Abtak Media Google News

રાજકોટમાં રહેતા બે સીનીયર સીટીઝન મિત્રોને હનીટ્રેપમાં ફસાવી, મોટી રકમનો તોડ કરવા અને તેમાં સફળતા ન મળે તો ગેંગ રેપની ફરિયાદ નોંધાવી તેને રદ્દ કરાવવાના બદલામાં સમાધાન હેઠળ મોટી રકમનો તોડ કરવાનો ગંભીર પ્રકરણમાં વોન્ટેડ આરોપી ઈમ્તીયાઝ દલની રાજકોટના આઈયુસીએડબલ્યુ યુનિટના સ્ટાફે જુનાગઢથી ધરપકડ કરી છે.

રાજકોટ શહેરની ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન ટીમે ચાર મહિનાથી હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા જૂનાગઢના ઇમ્તિયાઝ હબીબ દલને તેના ઘરેથી જ ઝડપી લઇ ધરપકડ કરી છે. ગત માર્ચ મહિનામાં શહેરમાં રહેતા સિનિયર સિટિઝન નટુભાઇ સોજિત્રા અને તેમના બે મિત્રને હનીટ્રેપમાં ફસાવી ત્રણ મહિલા સહિત 4 આરોપીએ રૂ.60 લાખની રકમ પડાવવાનો કારસો રચ્યો હતો, પરંતુ તેમનો કારસો સફળ નહિ થતા ટોળકીની મહિલા સભ્યએ ત્રણેય વૃદ્ધ સામે ગેંગરેપની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચીટર ટોળકી આવી ગંભીર ફરિયાદ પોલીસમાં કર્યા બાદ અદાલતમાં સમાધાનનું નાટક કરી વકીલ મારફતે રૂ.30 લાખની માગણી કરી હતી. ત્યારે વૃદ્ધ નટુભાઇના પુત્રે નિર્દોષ પિતાને બચાવવા માટે ચીટર ટોળકીની એક મહિલાને પૈસાની લાલચ આપી સમગ્ર બનાવનો પર્દાફાશ કરી પુરાવાઓ ભેગા કર્યા હતા. જે પુરાવાઓ નટુભાઇના પુત્રે પોલીસને સોંપ્યા બાદ ચીટર ટોળકી સામે મહિલા પોલીસમથકે ગુનો નોંધી આરોપી અનિતા કાંતિલાલ શિંગાળા, નુરમા ઇકબાલ સિપાઇ અને રજાક ઇકબાલ હાલેપોતરાને ઝડપી લઇ ધરપકડ કરી હતી. દરમિયાન ઇમ્તિયાઝ હબીબ દલ નાસતો ફરતો હતો. ત્યારે ઇમ્તિયાઝ જૂનાગઢ તેના ઘરે હોવાની માહિતી મળતા તેની ત્યાંથી ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.