Abtak Media Google News

વોર્ડ નં.૧,૨,૪,૯ અને ૧૪ની વોર્ડ ઓફિસેથી કાલથી નવા અભિગમની શરૂઆત: ટુંક સમયમાં તમામ વોર્ડ ઓફિસેથી જન્મ-મરણના દાખલા મળે તેવી સુવિધા ઉભી કરાશે

શહેરીજનોને જન્મ-મરણ વિભાગની સેવાનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા માનવીય અભિગમની શ‚આત કરવામાં આવી રહી છે. કાલથી શહેરનાં પાંચ વોર્ડની ઓફિસેથી જન્મના દાખલાની નકલ મળી રહે તેવી સુવિધાનો આરંભ કરવામાં આવશે. ત્યારબાદ દરેક વોર્ડમાં જન્મ-મરણના દાખલા લોકોને મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાશે તેમ આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ માત્ર ૩ ઝોનલ ઓફિસના સિવિક સેન્ટરમાંથી જ જન્મ-મરણના દાખલાઓ મળે છે. માનવી ત્યાં સુવિધાનું સુત્ર સાર્થક કરવા માટે કાલથી મહાપાલિકા દ્વારા એક નવો જ અભિગમ શ‚ કરવામાં આવી રહ્યો છે. જેમાં જન્મના દાખલાની નકલ વોર્ડ કચેરીએથી મળી રહેશે. પ્રથમ તબકકામાં પાંચ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૧માં રામાપીર ચોકડી ફાયર બ્રિગેડની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ, વોર્ડ નં.૨ની ઓફિસ ગીતગુર્જરી સોસાયટી, રામેશ્ર્વર ચોક, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે, વોર્ડ નં.૪ની ઓફિસ જુના સીટી સ્ટેશનની બાજુમાં, મોરબી રોડ, વોર્ડ નં.૯ની ઓફિસ પેરેડાઈઝ હોલ પાસે, ત્રિલોક પાર્ક નજીક અને વોર્ડ નં.૧૪માં સીદુરીયાખાન શોપીંગ સેન્ટર પાસે, કોઠારીયા રોડ ખાતેથી અરજદારોને જન્મના દાખલાની નકલ મળી રહેશે. અઠવાડિયા બાદ દરેક વોર્ડમાં નિયત કરેલી વોર્ડ ઓફિસેથી જન્મના દાખલા પ્રાપ્ત થશે.ત્યારબાદ ૧૫ દિવસમાં નિયત વોર્ડ ઓફિસેથી મરણના પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, લોકોને નિયમાનુસાર પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. જેમાં વર્ષ ૧૯૮૫થી હાલની છેલ્લી તારીખ સુધી નોંધાયેલ જન્મના પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. આ કામગીરીનો સમય કોર્પોરેશનની ઓફિસ કામગીરીના સમય દરમ્યાન તથા કામગીરીના દિવસોએ જ પ્રાપ્ત થશે. પ્રમાણપત્ર મેળવવા નિયત અરજીપત્રક સાથે રજુ કર્યા બાદ મળી શકશે. પ્રતિ જન્મના દાખલા માટે નિયત કરેલ ફી રૂપિયા-૫ (પાંચ) ઓફિસે ભરવાની રહેશે. આ જન્મ પ્રમાણપત્ર જે તે વોર્ડમાં આવેલી નિયત કરેલ વોર્ડ ઓફીસમાંથી જ પ્રાપ્ત થશે. વોર્ડ ઓફિસેથી જન્મના દાખલામાં કોઈ જાતનો સુધારો થઈ શકશે નહીં. વોર્ડ ઓફિસેથી જન્મના દાખલામાં બાળકનું નામ દાખલ થઈ શકશે નહીં. અધૂરી વિગતવાળું પ્રમાણપત્ર મળી શકશે નહીં.

વોર્ડ ઓફિસેથી જન્મના દાખલાની નકલ આપવાના અભિગમનું કાલે સવારે ૧૦:૦૦ કલાકે વોર્ડ નં.૧૪ની વોર્ડ ઓફિસ ખાતેથી મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય શુભારંભ કરાવશે. આ તકે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર ઉદય કાનગડ, કિરણબેન સોરઠીયા અને વર્ષાબેન રાણપરા સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.