હોકી વિશ્વકપમાં પેનલ્ટી શુટઆઉટમાં જર્મનીએ બેલજીયમને મ્હાત આપી !!!

17 વર્ષ બાદ ત્રીજી વખત હોકી વિશ્વ ચેમ્પિયન બનતું જર્મની !!!

હોકીની રમતમાં જર્મનીનો સામે જીતવું ખુબજ કઠિન કાર્ય સમાન છે. ઓડિશામાં ભુવનેશ્વરમાં રમાયેલી હોકી વર્લ્ડ કપની ફાઈનલ જર્મનીએ જીતી લેતા તે ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. જર્મનીએ હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં બેલ્જિયમને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું હતું. ભુવનેશ્વરમાં રમાયેલી મેચમાં જર્મનીએ શાનદાર પ્રદર્શન કરીને ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, ફુલ ટાઈમ સુધીમાં બંને ટીમોએ 3-3થી બરાબરી કરી લીધી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો પ્રારંભ થયો હતો, જેમાં જર્મની 5-4થી વિજેતા બન્યું હતુ.

જર્મનીની ટીમે 17 વર્ષ બાદ હોકી વર્લ્ડ કપ જીત્યો છે. જર્મની આ સાથે ત્રણ કે તેથી વધુ વખત ટુર્નામેન્ટ જીતી ચૂકેલી ત્રણ ટીમોની કલબમાં જોડાઈ ગયું છે. જર્મની અગાઉ બે વખત (2002 અને 2006) ચેમ્પિયન બન્યું હતુ. જર્મની નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સાથેની એલિટ કલબમાં જોડાઈ ચૂક્યું છે, જેઓ ત્રણ કે વધુ વર્લ્ડ કપ ટાઈટલ જીતી ચૂક્યા છે. ફાઈનલ અગાઉ સેમિ ફાઈનલમાં હારેલા ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે બ્રોન્ઝ મેડલનો મુકાબલો ખેલાયો હતો, જેમાં નેધરલેન્ડનો વિજય થયો.

કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ટાઈટલ મેચમાં ફ્લોરેન્ટ ઓબેલ વાને 10મી મિનિટ અને તાન્જે કોસાઈન્સે 11મી મિનિટે ગોલ કરી ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમે શરુઆતની સરસાઈ મેળવી લીધી હતી, પણ જર્મનીએ પોતાની આગવી સ્ટાઈલમાં પુનરાગમન કર્યું હતુ. નિકલાસ વેલેને 29મી મિનિટે જર્મનીનું ખાતું ખોલાવ્યું હતુ, જ્યારે ગોન્ઝાલો પેલેટ્સે 40મી મિનિટે ગોલ ફટકારીને સ્કોરને બરોબરી પર લાવી દીધોનથી. મેટ્સ ગ્રામબુશે 47મી મિનિટે ગોલ કરીને જર્મનીને લીડ પોઝિશનમાં લાવી દીધું હતું, પરંતુ 59મી મિનિટે ટોમ બૂને ગોલ ફટકારીને સ્કોરની ફરી બરોબરી કરી લીધી હતી અને મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી ગઈ હતી.