Abtak Media Google News

ગુજરાતમાં યોજનાનો આરંભ કરાવતા નાણામંત્રી કનુભાઇ દેસાઇ: એક વર્ષ સુધી યોજના અમલમાં રહેશે

રૂા.200થી વધુની ખરીદીના બિલ માન્ય રહેશે: માસિક અને ત્રિમાસિક ડ્રો યોજાશે: 30 કરોડની ફાળવણી

જીએસટી પેટે રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકમાં વધારો થાય અને ગ્રાહકોને પણ ખરીદીના બિલ લેવાની આદત કેળવાય તેવા ઉમદા હેતુ સાથે રાજ્યથી ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં “મેરા બિલ મેરા અધિકાર” યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં બિલની ખરીદી કરનાર ઉપભોક્તાઓને લાખેણા ઇનામોથી નવાજમાં આવશે.

દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા માટે “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજથી 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વાપી ખાતેથી કરાવવામાં આવ્યો હતો.

આ યોજના હેઠળ ઉક્ત રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંયુકત રીતે માસિક અને ત્રિમાસિક ડ્રો કરી માતબર રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ રૂ. 30 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

“મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ https://uat.merabill.gst.gov.in મારફતે આ યોજનામાં ભાગ લઇ શકાશે. એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી મેરા બિલ મેરા અધિકાર નામની અપ્લીકેશન સરળતાથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ યોજના હેઠળ જીએસટી અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂ. 200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહતમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્રારા વધુમાં વધુ એક મહિનામાં 25 બિલ અપલોડ કરી શકાશે.  આજ અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.