Abtak Media Google News

ઉપલેટાના ખેડુતો બે માસથી મગફળી વેંચાણના પૈસાથી વંચિત: ઉગ્ર રોષ

ઉપલેટા તાલુકાના ખેડુતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વેંચાણ કરેલ હતી. આજે બે-બે માસ થવા છતાં ખેડુતોને મગફળી વેંચાણના પૈસા મળેલ નથી. આ બાબતે ગઢાળાના સરપંચ નારણભાઈ આહિરે સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યકતા કરતા જણાવેલ હતું કે, ગોંડલના જે ગોડાઉનમાં આગ લાગી તેમાં ખેડુતોનો શું વાક અને શું ગુન્હો ? આ બાબતે સરપંચે વધુમાં જણાવેલ હતું કે, ગોંડલના આ ગોડાઉનમાં પૂર્વ આયોજીત ઈરાદાપૂર્વક જ આગ લગાડવામાં આવેલ હતી. કારણ શું કે મોટાભાગે મગફળીના બદલે માટી ઠલવવામાં આવેલ હતી. આ ગોડાઉનમાં ૭૫ ટકા માટી હોય તેથી પાપનો ઘડો ફુટી ન જાય તે માટે ફરજીયાત ભ્રષ્ટાચાર છુપાવવા માટે આગ લગાડવામાં આવી છે. આ ગોડાઉનમાં આગ લાગી તેમાં ઉપલેટા પંથકની મગફળી હતી અત્યારે જે ખેડુતોને પૈસા લેવાના છે તેને આજે બે માસ થયા હોવા છતાં ખેડુતોને સમયસર પૈસા ન મળે આથી વધારે કમનસીબી શું હોય શકે જો આવા બનાવો બનશે તો સરકારના ટેકાના ભાવની ખરીદીનો કોઈ ખેડુત વિશ્વાસ નહીં કરે.

આજે ખેડુતોને માલ વેચાણ થાય ત્યારે અનેક જગ્યાએ પૈસા ચુકવવાના હોય છે અને જો આવા સમયે માલ વેંચાણ બાદ બે-બે માસ સુધી સરકાર પૈસા ન આપે તે વ્યાજબી ના કહેવાય અને હવે પછી ખેડુતો સરકારના આવા ગતકડાનો કોઈ વિશ્ર્વાસ કરશે નહીં. આ બાબતે અશોકભાઈ લાડાણીએ પણ વહેલી તકે ખેડુતોના પૈસા મળે તેવી માંગણી કરેલ હતી. તેમજ ગઢાળા ગામના સરપંચે અંતમાં જણાવેલ હતું કે, આજે સરકાર ખેડુતલક્ષી બજેટની જાહેરાતો કરે છે ત્યારે તેનો લાભ ખેડુતોને તો મળતો જ નથી. ખેડુતોને પોતાની કાળી હાડ મજુરી કરી પરસેવો પાડીને મગફળી વાવી ઉત્પાદન કરી વેંચાણ કરેલ મગફળીના પૈસા તો સમયે મળતા નથી આમા કયા ખેડુતોના લાભની વાત રહી અને સરકાર જાહેરાતો તો મોટી મોટી કરે છે તે કોઈ રીતે વ્યાજબી નથી. આ પ્રકરણમાં સરકાર વહેલી તકે જાગે તો સારુ નહીતર સતામાંથી કાયમ માટે જવાનો વારો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.