Abtak Media Google News

કમોસમી વરસાદે પાકને નુકસાની પહોંચાડતા ફુગાવો 6%ને આંબી જવાની ભીતિ

તાજેતરમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદને લીધે પાકમાં થયેલી નુકસાની આગામી ત્રણ મહિનામાં ફુગાવાને 6 ટકાની આસપાસ ધકેલી શકે છે. કઠોળ અને ડુંગળીના ભાવમાં વધારો થવાથી ખાદ્ય ફુગાવો ઊંચો રહેશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે, ખાદ્ય ફુગાવો સતત દબાણ હેઠળ રહેશે અને હું માનું છું કે આગામી ત્રણ મહિનામાં 6% ફુગાવો પ્રવર્તી શકે છે. તેમણે કહ્યું હતું કે, રવી પાકની વાવણી બાકી છે અને જળાશયનું નીચું સ્તર પાકના અંતિમ પરિણામોને અસર કરી શકે છે.

ગયા મહિને જારી કરાયેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં ફુગાવો ઘટીને 4.9% થયો હતો પરંતુ ખાદ્ય ફુગાવો 6.6% પર યથાવત રહ્યો હતો.

ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન લાંબા ગાળાની સરેરાશ કરતાં દેશના મધ્ય ભાગમાં મુખ્ય કૃષિ ક્ષેત્ર – વરસાદમાં 682% વધારો જોવા મળ્યા પછી ખાદ્યપદાર્થોની કિંમતો પર દબાણ વધુ તીવ્ર થવાની ધારણા છે.

કમોસમી વરસાદે તુવેરના પાક અને ડુંગળીના પાકના મોટા ભાગને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે તેવું કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું.સરકારના ડેટા અનુસાર ખરીફ સિઝનમાં તુવેરના વાવેતર વિસ્તારમાં 29 સપ્ટેમ્બર, 2023ના રોજ 43.87 લાખ હેક્ટરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે 29 સપ્ટેમ્બર, 2022ના રોજ 46.13 લાખ હેક્ટરથી ઓછો હતો.

ઓક્ટોબરમાં કઠોળનો ફુગાવો વધીને 18.8% થયો હતો, તુવેરના ભાવ અગાઉના વર્ષની સરખામણીમાં 40.9% વધ્યા હતા. તુવેરમાં ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં 37.3% કરતા વધારે હતો. આયાત ડ્યૂટીને રદ કરીને આયાત વધારવાના સરકારના પ્રયાસોની થોડી અસર થઈ છે તેમ છતાં ફુગાવો ઊંચો રહ્યો હતો.

મહારાષ્ટ્રમાં તાજેતરના અતિવૃષ્ટિને કારણે નાસિક અને અહેમદનગર જેવા સ્થળોએ ડુંગળીના પાકને નુકસાન થયું છે એમ 10 લાખ ખેડૂતો સાથે કામ કરતી એગ્રીકલ્ચર રિસર્ચ ફર્મ એગ્રીવોચના વિશ્લેષક તન્મય દીપકે જણાવ્યું હતું. તેમણે કહ્યું, મંડીઓમાં ડુંગળીમાં જે વર્ષના આ સમયે ટોચ પર હોવી જોઈએ તે ઘટી ગઈ છે. જેને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિકૂળ હવામાનને કારણે ખરીફ ડુંગળીની વાવણીમાં વિલંબ થવાથી ડુંગળીનો પાક મોડો આવ્યો છે. સંગ્રહિત રવિ ડુંગળી ખલાસ થવાથી અને ખરીફ ડુંગળીના આગમનમાં વિલંબ થવાથી પુરવઠાની ચુસ્ત સ્થિતિ છે, પરિણામે ભાવમાં વધારો થાય છે, તેમ તન્મય દીપકે જણાવ્યું હતું.

જો રવિ પાકની વાવણીમાં તેજી નહીં આવે તો તેની અસર વર્ષના બાકીના ભાગમાં પણ પડી શકે છે, તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.