મોજ મસ્તી’ને મનોરંજન; એ ’તો મનગમતું મારૂ વેકેશન !

 

  • કામકાજી લોકો અને વિદ્યાર્થીઓને પોતાનો થાક અને કંટાળો ભગાડવાનો અવસર એટલે વેકેશન !
  • પોતાના રોજિંદા કામકાજ કરવાને બદલે કે સ્કૂલે જવાને બદલે પ્રવાસમાં ઉપડી જવું કે મનગમતી પ્રવૃત્તિ કરવાના સમયગાળાને વેકેશન કહેવામાં આવે છે.

સદીઓ પહેલા અમેરિકાના આર્થિક સમૃદ્ધ લોકો પોતાના રોજિંદા કામકાજમાંથી મુક્તિ મેળવી મનોરંજન મેળવવા માટે પ્રવાસે નીકળી જતા.એના પરથી વર્તમાનમાં ’વેકેશન’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. કાળ ક્રમે મિત્રો અને કુટુંબ સાથે આનંદ,પ્રમોદ અને હળવાશ મેળવવા માટે ધાર્મિક તહેવારોના સમયે કેટલાક દિવસોની બ્રેક (વેકેશન) જોડવામાં આવી.આવી બ્રેકને મીડ ટર્મ બ્રેક અથવા નાનું વેકેશન કહી શકાય.મોટે ભાગે જન્માષ્ટમી અને નાતાલના તહેવાર વખતે આવી મીડ ટર્મ બ્રેક આવતી હોય છે.

શાળા કોલેજ અને કોર્ટ કચેરીમાં મોટેભાગે વર્ષમાં બે વખત મોટા વેકેશન આવે છે.ઉનાળામાં શૈક્ષણિક વર્ષાંતે અને તહેવાર આધારિત દિવાળીની આસપાસ વેકેશન આપવામાં આવતું હોય છે.ખાસ કરીને શાળા અને કોલેજમાં ઉનાળું વેકેશન થોડું મોટું હોય છે,અર્થાત પાત્રીસેક દિવસનું હોય છે અને દિવાળીનું વેકેશન થોડું ટૂંકું હોય છે.દિવાળીના તહેવારની આગળ પાછળ એકવીસ દિવસનું હોય છે.ઉનાળું વેકેશન વખતે શૈક્ષણિક વર્ષ પૂરું થઈ ગયું હોવાથી ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને લાંબો સમય ગાળો મળતો હોય છે.

શારીરિક અને માનસિક શ્રમ કરતું પ્રાણી એટલે કે મનુષ્યને સતત અને સતત મગજ અને શરીરને થકવતા કામ કરવામાંથી,હળવાશ મેળવવા માટે મનોરંજનની ક્ષણો માણવા માટે રોજિંદા કાર્યમાં બ્રેક મારવાની જરૂર પડે છે.પછી તે કચેરીમાં કામ કરતો કર્મચારી હોય કે રોજગાર ધંધામાં કામ કરતો વેપારી માણસ હોય.અથવા તો શાળા કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીઓ હોય.હા,મનુષ્ય જાતિમાં એક માત્ર પાત્ર એવું છે કે,જેને વેકેશન નથી મળતું.તે છે મા ! ઘરમાં કામ કરતી માતાના – મહિલાના જીવનમાં વેકેશનનો અનુભવ નથી આવતો.

આજે સૌ કોઈ મા બાપને વેકેશન આવતાં પહેલાં ચિંતાનો પહાડ ખડો થઈ જાય છે.આ વેકેશનમાં શું કરવું ? વેકેશન આવતાં પહેલાં વિદ્યાર્થીઓ પણ વિચારવા લાગે છે કે,આ વેકેશનમાં હું શું કરીશ ?

મારા નોકરી કાળ દરમિયાન એક વાલી આવ્યા મને કહે,’સર ! આ વેકેશનમાં પણ સ્કૂલ ચાલુ રાખો ને! અમે ડબલ ફી આપીશું !!’ વેકેશનમાં બાળક સતત ઘર પર રહેવાથી બાળકની જીદ,ધીંગા – મસ્તી અને તોફાનથી કંટાળતા વાલીના આવા ઉદગાર હોઈ શકે.જેમ જેમ ઉનાળો વધતા ગરમીનો પારો વધવા માંડશે તેમ તેમ વેકેશન નજીક આવતા મમ્મીઓના ટેમ્પરેચરનો પારો પણ વધવા લાગશે !

વાસ્તવમાં તો કામકાજી લોકો અને વિદ્યાર્થીઓને પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરી હળવાનો અનુભવ કરી થાક અને કંટાળો ભગાડવાનો અવસર એટલે વેકેશન !

આજે વિદ્યાર્થીઓમાં ખૂબ જ અજંપો અને પ્રેશર જોવા મળે છે.મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતરના ભારથી કાયમને માટે પ્રેશરમાં રહેતા જોવા મળે છે. ત્યારે આખું વર્ષ દરમિયાન ભણતના ભારથી પ્રેશરમાં રહેલા વિદ્યાર્થીઓને આ પ્રેશરમાંથી મોકળાશ મળે અને શિક્ષણમાંથી થોડી હળવાશ મેળવવાનો અહેસાસ થાય,એટલા માટે થઈને પણ બાળકોને પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા માટેના આયોજનો વેકેશનમાં કરવા જોઈએ.

મોટાભાગના લોકો પોતપોતાની રીતે વેકેશન ગાળવાનું પ્લાનિંગ કરી લેતા હોય છે,તેમ છતાં કેટલાંક સજેશન આ પ્રમાણે કરી શકાય:

વેકેશનમાં આનંદ પ્રમોદ કરવાની સાથે સાથે મગજ અને શરીરનો વિકાસ થાય,કલા અને કૌશલ્યનો વિકાસ થાય,વ્યક્તિત્વમાં સુધારો આવે,રમતગમતમાં કુશળતા આવે અને બોલચાલની છટ્ટામાં સુધાર આવે,એવા કંઇક પ્રયત્નો હાથ ધરી શકાય.

ગયા સેમેસ્ટર કે સત્રમાં શું કર્યું હતું અને શું કરવાનું બાકી રહી ગયું હતું ? જે કાર્ય કરવાનું બાકી રહી ગયું અધૂરું રહી ગયું હોય,કાર્ય આગળ વધારવાનું વિચારી શકાય.

ખાસ કરીને વેકેશન અથવા તો રજાના દિવસોમાં મોટાભાગના લોકો ઊંઘવાનું વધારી દેતા હોય છે. આથી એ પણ વિચારવા જેવું છે કે,રજાના દિવસો હોવા છતાં પણ સવારે વહેલાં ઊઠવાનું રાખી શકાય. વહેલાં ઊઠીને વોકિંગ કરવા માટેનું આયોજન ગોઠવી શકાય અથવા હળવી કસરત,યોગા – પ્રાણાયામ જેવા કાર્યો પણ કરી શકાય.ધ્યાનને લગતી પ્રવૃત્તિ પણ એમાં જોડી શકાય.

આજે વિદ્યાર્થીઓમાં અને બાળકોમાં ચંચળતા ખૂબ જ વધતી જાય છે.મોબાઈલના વધુ પડતા ઉપયોગને લીધે બાળકો સ્થિર રહી શકતા નથી. એકાગ્રતા સાધી શકતા નથી.મોબાઈલના એડિક્ટસ બની ગયા છે,ત્યારે બાળકો પણ કોઈ ધ્યાન શિબિરોમાં જોડાય એ ખૂબ આવકાર્ય છે.શ્રી શિવ કૃપાનંદ સ્વામી પ્રેરિત સમર્પણ ધ્યાન કેન્દ્રમાં પણ શિબિરો થતી હોય છે.રામકૃષ્ણ આશ્રમમાં પણ સમર કેમ્પના નામે વિવેકાનંદ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી શ્રી રવિશંકર પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના કેન્દ્રોમાં પણ ધ્યાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના કેન્દ્રોમાં પણ ધ્યાન વિધિ શીખવવામાં આવે છે.આવી કોઈ ને કોઈ સંસ્થામાં બાળકોને જોડી શકાય. વેકેશન દરમિયાન વાચન અને લેખનની પ્રવૃત્તિ પણ ચાલુ રાખવી જરૂરી છે.વાચન એ મગજની કસરત છે,જેના દ્વારા સર્જનાત્મકતાનો વિકાસ થાય છે.આ જ રીતે લેખન મહાવરો પણ ખૂબ જ જરૂરી છે. આજે ઓનલાઈન શિક્ષણનું મહત્ત્વ વધવાથી વિદ્યાર્થીઓને લખવાની ટેવ બિલકુલ ઘટી ગઈ છે. અક્ષરો પણ ખૂબ જ ગંદા અને અવાચ્ય કરે છે. શાળા સમય દરમિયાન વિદ્યાર્થીઓના રોજિંદા અભ્યાસને લીધે અક્ષર સુધારવાનો સમય મળતો નથી.આથી વેકેશનના સમયે વિદ્યાર્થીઓ પોતાના અક્ષર સુધારવાનો મહાવરો કરી શકે છે.

વેકેશન દરમિયાન નવી સ્કીલ પણ ડેવલપ કરી શકાય.રમત ગમત ક્ષેત્રે કામ કરી શકાય.મનગમતી રમતો રમવાની પ્રેક્ટિસ કરી શકાય.ઈન ડોર ગેમ જેવી કે ચેસ,કેરમ,ટેબલ ટેનિસ,બેડમિન્ટન રમી શકાય.આઉટ ડોર ગેમ જેવી કે ક્રિકેટ,વોલીબોલ, બાસ્કેટ બોલ,કબડ્ડી,ખો – ખો,હોકી જેવી રમતો રમી શકાય.જાહેરમાં વાતચીત કરવાની પ્રેક્ટિસ તેમજ હકારાત્મક વિચારસરણી આધારિત પ્રવૃત્તિઓ પણ વેકેશનમાં કરી શકાય.ઇન્ટરનેટ પર ુજ્ઞીિીંબયમાં સારા ગુણવત્તા સભર અને પોતાના ધ્યેય અને કરિયર સંબંધિત વીડિયો પણ જોઈ શકાય.પોતાની ઉંમર કક્ષા પ્રમાણે વેબ સિરીઝ કે પછી મુવી પણ જોઈ શકાય.

પોતાના કરિયર સંબંધિત કોઈ મુશ્કેલી હોય કે કોઈ મૂંઝવણ હોય તો તેના નિરાકરણ માટે કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રની મુલાકાત પણ લઈ શકાય.

સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પણ આનંદ મેળવી શકાય.સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ કે કોઈ વૃદ્ધાશ્રમોની મુલાકાત અને તેમાં જરૂરી સેવા પ્રવૃત્તિઓમાં જોડાઈને પણ વેકેશનમાં આનંદ મેળવી શકાય.વૃક્ષો અને પર્યાવરણની જાળવણીનો વિચાર બાળકોમાં કેળવાય એ પણ એટલું જ જરૂરી છે,ત્યારે વેકેશનમાં બાળકોને સાથે રાખીને વૃક્ષો વાવી શકાય.બાળક એનું જતન કરે અને ઉછેરે એવી સમજણ પણ બાળકોમાં કેળવાય, એ પણ જરૂરી છે.આજે સમાજમાં વૃધ્ધાશ્રોમોની સંખ્યા ખૂબ વધી રહી છે,ત્યારે આવનારી પેઢીમાં આ બાબતે સમજણ કેળવાય એ ખૂબ જરૂરી છે.આજનું બાળક આવતીકાલનો નાગરિક છે.આ દુષણ બાબતે બાળપણથી જ સમજ કેળવાઈ જશે તો,પોતે પોતાના માતા પિતા માટે આવો નબળો વિચાર કરતા ચોક્કસ અટકશે.

આજે કુટુંબ વ્યવસ્થા ખૂબ છિન્ન ભિન્ન થઈ ગઈ છે.નવી પેઢીને સંબંધો અને સગપણ વિશેના ખ્યાલોની બિલકુલ ખબર જ નથી.આવનારા દિવસો આ બાબતે વધુ ચિંતા પ્રેરક અને ચોંકાવનારા હશે.માબાપે વેકેશન દરમિયાન પોતાના બાળકો સાથે પોતાના સગાં સંબંધીઓને ત્યાં અને માતા પિતા જો સાથે રહેતા ન હોય,તો તેમને મળવા માટે જઈ શકાય.દાદા – દાદી સાથે બાળકો રહે અને વાર્તાઓ સાંભળે તો બાળકોમાં ઊંચી સમજણ કેળવાશે.વડીલો પ્રત્યે આદર જન્મશે.બાળકોને આનંદ પણ આવશે.બીજા સગાં સંબંધીઓના ઘેર પણ બાળકોને રોકાવા માટે મોકલી શકાય.બાળકો આજે સંબંધોની વ્યાખ્યા ભૂલી ગયા છે.સગાં સંબંધીઓની કોઈ ઓળખ જ રહી નથી,ત્યારે વેકેશનમાં જો બાળકોને આવી ઓળખની સમજણ આપવામાં આવે તો આવનારા દિવસોમાં કુટુંબ વ્યવસ્થા થોડી ઘણી પણ બચી શકે,એવું ચોક્કસ માની શકાય.એક સમય તો એવો હતો કે વેકેશન આવે કે તુરત બાળકો પોતાના મામા – માસીના ઘેર તાત્કાલિક પહોંચી જતા.દિવસોના દિવસો સુધી સમજોને કે,આખું વેકેશન ત્યાં રોકાઈને મામા માસીના બાળકો સાથે મોજ મસ્તીનો ભરપૂર આનંદ મેળવતા.આ બધું દિવસે દિવસે ઘટતું જાય છે.આથી આવું આયોજન પણ કરી શકાય.

વેકેશનમાં બાળકોને ટ્રેકિંગ કે પછી માઉન્ટેરિંગ જેવા કાર્યક્રમોમાં પણ જોડી શકાય.વાઇલ્ડ લાઇફની મુલાકાત કરાવી શકાય.પ્રકૃતિના ખોળે જઈને પણ ભરપૂર આનંદ લૂંટી શકાય.

ઘણા વિદ્યાર્થીઓ આવનારા વર્ષની તૈયારી માટે પોતાના પાઠ્યપુસ્તકો ખરીદવા અને પોતાને ઉપયોગી સ્ટેશનરીની તૈયારી માટે પણ વેકેશનમાં પ્રવૃત રહેતાં હોય છે.તો કોઈ વિદ્યાર્થીઓ આવનારા ધોરણની આગોતરી તૈયારી માટે વેકેશનમાં જ પોતાનો અભ્યાસ શરૂ કરી દેતા હોય છે.કોચિંગ ક્લાસમાં પણ જોડાઈ જતા હોય છે.આમ જોઈએ તો વાલીની આ ઘેલછા છે,કારણ કે બાળકો આખું વર્ષ દરમિયાન ભણ્યા છે.તેમ છતાં જો તેને કોચિંગ ક્લાસમાં મૂકીને ભણવાની પ્રવૃત્તિમાં જોતરવામાં આવે તો તેને અણ ગમતું કામ કરવું પડે છે.આથી જ વિધાર્થીઓ પ્રેશરમાં રહેતા હોય છે.વેકેશનનો જન્મ જ તો હળવાશ મેળવવા માટે થયો છે ! અરે,કેટલીક તો એવી સ્કૂલો છે કે,જે બિલકુલ વેકેશન જ આપતી નથી.વેકેશનમાં પણ બાળકોનું કોચિંગ ચાલુ રાખે છે.આ બાબત ખરેખર વખોડવા જેવી છે.

કોઈ કોઈ વિદ્યાર્થીઓ પોતાના શોખ મુજબ ડ્રોઈંગ સંગીત કે સ્વિમિંગ ની પ્રવૃતિઓ પણ કરીને વેકેશનનો આનંદ માણતા હોય છે.