Abtak Media Google News

વોર્ડ ઓફિસે આવતી ઓફલાઇન ફરિયાદોને ગ્રીવન્સ રીડ્રેશલ એપ્લીકેશન સાથે લીંક કરવા આપ્યા આદેશો

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. 5માં જઈને વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે વોર્ડમાંથી આવતી ફરિયાદો અંગે જાતે પરીક્ષણ કરી ફરિયાદોના નિકાલ અંગે શું કામગીરી કરવામાં આવી તેની સમીક્ષા કરી સંબધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. વિશેષમાં કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે આવતી ઓફલાઈન ફરિયાદોને ગ્રીવન્સ રીડ્રેશલ એપ્લીકેશન સાથે લીંક કરવા માટે પણ સંબંધિત અધિકારીને સુચના આપી હતી જેના માધ્યમથી ફરિયાદનું સ્ટેટસ સહેલાઈથી જાણી શકાય.

મ્યુનિ. કમિશનરએ વોર્ડ નં.5માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ ત્યાં બેસીને સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

મ્યુનિ. કમિશનરએ આ વોર્ડમાં રૂબરૂ સ્થળ વિઝિટ કરી હતી જેમાં રણછોડનગરમાં ટીપરવાનની આવતી ફરિયાદ અને રઘુવીર પાર્ક-2માં સમયપત્રક મુજબ પાણી વિતરણ થાય છે કે નહી તેની રૂબરૂ ચકાસણી કરી હતી તેમજ પાણીમાં કલોરીનેશનની પણ ચકાસણી કરાવી હતી.

આ ઉપરાંત કમિશનરએ નવાગામ પાસે સીસી રોડ અને ઇલેક્ટ્રિક પોલ શિફ્ટ કરવાની ચાલુ કામગીરી નિહાળી આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, મેડીકલ ઓફિસર લલીત વાંજા, આસી. કમિશનર વી. એસ. પ્રજાપતિ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી. ટાઉન પ્લાનિંગ વી. વી. પટેલ, ડીઈઈ જે. જે. પંડ્યા અને વોર્ડ નં. 5ના વોર્ડ ઓફિસર સુનીશા માણેક હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.