Abtak Media Google News

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા, પુરૂષોતમ રૂપાલા, કોંગ્રેસના સાંસદ અમિબેન યાજ્ઞીક અને નારણ રાઠવાની મુદત પૂરી થશે: 2026માં વધુ ચાર સાંસદો થશે નિવૃત્ત

2026માં રામભાઇ મોકરીયા, રમીલાબેન બારા, નરહરી અમીન અને શકિતસિંહ ગોહિલની મુદત થશે પૂર્ણ

ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકો માટે આગામી ર4મી જુલાઇના રોજ ચુંટણી યોજવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારો ઉતારવામાં આવ ન હોય ભાજપના ત્રણેય ઉમેદવાર વિદેશ મંત્રી એસ. જયશંકર, કેશરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઇ બિન હરીફ ચુંટાઇ આવશે તે ફાઇનલ થઇ ગયું છે. આગામી ત્રણ વર્ષમાં ગુજરાતના રાજયસભાના તમામ સાંસદો ભાજપના હશે.

Advertisement

વિદેશી મંત્રી એસ. જયશંકર ઉપરાંત જુગલજી ઠાકોર અને દિનેશભાઇ અનાવડિયાની મુદત આગામી 8 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. આ બેઠકો ભરવા માટે આગામી ર4મી જુલાઇના રોજ મતદાન થવાનું છે. જો કે ભાજપના ત્રણેય ઉમેદવારો એસ. જયશંકર, કેસરીદેવસિંહ ઝાલા, અને બાબુભાઇ દેસાઇ બિનહરિફ ચુંટાઇ આવશે તે નિશ્ર્ચીત બની ગયું છે.

આગામી એપ્રિલ-2024 માં ગુજરાતના રાજયસભાના સાંસદ અને હાલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા ડો. મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોતમભાઇ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના રાજયસભાના સાંસદ અમિબેન યાજ્ઞીક અને નારણભાઇ રાઠવાની મુદત પૂર્ણ થઇ રહી છે. ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે 182 બેઠકો પૈકી 156 બેઠકો પર જીત મેળવી છે. આગામી એપ્રિલમાં રાજયસભાના ચાર સાંસદોની મુદત પૂર્ણ થઇ રહી છે. જેમાં કોંગ્રેસના પણ બે સાંસદો હોય હવે ચારેય રાજયસભાના ચારેય સાંસદો ભાજપના ચુંટાઇ આવશે.

એપ્રિલ- મે માસમાં લોકસભાની ચુંટણી પણ યોજાવાની હોય રાજયસભાની ચાર બેઠકો માટે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચુંટણી યોજાઇ તેવી શકયતા જણાય રહી છે.હાલ ગુજરાતની રાજયસભાની 11 બેઠકો પૈકી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે. દરમિયાન આગામી એપ્રિલ-2024 માં ગુજરાતમાં રાજયસભાના ભાજપના સાંસદની સંખ્યા 10 થઇ જશે. જયારે કોંગ્રેસ પાસે એક માત્ર શકિતસિંહ ગોહિલ જ રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હશે. વર્ષ 2026માં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રમીલાબેન બારા, નરહરી અમીન અને શકિતસિંહ ગોહિલની મુદત પૂર્ણ થઇ રહી હોય 2026માં ગુજરાતની રાજયસભાની તમામ બેઠકો ભાજપ પાસે આવી જશે.

રાજયસભામાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજયની 11 રાજયસભા બેઠકો પર ભાજપમાંથી ચાર અને કોંગ્રેસમાંથી એક એમ કુલ પાંચ સાંસદો સૌરાષ્ટ્રના છે ભાજપમાં સૌરાષ્ટ્ર કવોટો પૂર્ણ થઇ ગયો છે હવે હાલ કેબિનેટ મંત્રી તરીકે મોદી સરકારમાં જવાબદારી નિભાવતા અને સૌરાષ્ટ્રના કાદવર પાટીદાર નેતા ડો. મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોતમભાઇ રૂપાલાને રીપીટ કરવામાં આવશે કે તેઓને લોકસભા ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.