Abtak Media Google News

સેન્સકસ અને નિફટીએ નવી ઓલ ટાઇમ હાઇ સપાટી હાંસલ  કરી: રોકાણકારો રાજી-રાજી

ભારતના અડિખમ અને મજબૂત અર્થતંત્ર પર વિશ્વભરના રોકાણકારોનો વિશ્ર્વાસ સતત વધી રહ્યો હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી એફ.આઇ.આઇ. દ્વારા રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે શેરબજારમાં તેજીનો આખલો ગાંડો તુર બન્યો છે. આજે સેન્સેકસે 66 હજારની સપાટી ઓળંગતા નવો ઇતિહાસ રચાયો છે. સેન્સેકસ અને નિફટીએ નવી ઓલ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરી હતી. આગામી દિવસોમાં પણ શેરબજારમાં તેજી જળવાય રહે તેવા સાનુકુળ સંકેતો મળી રહ્યા છે.

ભારતીય અર્થતંત્ર અતિ ઉજવળ ચિત્ર, વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી, જીએસટીનું રેકોર્ડ બ્રેક કલેકશન, એડવાન્સ ટેકસના સારા ફિગર, સારૂ ચોમાસુ અને આગામી દિવસોમાં આરબીઆઇ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવે તેવા તમામ સાનુકુળ  સંજોગોના કારણે ભારતીય શેર બજાર છેલ્લા ઘણા સમયથી તેજીના ટ્રેક પર એકધારૂ પુરપાટ ઝડપે દોડી રહ્યું છે.

આજે તેજીનો આખોલ ગાંડોતુર બન્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસે નવો ઇતિહાસ રચ્યો હતો. પ્રથમવાર 66 હજારની સપાટી ઓળગી હતી અને ઇન્ફાડેમાં નવો 66043.43 નો ઓલ ટાઇમ હાઇ હાંસલ કયો હતો. એક તબકકે સેન્સેકસ 65605.88 સુધી નીચે પણ સરકી ગયો હતો. નીફટીએ પણ આજે 19566.65 નો નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો હતો નીચે સરકી 19449.35 સુધી સરકી જવા પામી હતી. બેન્ક નીફટી અને મીડ કેપ 100 ઇન્ડેકસમાં પણ તોતીંગ તેજી જોવા મળી હતી. મોટાભાગના તમામ સેકટરલ ઇન્ડેકસ ગ્રીન ઝોનમાં કામકાજ કરતા નજરે પડતા હતા.

શેરબજારની સાથે બુલીયન  બજારમાં પણ તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવ ઉચકાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 625 પોઇન્ટના ઉછાળા સાથે 66019 અને નિફટી 172 પોઇન્ટના ઉછાળા સાથે 19551 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ બજારમાં તેજી જળવાય રહેશે તેવું જાણકારો માની રહ્યા છે.

વિદેશી રોકાણ લાવવામાં ભારતે અમેરિકા, ચીન, બ્રિટન સહિતના દેશોને પાછળ છોડી દીધા

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને વિશ્વએ દેશની આ સ્થિતિની પ્રશંસા કરી છે. વિદેશી રોકાણની બાબતમાં ભારતે અમેરિકા, ચીન, બ્રિટન સહિત વિશ્વના તમામ મોટા દેશોને પાછળ છોડી દીધા છે.  વાસ્તવમાં, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં ભારતમાં સીધા વિદેશી રોકાણમાં 10 ટકાનો વધારો થયો છે, જ્યારે વિકસિત દેશોમાંથી તેનો પ્રવાહ 37 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2022માં, ભારતે સીધા વિદેશી રોકાણના સંદર્ભમાં તમામ દેશોને પાછળ છોડી દીધા છે, દેશમાં એફડીઆઈ 10 ટકા વધીને 49 બિલિયન ડોલર થઈ ગયું છે.

ભારતીય બજાર રોકાણકારો માટે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ

ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. બીજી તરફ વૈશ્વિક બજાર તરીકે ઝડપથી ઉભરી રહ્યો છે.  ઇન્વેસ્કો ગ્લોબલ સોવરિન એસેટ મેનેજમેન્ટ સ્ટડીના સર્વેમાં આ વાત સામે આવી છે.  85 સોવરિન વેલ્થ ફંડ્સ અને 57 સેન્ટ્રલ બેંકો જે 21 ટ્રિલિયન ડોલરની સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે તેને જાહેર કર્યું હતું કે ભારત હવે રોકાણ માટે ઊભરતું બજાર છે.  ભારતે ઊભરતાં બજારોમાં સાર્વભૌમ રોકાણ માટે સૌથી આકર્ષક વૈશ્વિક લક્ષ્ય તરીકે ચીનને પાછળ છોડી દીધું છે. આમ ભારતનું બજાર રોકાણકારો માટે વિશ્વનું નંબર વન હોવાનું તેને જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.