Abtak Media Google News

ધુળેટીના પર્વમાં શ્રમિકોનો વતન જવા ધસારો હોવાને પગલે રાજકોટ એસ.ટી.ડિવિઝને દાહોદ-ગોધરા રૂટ ઉપર ૧૫ એકસ્ટ્રા બસો દોડાવી: અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોના રૂટ ઉપર પણ મુસાફરોનો ધસારો

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા પર્વ નિમિતે દાહોદ અને ગોધરા વતન જવા શ્રમિકોમાં ધસારાને પહોંચી વળવા એકસ્ટ્રા ૧૫ બસો રાઉન્ડ ધી કલોક દોડાવવાનું આયોજન કર્યું છે. હાલ દાહોદ-ગોધરા ઉપરાંત અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ એસ.ટી.બસોમાં મુસાફરોની ચિકકાર ભીડ જોવા મળી રહી છે.

હોળી પર્વને અનુલક્ષીને દાહોદ-ગોધરા, ઝાલોદ સહિતના આદિવાસી અને પછાત વિસ્તારોમાં રહેતા શ્રમિકોનો માદરે વતન મનાવવા જતા હોવાથી એસ.ટી.બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રૂટ ઉપર એકસ્ટ્રા ૧૫ બસો એસ.ટી.તંત્ર દ્વારા રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવી રહી છે.

રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા અગાઉ ગિરનાર પરીક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં પણ વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેમાં એસ.ટી.નિગમને વધારાની જંગી આવક થઈ હતી. હવે આગામી તા.૧૨-૧૩ના રોજ ધુળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે આ તહેવારને અનુલક્ષીને રાજકોટ એસ.ટી.દ્વારા દાહોદ અને ગોધરા રૂટ ઉપર અત્યારથી જ ૧૫ જેટલી બસો એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે. દરરોજ ૧૦ બસો આ રૂટ ઉપર ભરાવાનો પ્રાથમિક અંદાજ છે.

રાજકોટની આજી જીઆઈડીસી, મેટોડા સહિતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પરપ્રાંતીય મજુરો મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. આ લોકો માટે હોળીનો પર્વ માદરે વતન પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ચાર-પાંચ દિવસ અગાઉથી શ્રમિકો મોટી સંખ્યામાં માદરે વતન જવા રવાના થઈ જતા હોય છે. જયારે રાજકોટથી ઉતરગુજરાતના આદિવાસી વિસ્તારના શહેરોમાં જવા માટે એસ.ટી.બસોમાં હાલ ભારે ટ્રાફીક જોવા મળી રહ્યો છે.

દાહોદ-ગોધરા ‚ટ ઉપર હાલ ૧૫ બસો એકસ્ટ્રા મુકવામાં આવી છે અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હજુ વધુ બસો મુકવાની એસ.ટી.નિગમની તૈયારી છે. ગઈકાલે શ્રમિકોના ધસારાને ધ્યાનમાં રાખી ઉપરોકત રૂટ ઉપર ૨૧ વધારાની બસો દોડાવવામાં આવી હતી. રાજકોટ ઉપરાંત ગોંડલ, ચોટીલા સહિતના અન્ય ડેપો ખાતેથી લાંબા અંતરના રૂટની બસો દોડાવવામાં આવશે.

ધુળેટી પર્વ નિમિતે શ્રમિકો ઉપરાંત રાજયોના પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ પણ ફરવા માટે સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. તેને પણ ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાં પણ મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને વધારાની બસો ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.