Abtak Media Google News

સુપર રીચ લોકો પર વધારાનો ટેકસ નાખવામાં નહીં આવે, સરકારે આ વાતને ખોટી ગણાવી તપાસનાં આદેશો આપ્યા

દેશનાં ઈન્કમટેકસ અને કસ્ટમમાં કાર્યરત આઈઆરએસ અધિકારીઓ દ્વારા દેશનાં ધનાઢય લોકો પર કોરોના ટેકસ દાખલ કરવા માટેના સુચનોને લઈ તમામ અધિકારીઓ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે, ધનાઢય લોકો ઉપર વધારાનો ટેકસ નાખવામાં નહીં આવે અને સરકારે તપાસનાં આદેશો પણ આપ્યા છે.

અત્યંત ધનિક લોકો પર વેરો વધારવાની ભલામણના એક દિવસ બાદ, નાણાં મંત્રાલયે રવિવારે આ વિચારને નકારી કાઢી અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. શનિવારે એક અહેવાલમાં ભારતીય રેવેન્યુ સર્વિસ એસોસિએશને ખૂબ ધનિક લોકો પર વેરો વધારવાનું સૂચન કર્યું હતું. આ અહેવાલની જાહેર કરી દેવાની વાતને બેદરકારી માનવના સંકેત આપતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ કહ્યું કે આઈઆરએસ અથવા અહેવાલમાં ઉલ્લેખિત અધિકારીઓના કોઈપણ જૂથને સરકારે ક્યારેય રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું ન હતું.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે ક્યારેય અહેવાલ બનાવવા માટે આઈઆરએસ એસોસિએશન અથવા આ અધિકારીઓને કહ્યું નથી. અધિકારીઓએ તેમના અંગત મંતવ્યો અને સૂચનો સાર્વજનિક કરવા પહેલાં કોઈ ઓર્ડર લીધા ન હતા અને આ નિયમોનું ઉલ્લંઘન છે. આ કેસમાં જરૂરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. નાણાંમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્રકારના બેજવાબદાર અને નાસમજી ભર્યા વિચારો જાહેર કરવા બદલ સંબંધિત અધિકારીઓએ સીબીડીટીના અધ્યક્ષ સમક્ષ ખુલાસો આપવો પડશે. આઈઆરએસના મંતવ્ય કોઈપણ રીતે મંત્રાલય અથવા સીબીડીટીના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. એક સ્રોતે કહ્યું કે લોકોએ આ વિચારને સંપૂર્ણ રીતે બાયપાસ કરવો જોઈએ. હકીકત એ છે કે નાણાંમંત્રાલય વર્તમાન કટોકટીમાં રાહત આપવા, સિસ્ટમમાં રોકડ વધારવા અને લોકોના જીવનને આરામદાયક બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. સરકારની ટીકા બાદ, આઈઆરએસએ એક ટ્વિટમાં કહ્યું કે ૫૦ યુવા અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ ફિસ્કલ ઓપ્શન એન્ડ રિસ્પોન્સ ટુ ધ કોવિડ-૧૯ એપેડેમિક (ફોર્સ)નો રિપોર્ટ સીબીડીટીને વિચારણા માટે મોકલ્યો હતો અને તે અધિકારીઓ અથવા આવકવેરા વિભાગના મંતવ્યોને પ્રતિબિંબિત કરતો નથી.

અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા રીપોર્ટમાં ૩થી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વર્તમાન ટેક્સ ૩૦%થી વધારીને ૪૦% કરવાની ભલામણ કરવામાં આવી છે. એટલે કે, વાર્ષિક રૂ. ૧ કરોડ કે તેથી વધુ આવક કરનારા લોકોને ૩૦% ને બદલે ૪૦% કર લાગશે. આ સિવાય ૫ કરોડ અથવા તેથી વધુ આવક કરનારાઓ માટે સંપત્તિ વેરો ફરીથી લાગુ કરવો જોઇએ. વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓના જૂથે આવક વધારવા માટે કોવિડ-૧૯ સેસ લાગુ કરવાની ભલામણ કરી છે. પેપર મુજબ અધિકારીઓના જૂથે ૪%ના દરે વન ટાઈમ કોવિડ રિલીફ સેસની ભલામણ કરી હતી. પેપરમાં પ્રારંભિક અંદાજ મૂકવામાં આવ્યો છે કે આ સેસથી લગભગ ૧૫ થી ૧૮ હજાર કરોડ સરકારી તિજોરીમાં જમા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.