Abtak Media Google News

ભાજપ શેરી નાટક, સ્ટ્રીટ શો, પપેટ શો થકી પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ તેમજ લોકસભાની ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ વેળા હાલના વડાપ્રધાન તથા તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના ઇતિહાસમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી થ્રી ડી સભાઓ યોજીને પ્રચારને વેગવંતો અને ચર્ચાસ્પદ બનાવ્યો હતો. પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થ્રી ડી ટેકનોલોજી થકી સભાઓ યોજવાને બદલે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં એકથી વધારે જાહેરસભાઓ તેમજ મહાનગરોમાં રોડ શો યોજશે.

Advertisement

પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૮૯ ઉમેદવારો માટેના ફોર્મ ભરાઇ ગયા બાદ ૨૨ કે ૨૩મીથી વડાપ્રધાનનો પ્રવાસ શરૂ થશે.

છેલ્લા દોઢ વર્ષમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વિવિધ સરકારી અને અર્ધસરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી જનતા સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ સ્થાપિત કર્યો છે એ જ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પક્ષીય કામગીરીને લઇ આખા રાજ્યનો એકથી વધુ વખત પ્રવાસ કરી સંગઠનને સક્રિય કર્યું છે. અમિતભાઇએ રાજ્યના બુથ સ્તરે સક્રિય રીતે કામ કરતા એક લાખથી વધુ સક્રિય કાર્યકરો સાથે બેઠકો યોજીને તેમને પોતાના મતદારોનો સંપર્ક કરવા અને કેવી રીતે તેમને મતદાન મથક સુધી લઇ આવી કમળ ઉપર મતદાન માટે પ્રેરિત કરવા તેનું માર્ગદર્શન આપ્યું છે. હવે ઉમેદવારો જાહેર થયા પછી તુરજ ભાજપ તેની અંતિમ સ્ટ્રેટેજીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ૬૦ સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં કાર્પેટ બોમ્બિંગ માટે મેદાનમાં ઉતારશે.

આ પ્રચાર કાર્ય શરૂ થાય એ પહેલા ભાજપની પ્રચાર પ્રસાર વિભાગે બે અલગ અલગ પ્રચારના રથ તૈયાર કરાવ્યા છે. જેમાં એક રથ ડિજિટલ રહેશે જ્યારે બીજો રથ હાઇટેક વ્યવસ્થાઓ સાથે જેમાં એલઇડી સ્ક્રિન ઉપરાંત એક નાનકડો મંચ બની શકે એવી હાઇડ્રોલિક વ્યવસ્થા સાથેનો રહેશે. આવા લગભગ પચ્ચીસથી ત્રીસ રથ રાજ્યભરમાં ફેરવવામાં આવશે. એવી તૈયારી કરાઇ છે કે રાજ્યના પ્રત્યેક ગામ સુધી ભાજપનો પ્રચાર રથ ફરે અને તેની સાથે કાર્યકરો ગામે ગામ ફરી પ્રચાર કરી શકે.

આ ઉપરાંત આ વિભાગ દ્વારા હું છુ વિકાસ, હું છુ ગુજરાતના સૂત્ર સાથે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધારવા માટે સ્ટ્રીટ શો, શેરી નાટકો, પપેટ શો જેવા આયામો પણ હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ તેનો પ્રારંભ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.