિયા ઉત્પાદનમાં 400 ટકાની વૃદ્ધિ થાય એવા પ્રયાસો કરી આયાતી તેલમાંથી મુક્તિ મેળવી સ્વનિર્ભર બનવું જોઈએ. આ માટે ખેતીની પડતર બેઝીક કોસ્ટ ઘટે તેવા પ્રથમ પ્રયાસ આદરી દેવા પડે. ખાતર, બિયારણના ભાવો છટાડી દેવા જોઈએ. તો જ ખેડૂતની આવકમાં ડબલ વધારો થાય, જનતાને ડામ દઈને ભાવો વધારવાને બદલે સરકારે ખેતીની પડતર ઘટાડીને ખેડૂતોને હજુ વધુ પ્રોત્સાહિત કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.