Abtak Media Google News

રાજકોટ-અમદાવાદ ગોજારા હાઇવે પર આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોડાસાના ઠાકોર પરિવારના પિતા, બે પુત્ર અને ભત્રીજાના માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મોડાસાથી રાજકોટ દવા લેવા આવી રહેલા ઠાકોર પરિવારની ઇક્કો કાર ડોળીયા નજીક આયા ગામના પાટીયા પાસે પહોચી ત્યારે વહેલી સવારે ગાઢ ધૂમ્મસના કારણે બંધ ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારની ચાર વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં કાળનો કોળીયો બની જતા અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. ગોજારા અકસ્માતના બનાવની જાણ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટાફને જરુરી સુચન કરી  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાવ્યા હતા.

મોડાસાથી રાજકોટ દવા લેવા આવતા ઠાકોર પરિવારના પિતા, બે પુત્ર અને ભત્રીજાના કમકમાટી ભર્યા મોત

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોડાસાના ઠાકોર પરિવારના મોભીની રાજકોટ સારવાર ચાલુ હોવાથી ઇક્કો કારમાં પિતા તેમના બે પુત્ર અને ભત્રીજા સાથે દવા લેવા માટે રાજકોટ આવી રહ્યા હતા. ઇક્કો  કાર ડોળીયા પાસે પહોચી ત્યારે ગાઢ ધૂમ્મસના કારણે માર્ગ પર બંધ ઉભેલો ટ્રક ન દેખાવાના કારણે પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇક્કો કાર ટ્રકની પાછળ અડધાથી વધુ ઘુસી ગઇ હોવાથી પોલીસે ક્રેઇનની મદદ લઇ બહાર કાઢયા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

રાજકોટના નિવૃત પોલીસ પરિવારની ઇક્કો કારને તાજેતરમાં જ જીવલેણ અકસ્માત નડતા નિવૃત એએસઆઇ જે.યુ.ઝાલા, અને પૃથ્વીસિંહ જાડેજા સહિત ચારના મોત નીપજ્યા હતા. જ્યારે બે દિવસ પહેલાં જ આ હાઇ-વે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં સસરા-જમાઇના મોત નીપજ્યા હતા અને રાજકોટ પોલીસવાનને પણ અકસ્માત સર્જાયો હતો.

 

રાજકોટ-અમદાવાદ ગોઝારો હાઇવે: ત્રણ માસમાં અકસ્માતમાં 17 લોકો કાળનો કોળિયો બન્યા

રાજકોટ – અમદાવાદ હાઇવે દિનપ્રતિદિન ગોઝારો સાબિત થતો જોવા મળી રહ્યો છે. હાઇવે પર ચાલતા કામના કારણે અકસ્માતમાં અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા ત્રણ માસમાં જ રાજકોટ – અમદાવાદ હાઇવે પર જુદા જુદા અકસ્માતના પગલે 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અનેક અકસ્માતમાં એક કે તેથી વધુ જ લોકોના મોત નિપજયાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે હાઇવે પર રાત્રીના દરમિયાન ઊભા રહેતા ટ્રકના કારણે પાછળ વાહન ઘૂસી જવાના અનેક બનાવો નોંધાઈ રહ્યા છે. જેના કારણે અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે સમારકામની સાથે સાથે રક્તરંજિત પણ બનતો લાગી રહ્યો છે. જેમાં આ રોડ પર અનેક પરિવારના માળા પિખાયા છે. છેલ્લા ત્રણ માસમાં જ 17 જેટલા લોકોના જીવન દીપ આ હાઇવે પર બુઝાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.