Abtak Media Google News

પાંચ વર્ષ પૂર્વે ૭૦૦ રૂપિયાની લુંટ ચલાવી કરપીણ હત્યા નીપજાવી હતી: ફરીયાદી, નજર જોનાર સાહેદ અને તબીબી સમર્થન આપતા કેસની કડી મજબુત બની હતી

જામનગર શહેરનાં ગોકુનગરમાં ૫ વર્ષ પૂર્વે રૂ.૭૦૦ લુંટના ઈરાદે પરપ્રાંતીય યુવાનની કરપીણ હત્યાનાં ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ જામનગર શહેરનાં ગોકુલનગર વિસ્તારમાં પાણીપુરીની લારી ચલાવતા પવનસિંહ તુકારામ કુસવા નામના પરપ્રાંતીય યુવાનની ગત તા.૨૭/૬/૧૪ ના રોજ રૂ.૭૦૦ ની લુંટ ચલાવી છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવવાનાં ગુનામાં કુલદીપસિંહ ચંદુભા નામના શખ્સ સામે મૃતકનાં ભાઈ તલકસિંહ કુસવાએ ફરીયાદ નોંધાવતા પોલીસે કુલદીપસિંહ ઉર્ફે ટોપીની ધરપકડ કરી તપાસ પુર્ણ કરતા જેલ હવાલે કર્યા હતા. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાજર્શીટ રજુ કરતા કેસ કમીટ થયો હતો.

Advertisement

કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલ તેમજ ૨૨ સાક્ષીઓ તપાસવામાં આવ્યા તેમજ દસ્તાવેજી પુરાવા, ઓળખ પરેડમાં ફરીયાદીએ આરોપીએ ઓળખી બતાવેલ તથા તબીબોએ બનાવને સમર્થન આપેલ તમામ દલીલ માન્ય રાખી સેશ.જજ ટી.વી.જોષીએ આરોપી કુલદીપ ઉર્ફે ટોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી.કોમલબેન ભટ્ટ અને મુળ ફરીયાદી વતી સુરેશ પરમાર તથા અનીલ પરમાર રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.