Abtak Media Google News

જામનગર જિલ્લાના જામજોધપુર નજીક શેઠ વડાળા અને કલ્યાણપુર ધોરી માર્ગ પર ટ્રક- ટ્રેક્ટર અને મેક્સી જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ઘાયલ થયો છે. ત્યારે ટ્રકમાં અકસ્માતે આગ લાગી જતાં ટ્રક બળીને ખાખ થયો છે. અકસ્માત બાદ ટ્રકચાલક ભાગી છૂટયો હોવાથી શેઠ વડાળા પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અકસ્માત બાદ ટ્રકમાં એકાએક આગ લાગી જતાં ટ્રક બળીને ખાક

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા અને કલ્યાણપુર વચ્ચેના ધોરી માર્ગ પર રવિવારે બપોરે જીજે -10 ટી. 7252 નંબરના ટ્રક ના ચાલકે પોતાનો ટ્રક બેકાળજીપૂર્વક ચલાવી આગળ જઈ રહેલા જીજે -4 બી.એચ. 1032  નંબરના ટ્રેક્ટરની ટ્રોલી ને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, અને ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉથલી પડ્યું હતું. જેમાં ટ્રેક્ટરના ચાલક યુનુશ ઈબ્રાહીમભાઇને ઇજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે.

આ ઉપરાંત સામેથી આવી રહેલા મેક્સી પીકઅપ જીપ જીજે 38 ટી- 1536 ને પણ ટ્રક ચાલકે ઠોકર મારી દેતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી, અને તેનો ચાલક ટ્રકમાંથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો હતો. જોટજોતામાં ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો, અને લોકોના ટોળા એકઠા થયા હતા. આ અકસ્માતના બનાવવા અંગે મેક્સી વેનના ચાલક જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકના મયુરભાઈ ખોડાભાઈ વિરમે પોલીસને જાણ કરતાં શેઠ વડાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વાય.આર. જોશી તેમજ સ્ટાફના એસ.એન. વાળા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ભાગી છુટેલા ટ્રક ચાલકની શોધ ખોળ શરૂ કરી છે, અને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.