પ્રચંડ જનાદેશની ભેટ: કાલે ત્રણ વોર્ડમાં પાણી કાપ

ભાજપને સૌથી વધુ મત જ્યાંથી મળ્યા છે અને પેનલ સાથે ઉમેદવારો જીત્યા તેવા વોર્ડ નં.૮, ૧૧ અને ૧૩માં કાલે પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અનેક વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ થશે

રાજકોટવાસીઓએ ભાજપ પર ફરી અડીખમ વિશ્ર્વાસ વ્યકત કરતા તોતીંગ બહુમતી સાથે શાસન ધુરા સોંપી છે પરંતુ ભાજપના શાસકો જાણે મતદારોનું ઋણ ચૂકવવાનું વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પ્રચંડ જનાદેશના બીજા જ દિવસે શહેરના ત્રણ વોર્ડના હજ્જારો લોકો પર પાણી કાપનો કોરડો વિંઝવામાં આવ્યા છે. ભાજપને સૌથી વધુ મત જયાંથી મળ્યા અને આખી પેનલો વિજેતા બની ત્યાં પાણી કાપની સત્તાવાર જાહેરાત આજે બપોરે કરવામાં આવી છે.

આજે સવારથી મત ગણતરીમાં રાજકોટવાસીઓ એક બાદ એક વોર્ડમાં ભાજપ પર રીતસર રીજી રહ્યાં છે તો બીજી તરફ મહાપાલિકા દ્વારા સ્વાર્થ પૂરો થતાંની સાથે જ જેવી ભાજપને બહુમતિ મળી કે તરત જ પાણી કાંપની જાહેરાત કરી દેવામાં આવી. મહાપાલિકાની વોટર વર્કસ શાખાના એડિશ્નલ સીટી એન્જી. ની યાદીમાં જણાવ્યાનુસાર એનસી-૩૪ પ્રોજેકટમાં સિંધાવદર હેડવર્કસ ખાતે સટડાઉન લેવામાં આવ્યું હોવાના કારણે તા.૨૪ને બુધવારના રોજ વેસ્ટ ઝોન અંતર્ગત આવતા ચંદ્રેશનગર હેડવકર્સ આધારીત વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૩ (પાર્ટ) તથા મવડી હેડવર્કસ આધારીત એવા વિસ્તાર કે જ્યાં બપોરે ૧૨ વાગ્યા બાદ પાણી વિતરણ કરવામાં આવે છે તે વોર્ડ નં.૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં ૧૫૦ ફૂટ હેડ વર્કસ આધારીત અનેક વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી વિતરણ થશે તેવી ઘોષણા કરવામાં આવી છે.

રાજકોટવાસીઓએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા હોવાનું ઋણ ચૂકવવાના બદલે હજુ તો સત્તા ‚ઢ નહીં થયાં ત્યાં જ પાણી કાપના કોરડા વિંઝવાનું શ‚ કરી દેવામાં આવ્યું છે. મત ગણતરીમાં જેવી ભાજપને સ્પષ્ટ બહુમતિ મળ્યું હોવાનું જાહેર કરાયું કે તરત જ મહાપાલિકા દ્વારા ૩ વોર્ડમાં પાણી કાપની ઘોષણા કરવામાં આવી હતી. જે ત્રણ વોર્ડમાં પાણી કાપ છે તે ત્રણેય વોર્ડમાં ભાજપના ઉમેદવારોને તોતીંગ લીડ સાથે લોકોએ વિજેતા બનાવ્યા છે. જેની કિંમત મહાપાલિકા દ્વારા પાણીકાપ સ્વ‚પે આપવામાં આવી છે.