Abtak Media Google News
  • સ્થાનિક પુરવઠા વિભાગને અંધારામાં રાખી સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યા બાદ ડીએસઓ સાથે કલાકો સુધી બંધ બારણે બેઠક
  • જિલ્લા પુરવઠા અધિકારી સંપર્ક વિહોણા બન્યા, દરોડા અંગે કોઈ વિગતો જાહેર ન કરાઇ

ગાંધીનગરની પુરવઠા વીજીલન્સ ટીમે ગત રોજ અચાનક રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડયા હતા. સ્થાનિક પુરવઠા વિભાગને અંધારામાં રાખી સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યા બાદ વિજિલન્સના અધિકારીએ આજે ડીએસઓ સાથે કલાકો સુધી બંધ બારણે બેઠક પણ કરી હતી. જો કે આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગની કામગીરી ઉડીને આખે વળગે તેવી છે. તેવામાં ગાંધીનગરની પુરવઠા વિભાગની વીજીલન્સ ટિમ ગઈકાલે સાંજના સમયે ઓચિંતી રાજકોટ આવી પહોંચી હતી. ઇનોવા કારમાં આવેલા અધિકારીઓના કાફલાએ બજરંગ વાડી પાસે આવેલ સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડ્યા હતા. જો કે બીજી દુકાનોમાં પણ દરોડા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વધુમાં સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે દરોડા પડ્યા ત્યારે 50 ટકા જેટલો માલ તો પુરવઠા તરફથી દુકાનોને મળ્યો પણ ન હતો.

પુરવઠા વીજીલન્સ ટીમે દરોડાની કાર્યવાહી કર્યા બાદ આજે જિલ્લા પુરવઠા અધિકારી સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી. આ બેઠક કલાકો સુધી ચાલી હતી. આ દરોડાની કાર્યવાહીમાં સ્થાનિક પુરવઠા તંત્રને જાણ પણ કરવામાં આવી ન હતી. પુરવઠા તંત્રના મોટાભાગના સ્ટાફને તો આ મામલે સવારે જાણ થઈ હતી.

વધુમાં આજે સવારથી જ જિલ્લા પુરવઠા અધિકારીની ચેમ્બરમાં કોઈને જવાની નોએન્ટ્રી જાહેર કરી દેવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. આમ દરોડા બાદ જિલ્લા પુરવઠા અધિકારી સંપર્ક વિહોણા બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાનિક પુરવઠા વિભાગે હજુ સુધી આ મામલે કોઇ વિગતો જાહેર કરી નથી. વિજિલન્સ ટીમના દરોડામાં કોઈ દુકાનદારની ગેરરીતિ પકડાઈ કે તંત્રની લાપરવાહી સામે આવી ? તે અંગે આજે સાંજ સુધીમાં ફોડ પડે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.