Abtak Media Google News

દક્ષિણ ધ્રુવ અને ચંદામામા શા માટે?

અવકાશ ક્ષેત્રે ભારત ચંદ્રયાન-૨ મારફતે ચંદ્ર તરફની એક ઐતિહાસિક સફર શરૂ કરી દીધી છે. ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરવા માટે ભારતે અવકાશમાં ડગલા માંડી દીધા છે. ચંદ્રયાન-૨ લોન્ચ થયાની ૧૭ મિનિટે ચંદ્રયાન-૨ પૃથ્વીની પહેલી ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું હતું જે સમગ્ર દેશ માટે ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે. આગામી ૨૩ દિવસ પૃથ્વીની ચાર પ્રદક્ષિણા કર્યા બાદ ચંદ્રયાન-૨ ચંદ્ર તરફ આગળ વધશે જે કુલ ૪૮ દિવસ બાદ એટલે કે ૭ સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે. આંકડાકિય માહિતી પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ચંદ્ર પરનાં એક દિવસ એટલે પૃથ્વીનાં ૧૪ દિવસ માનવામાં આવે છે જયાં વૈજ્ઞાનિકો સંશોધન કરીને ધરતી ઉપર વિગતો મોકલાવશે.

ચંદ્રયાન-૨ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે ત્યારે ભારતીય લોકોમાં અને વિશ્ર્વમાં એક કુતુહલ સર્જાયું છે કે, દક્ષિણ ધ્રુવ જ શા માટે ? હજુ સુધી અવકાશ ક્ષેત્રે જે દેશ આગળ વઘ્યું છે તે દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો વિચાર પણ નથી કર્યો ત્યારે આ મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત એ થાય છે કે, દક્ષિણ ધ્રુવ શા માટે ? વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જો વાત કરવામાં આવે તો આશરે ૨૦૦ દિવસ સુધી દક્ષિણ ધ્રુવ પર સુર્ય અસ્ત થતો નથી. ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર કોઈ અવકાશી યાત્રી ઉભો રહે તો તેને સુર્ય ક્ષિતીજ રેખા પર દેખાશે તે ચંદ્રની સપાટી પર લાગીને ચમકતો નજરે પડશે ત્યારે બીજો મુદ્દો એ છે કે, દક્ષિણ ધ્રુવ પર એવા ઘણા ખરા ખનીજો ડટાયેલા છે જેનો તાગ ભારતીય વૈજ્ઞાનિકોને મળશે અને ખનીજોમાં જાણે ક્રાંતિ પણ સર્જાય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. સુર્યનાં કિરણો ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ત્રાસા પડે છે જેનાં કારણે દક્ષિણ ધ્રુવ પરનું તાપમાન ખુબ જ ઓછું હોય છે.

વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર ચંદ્રનો જે હિસ્સો સુર્યની સામે આવે છે ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્શીયસ ઉપર પહોંચી જતું હોય છે અને જે ભાગ પર સુર્યની કિરણો પડતી નથી ત્યાં -૧૩૦ ડિગ્રી તાપમાન રહેતું હોય છે જેનાં કારણે ચંદ્રની ધરતી પર રોજ એટલે કે પૃથ્વીનાં ૧૪ દિવસ બરાબર તાપમાનમાં વધ-ઘટ થતું જોવા મળે છે પરંતુ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સહેજ પણ વધ-ઘટ થતી નથી જેથી દક્ષિણ ધ્રુવ પર પાણી મળવાની સંભાવના સૌથી વધારે રહેલી છે.

ચંદ્રયાન-૨ રોકેટ વિશે જો વાત કરવામાં આવે તો તે જીએસએલવીએમકેનાં આધારે અંતરીક્ષમાં પહોંચ્યું હતું. જીએસએલવીએમકે રોકેટની જયારે વાત કરવામાં આવે તો તે સૌથી વધુ શકિતશાળી અને મજબુત રોકેટ ભારતનાં અવકાશ ક્ષેત્રે માનવામાં આવે છે. ઈસરોને જીએસએલવી રોકેટનાં ઉપરી ભાગને બનાવવા અને તેને વિકસિત કરવા માટે આશરે ૨૦ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ રોકેટને ઉડાડવા માટે ક્રાયોજનીક એન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે કે જે રોકેટ સાથે ૪ ટનનાં પેલોડને પૃથ્વીનાં ભ્રમણકક્ષા સુધી પહોંચાડવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે. ક્રાયોજનિક એન્જીનની જો વાત કરવામાં આવે તો તેમાં લીકવીડ હાઈડ્રોજનનું ઈંધણ વાપરવામાં આવે છે. રોકેટમાં એલ-૧૧૦ લીકવીડનું વિકાસ એન્જીન રાખવામાં આવ્યું છે. સાથો સાથ આ રોકેટમાં એસ-૨૦૦ નામનાં બુસ્ટર રોકેટ પણ સાથે જોડવામાં આવ્યા છે કે જે પૃથ્વીની ભ્રમણકક્ષા સુધી પહોંચાડવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે.

આ રોકેટમાં બે નાના એન્જીનો રાખવામાં આવ્યા છે જે થ્રડસ્ટીંગ કામગીરી માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જયારે ઈંધણની વાત કરવામાં આવે તો રોકેટમાં લીકવીડ ઓકિસજન તથા લીકવીડ હાઈડ્રોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કમ્બસ્તન સમયે રોકેટ તથા તેની સાથે સંલગ્ન લેન્ડ રોવર સહિતનાં ઉપકરણોને ઉર્જા મળી રહે. કમ્બસ્તન ચેમ્બરની જયારે વાત કરવામાં આવે તો લીકવીડ હાઈડ્રોજનને -૨૫૩ ડિગ્રી સેલ્શીયસ તથા લીકવીડ ઓકિસજનને -૧૮૩ ડિગ્રી કમ્બસ્તન થતું હોય છે. જયારે ક્રાયોજેનીક ચેમ્બરમાં તાપમાનને સ્થિરતા આપવા અને તેનાં પ્રેશરને જાળવી રાખવા માટે હિલયમ લીકવીડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેનાં કારણે કમ્બસ્તન ચેમ્બર કામ કરતી હોય છે.

૧લી સપ્ટેમ્બરે યાનથી અલગ થઈ વિક્રમ લેન્ડર ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરશે જયારે ૬ સપ્ટેમ્બરનાં રોજ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે અને તેનાં ૪ કલાક બાદ રોવર પ્રજ્ઞાન તેમાંથી નિકળીને ચંદ્રની સપાટી ઉપર ફરીને અભ્યાસ શરૂ કરશે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર રોવર એક સેન્ટીમીટર પ્રતિ એક સેક્ધડની ઝડપે ચાલશે ત્યારે વૈજ્ઞાનિકોને અનુમાન છે કે આગામી દિવસોમાં ચંદ્રયાન-૨ એવા ઘણા રહસ્યોને ઉજાગર કરશે અને અવકાશ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.