Abtak Media Google News

કોરોનાએ આખા વિશ્વને ધમરોળી લીધા બાદ હવે ઉત્તર કોરિયામાં પ્રવેશ કર્યો

ઉત્તર કોરિયામાં અત્યાર સુધીનો કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો છે.  નવા કેસની પુષ્ટિ થયા બાદ કિમ જોંગ ઉને અપીલ કરી છે કે કોરોનાથી બચવાના ઉપાયો વધુ વધારવા જોઈએ અને તેનું કડકાઈથી પાલન કરવામાં આવે.  સાથે જ દેશમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સાથે અમુક વિસ્તારમાં લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ગુરુવારે રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક લોકોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  આમાં, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. જેમાં જણાવ્યા અનુસાર, લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા અમુક વિસ્તાર પૂરતું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ગુરુવારે ઉત્તર કોરિયાએ તેના પ્રથમ કોવિડ -19 કેસ વિશે માહિતી આપી.  દેશના સરકારી મીડિયાએ તેને ગંભીર રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે.  વિશ્વમાં કોરોનાવાયરસ દેખાયા બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી, ઉત્તર કોરિયાએ તેની જગ્યાએ કોરોનાના કેસોની હાજરી વિશે માહિતી આપી ન હતી.  સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કોવિડના નવા નોંધાયેલા કેસ વાયરસના ખતરનાક ઓમિક્રોન પ્રકાર સાથે જોડાયેલા છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે ઓમિક્રોન વેરિએટની પુષ્ટિ કર્યા પછી, કિમ જોંગ ઉને પાર્ટીના પોલિટબ્યુરો અને અન્ય અધિકારીઓની એક બેઠક બોલાવી અને જાહેરાત કરી કે તેઓ કોરોના સામે રક્ષણ માટે નિયમોનો કડક અમલ કરે અને લોકોને તેનું પાલન કરાવે.  એજન્સીએ કહ્યું કે મીટિંગનો ઉદ્દેશ્ય ટૂંકમાં ઓછા સમયમાં કોરોનાને જડમૂળથી ખતમ કરવાનો હતો.  બીજી તરફ, નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાની નબળી આરોગ્ય વ્યવસ્થાને જોતા દેશને કોરોનાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.