Abtak Media Google News

પડતર ભાવથી પણ ઓછા ભાવમાં ફળ અને શાકભાજીનું વેચાણ યુ.કેમાં થઇ રહ્યું છે.

હાલ યુનાઇટેડ કિંગડમ ની દુકાનો ફળ અને શાકભાજી વિહોણી થઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સ્પેન અને નોર્થ આફ્રિકામાં ભારે ઠંડી પડતાની સાથે જ જે ફળ અને શાકભાજીની ઉપજ અને આવક થવી જોઈએ તે થઈ શકી નથી અને પરિણામે તેની અછત સર્જાય છે. બીજી તરફ યુનાઇટેડ કિંગડમમાં પણ હવે ફળ અને શાકભાજી પડતર ભાવથી પણ ઓછા ભાવે વહેંચાઈ રહ્યા છે જે ખેડૂત માટે અત્યંત માઠા સમાચાર છે. જે શાકભાજીને અસર પહોંચી છે તેમાં ટમેટા, કાકડી, સલાડ બેગ, બ્રોકોલી અને ફ્લાવરનો સમાવેશ થયો છે.

કાતિલ ઠંડીના કારણે જે રીતે આ તમામ પાકને અસર પહોંચી છે તો તેની સીધી જ અસર યુનાઇટેડ કિંગડમ ના માર્કેટ ઉપર પણ જોવા મળી છે ત્યારે હવે યુકેના દુકાનદારો સોશિયલ મીડિયા ઉપર શાકભાજી ન હોવાના ફોટો મૂકી રહ્યા છે જેથી લોકોને એ વાતનો ખ્યાલ આવે કે શાકભાજી અને ફળમાં સૌથી વધુ અછત હાલ જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટી વિકટ પરિસ્થિતિ તો એ ઉદભવિત થઈ છે કે હાલ ખેડૂતોએ સૌથી નીચા ભાવ એટલે કે પડતર કિંમતથી પણ ઓછા ભાવે વેચાણ કરવું પડે છે જે તેમના માટે સહેજ પણ હિતાવહ નથી.

ખેતી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય તજજ્ઞોનું માનવું છે કે હાલ જે સ્થિતિ ઉદ્ભવિત થઈ છે તે જોજ સમય માટે જ જોવા મળશે ત્યારબાદ ફરી જે શાકભાજી અને ફળની આવક છે તે વધશે અને સપ્લાય ચેનના જે પ્રશ્નો ઊભા થયા છે તેમાં પણ ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળશે. યુનાઇટેડ કિંગડમ પણ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જ્યાં સુધી આ સ્થિતિ ઉતરે નહીં ત્યાં સુધી સરકારે ખેડૂતોને સહાય કરવી ખૂબ જરૂરી છે. પરંતુ હાલની સ્થિતિ મુજબ એ વાત સ્પષ્ટ છે કે, યુનાઇટેડ કિંગડમ માં હાલ શાકભાજી અને ફળ ની અછત સતત વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.