Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા રૂ.2843.52 કરોડના વિકાસલક્ષી બજેટને શાસકપક્ષના કોર્પોરેટરોએ બેમોઢે વખાણ્યું: કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને બજેટ બોર્ડ મળ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું મંજૂર કરવામાં આવેલા અંદાજપત્રને બજેટ બોર્ડમાં મંજુર કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ બજેટના બે મોઢે વખાણ કર્યા હતા.જ્યારે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરે બજેટમાં મૂકવામાં આવેલી યોજનાઓ માત્ર કાગળ પર જ રહે નહીં અને ખરા અર્થમાં સાકાર થાય તેવી ટકોર કરતા બજેટનો વિરોધ કર્યો હતો.

Advertisement

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા જણાવ્યુ હતું કે, ભાજપના શાસકો દ્વારા દર વર્ષે રાજકોટવાસીઓને લોકભોગ્ય બજેટ આપવામાં આવે છે.નગર એટલે નળ,ગટર અને  રસ્તાના કામ ઉપરાંત સફાઈ, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સ્પોર્ટસની સુવિધા, ફરવા લાયક સ્થળો, ગાર્ડન, વૃક્ષારોપણ અને સીટી બસ,નવી પ્રાથમિક શાળાઓ સહિતની અનેક નવી યોજનાઓની સુવિધા આપવી તે કોઈપણ મહાનગરની પ્રાથમિક ફરજ હોય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવેલા રૂ. 2817.81 કરોડના બજેટમાં રૂ.17.77 કરોડ કરબોજ સૂચવવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો ઊંડા પૂર્વક અભ્યાસ કર્યા બાદ આ કરબોજને નામંજુર કરવામાં આવ્યો છે.

Whatsapp Image 2024 02 19 At 15.47.02 0786F4C4

મહાપાલિકાના 50 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે રાજકોટની જનતા માટે 50 કરોડની નવી 18 યોજનાઓ મૂકવામાં આવી છે. કોર્પોરેટરોને વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટ વધારો કરાયો છે. સાથોસાથ મેયર સહિતનું પદાધિકારીઓની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.ડેપ્યુટી મ્યુનિસિપલ  કમિશનરને પણ ગ્રાન્ટ ફાળવવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વધુમાં ઉમેર્યું હતું કે,વિશ્વના  સૌથી ઝડપથી વિકાસ 100 શહેરોમાં સ્થાન પામેલુ  રાજકોટ હવે સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે શહેરના વિકાસને વધુ વેગ મળે તેવું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

મને વિશ્વાસ છે કે, આ બજેટને બોર્ડ દ્વારા સ સર્વાનુમતે બહાલી આપવામાં આવશે.મેયર નયનાબેન પેઢડીયાએ બજેટની સરાહના કરી હતી. આ ઉપરાંત શાસકપક્ષ ભાજપના કોર્પોરેટર બજેટમાં મૂકવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી યોજનાના વખાણ કર્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને શુભકામના પાઠવી હતી. બીજી તરફ  વિરોધ પક્ષના બંને નગરસેવકોએ બજેટમાં મૂકવામાં આવેલી યોજનાઓ પર અર્થમાં સાકાર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. બજેટને બોર્ડમાં બહાલી આપવામાં આવી છે.

Untitled 1 22

શાસકો દર વર્ષે આંકડાકીય માયાજાળ રચી શહેરીજનોને છેતરી રહ્યા છે: વિપક્ષી નેતા

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરનું પ્રથમ બજેટ છે એટલે થોડું ક્યાંક કાચું કાપ્યું હોય તે આંખ આડા કાન કરીને મોટું મન રાખીને ખેલદિલી દાખવીએ છીએ.

અગાઉ પુષ્કરભાઇ પટેલે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે કુલ છ બજેટ રજુ કર્યા છે એ સિધ્ધિ  રાજકોટ મહાનગરપાલિકાના ઐતિહાસિક છે. સાથે સાથે કમિશ્નર અને તેઓની ટીમને બજેટ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું.  તા.30/11/2023 ની સ્થિતિએ 884(આઠસો ચોર્યાસી) કરોડનું બજેટ વાપરવામાં આવ્યું છે જે જનરલ બોર્ડે 2469(બેહજાર ચારસો ઓગણસીતેર) કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું આ પરથી શાબિત એ થાય છે કે 36% બજેટ જ વાપરી શક્યા છે જે કેટલા પ્રમાણમાં વાજબી ગણાય ? તેમજ ભાજપના શાસકો દર વર્ષે આવા મોટામોટા અને ખોટા આંકડાકીય માયાજાળ રચી, અવાસ્તવિક બજેટ રજુ કરી રાજકોટની જનતાને છેતરી રહ્યા છે તે સ્પષ્ટ સાબિત થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની નાણાંકીય સ્થિતિ સારી નથી એ હકિકત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ બજેટ પરથી હવે સ્પષ્ટ પૂરવાર થઇ ચુકી છે. પરંતુ આ બજેટ વાસ્તવિકતાથી નજીક છે, નાણાકીય સ્થિતિ સારી નથી તે માટે કયા કારણો જવાબદાર છે તે સંશોધનનો વિષય છે. તેમજ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબુત બનાવવા કેવા-કેવા પગલાંઓ લઈ શકાય તેનો કોઈ નક્કર રોડમેપ બજેટમાં રજુ નથી થયો તે નિરાશાજનક અને દૂ:ખદ બાબત છે. દર વર્ષે બજેટમાં આજી રીવરફ્રન્ટ, સાંઢયા પુલ, પી.ડી.એમ. ફાટક, સોલાર પ્લાન્ટ વગેરે દાયકા વીતી ગયા હોવા છતાં થયા નથી તેમજ ભાજપના શાસકોને નવું કાઈ સુજતુ જ નથી તેમજ લાંબી દીર્ઘદ્રષ્ટિ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.અપેક્ષા એવી હતી કે, મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો કરવા સ્ટેન્ડિંગ કમિટી કોઈ ખાસ પગલાં સૂચવશે પરંતુ દુર્ભાગ્યવશ એવું જોવા નથી મળ્યું. સમગ્ર શહેરમાં ડી.આઈ. પાઈપલાઈનના કામો છેલ્લા દસક માસથી ટલ્લે ચડી રહ્યા છે જેમાં શાસકો અને કમિશ્નરનું સંકલનના અભાવે રાજકોટની જનતા તરસી રહે છે અને વારંવાર પાણીકાપ, ગંદા પાણી, ગટરનું પાણી ભળી જવા વગેરે જેવા પ્રશ્નોથી જનતાની રોજીંદી સમસ્યા થઇ ગઈ છે. આ પ્રત્યે હવે ભગવાન શ્રી રામ કોઈ ઉકેલ લાવે તેવી જનતાના હિતમાં હું પ્રાર્થના કરું છું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.