સોમનાથ મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન વડે શૂટિંગ કરતા યુપીના શખ્સની અટકાયત

ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પરિસરમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ડ્રોન ઉડાડી વિડિયો શૂટિંગ કરતા ઉત્તરપ્રદેશના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક સમયથી સોમનાથ મંદિરનો વિસ્તાર આતંકી હુમલાઓની ધમકીના કારણે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે ત્યારે શખ્સે ડ્રોન કેમેરો ઉડાડી શૂટિંગ ઉતાર્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે સાંજે 6 વાગ્યાનાં અરસામાં શખ્સ ડ્રોન ઉડાડી રિમોટ મારફતે શૂટિંગ કરી રહ્યો હતો. દરમિયાન એસઆરપી જવાનનું ધ્યાન જતાં તેને શૂટિંગ કરતો અટકાવી પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ ડ્રોન રિમોટ સાથે દેસરાજુ સાઈસત્ય સુબ્રમણ્યમ દેસરાજુ વેંકટા રામારાવ રહે.નોઈડા, ઉત્તરપ્રદેશની અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે સોમનાથના 1 કિમીની ત્રીજિયાના વિસ્તારને રેડ ઝોન તરીકે જાહેર કરાયું છે તેમ છતાં આ શખ્સે ડ્રોન હવામાં ઉડાડ્યું ત્યાં સુધી કોઈનું ધ્યાન ન ગયું હોવાથી સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા.