Abtak Media Google News

વરસાદી પાણીના નિકાલ તથા જાહેર દબાણ અંગેની જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ: કચરા કાટમાળની સફાઈ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની સફાઈ કામગીરીની સમીક્ષા

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં વરસાદી પાણીના નિકાલ તથા જાહેર દબાણો અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અંતર્ગત જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટરએ વરસાદી પાણીના નિકાલના કુદરતી માર્ગો બંધ ન થાય તે માટે કચરા-કાટમાળની સફાઈ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજની નિયમિત સફાઈ કરવા અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરશ્રી ધીમંતભાઈ વ્યાસે વર્ષારૂતુ કે વાવાઝોડા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ અંગે ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું આયોજન રજૂ કર્યું હતું.

કલેકટરએ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આવશ્યક સૂચનો આપ્યા હતા તેમજ વોંકળા તથા નદીનાળાનો સર્વે કરાવી તેમાં કચરો, કાટમાળ કે ઝાડીઝાંખરાની સફાઈ કરાવીને દબાણ કે અન્ય અવરોધ દુર કરવાની કામગીરી તેમજ નવું દબાણ ન થાય તે માટે નિયમિત મુલાકાતો લેવા સૂચના આપી હતી. આ બેઠકમાં આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એસ. જે. ખાચર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અનિલ ધામેલીયા, પ્રાંત અધિકારીશ્રીઓ કે.જી.ચૌધરી, રાજેશ આલ, સંદીપ વર્મા અને જે. એન. લીખીયા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર કેતનભાઈ ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલ સહીત પોલીસ, સિંચાઈ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદીત ચીજ વસ્તુઓનાં વેચાણ માટે કેન્દ્રોશરૂ કરવા કલેકટરની તાકીદ

રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન-વેચાણ-વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સના વેચાણ અર્થે જગ્યા ફાળવણી સંબંધી સ્થિતિની સમીક્ષા કરવામાં  આવી હતી. કલેક્ટર પ્રભવ જોષીએ દરેક તાલુકાના ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓને લોકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરતા થાય તે માટે વ્હેલામાં વ્હેલી તકે વેચાણ કેન્દ્રો શરૂ કરવા ખાસ તાકીદ કરી હતી. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિની તાલીમ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યા, પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર તથા પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અંગે આવશ્યક સૂચનો આપ્યા હતા. તેમજ પ્રાકૃતિક કૃષિ મેળાનું આયોજન કરવા જણાવ્યું હતું.રાજકોટ જિલ્લામાં 11 તાલુકામાં  23 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

જેનો કુલ વિસ્તાર 23174 એકર જેટલો  છે. સરકારના પ્રયાસોથી વધુ ને વધુ ખેડૂતો રાજ્ય પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય, તે માટે તેઓના ઉત્પાદનનું યોગ્ય વેચાણ અને મૂલ્ય મળી રહે તે માટે ગ્રામ્ય, તાલુકા તેમજ શહેર કક્ષાએ જગ્યાની ફાળવણી કરવામાં આવી રહી છે. આવનારા ટુંક સમયમાં તેઓને  જગ્યાની ફાળવણી થઈ જાય તે માટે કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારીઓ કે. જી. ચૌધરી, રાજેશ આલ, સંદીપ વર્મા અને જે. એન. લીખીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલ, નાયબ બાગાયત નિયામક રસિકભાઈ બોઘરા, નાયબ ખેતી નિયામક વિજયભાઈ કોરાટ, ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારી હસમુખ વાદી સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.