Abtak Media Google News

સાતમા પગાર પંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી સહીત રાજ્યની ૧૨૦ થી વધુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આગામી ૨૦ જુલાઈ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર જવા નિર્ણય કર્યો છે અને ગઈકાલે આ મામલે બાટવા ખાતે સૌરાષ્ટ્ર ઝોનની ૩૦ નગર પાલિકાના કર્મચારી આગેવાનો ની બેઠક યોજવામાં આવી હતી જેમાં સરકાર સામે લડી લેવા નીર્ધાર કરાયો હતો.

અચોક્કસ મુદતની હડતાલ અંગે રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ એવા મોરબી નગરપાલિકાના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને સાતમા પગાર પંચ નો લાભ આપી દીધો છે પરન્તુ નગરપાલિકાના કર્મચારીઓની માંગણી સ્વીકારવાને બદલે ઉલટું નગરપાલિકાના કર્મચારીઓની અગાઉની ત્રણ દિવસ ની હડતાલ બાદ અમારા અવાજ ને દબાવી દેવા માટે સરકારે નગરપાલિકાની પાણી,ગટર વ્યવસ્થાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લઇ આ સેવા ખોરવાય તો પાલિકાના સતાધીશોને પગલાં લેવા માટે ખાસ પરિપત્ર કર્યો છે. વધુમાં નરેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે આગામી ૨૦ જુલાઈ થી નગરપાલિકાના કર્મચારીઓ સાતમું પગાર પંચ ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર જવા નક્કી કર્યું છે,આ માટે રવિવારે બાટવા ખાતે સૌરાષ્ટ્ર ઝોનની ૩૦ નગર પાલિકાના કર્મચારી આગેવાનોની બેઠક મળી હતી જેમાં અનેક મહત્વની બાબતોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સાતમા પગાર પંચ મુદ્દે અસરકારક લડત આપવા નક્કી કરાયું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની કુલ ૧૬૨ નગરપાલિકા પૈકી ૧૨૦ થી વધુ પાલિકાના કર્મચારીઓ અમારી આ લડતમાં સાથે છે અને બાકીની ૩૫ નગરપાલિકાઓ એવી છે કે જેમાં કોઈ કાયમી કર્મચારીઓ નથી.

અંતમાં તેઓએ રૂપાણી સરકારને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે નગરપાલિકા ની સેવાઓ આવસ્યક સેવા હેઠળ લે કે ન લે પાલિકાના કર્મચારીઓને કદાચ જેલ માં પુરવા માં આવશે તો પણ સાતમા પગાર પંચ ને લઇ અમારી આ લડત ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.