Abtak Media Google News

આજે ભૂજ,જસદણ અમરેલી સહિતના ૫૦ મત વિસ્તારોમાં  સભાઓથી સોૈરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળશે

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હુકમનો એકકો વડાપ્રધાન મોદીને પ્રચાર માટે ઉતારી દીધા છે. આખા દેશમાં મોદી મેનીયા છવાયેલો રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં નરેન્દ્ર મોદીના કારણે ભાજપ સરકાર સતત સત્તા ઉપર રહી છે. લોકસભામાં પણ મોદીની લોકપ્રિયતા ચરમસીમા વટાવી ચૂકી હતી. ત્યારે મોદીનો મેનીયા લોકોને કેટલો જકડી રાખશે તે તો પરિણામ જ બતાવશે પરંતુ હાલ વડાપ્રધાન મોદીએ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રવાસ શરૂ કરી દીધો છે.

આજે વડાપ્રધાન મોદી એક જ દિવસમાં કચ્છ-રાજકોટ-અમરેલી અને સુરત એમ ચાર જિલ્લાઓમાં જાહેરસભા સંબોધવાના છે. ભુજમાં જંગી મેદની સંબોધ્યા બાદ જસદણ વડાપ્રધાન મોદીના આગમનથી મોદીમય બની ગયું છે. ધારી અને સુરતમાં પણ મોદી મેનીયા છવાયેલો જોવા મળે છે.

જસદણમાં આજે વડાપ્રધાન મોદીની જંગી જાહેરસભામાં સવારથી ખુશ્નુમા વાતાવરણમાં હજારો લોકો હાજર રહ્યાં હતા. વિછીંયા રોડ પરના કાળાસર ગામના પાટીયા નજીક વિશાળ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધવાની શરૂઆત કરતા ગ્રાઉન્ડ ચીચીયારીઓથી ગુંજી ઉઠયું હતું, નારા લાગયા હતા.

ભુજમાં પણ વડાપ્રધાન મોદીને સાંભળવા લોકોના ટોળે-ટોળા ઉમટી પડયા હતા. ગઈકાલે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, હું ગુજરાતમાં રેલીની શરૂઆત કરવા જઈ રહ્યો છું, મારી પ્રથમ રેલી ભુજમાં રહેશે. ભુજ મારા હૃદયથી ખુબજ નજીક છે. ૨૦૦૧ના ધરતીકંપમાં અડીખમ રહેનાર ભુજે રેકોર્ડબ્રેક પ્રોગ્રેસ કરી હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.વડાપ્રધાન મોદીની ગુજરાત વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચારને લઈ ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી કુલ ૫૦ થી વધુ મત ક્ષેત્રોમાં સંબોધવાના છે. વડાપ્રધાન મોદી માટે જંગી મેદની એકઠી કરવા પણ પ્રયાસો થયા છે. જો કે, પ્રચારોની સંખ્યામાં લોકો મોદી મેનીયાથી ખેંચાઈ આવ્યા છે. સમગ્ર દેશમાં વિકાસનો પવન ફેલાવનાર મોદીની લોકચાહનાનું પ્રમાણ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી દેશે તે નકકી છે.

આજે જસદણમાં ૧૧:૦૦ કલાકે આવી પહોંચેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના વિકાસકાર્યોને લોકો સમક્ષ પોતાની આગવી શૈલીમાં મુકયા હતા. એક જ દિવસમાં રાજકોટ, અમરેલી, કચ્છ અને સુરત એમ ચાર જિલ્લાઓમાં જાહેરસભાનો કાર્યક્રમ મોદીનો રહ્યો છે. વડાપ્રધાન મોદી સાથે ભાજપના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.