Abtak Media Google News

નવી બંદર પોલીસી હેઠળ ખાનગી રોકાણકારોને નવી જેટી ઉભી કરવા પ્રોત્સાહિત કરાશે 

સમગ્ર વિશ્ર્વ માટે જો કોઈ ઉત્તમ પરિવહન અને સસ્તુ પરિવહન હોય તો તે દરીયાઈ માર્ગ માનવામાં આવે છે ત્યારે દેશનાં ગુજરાત રાજય પાસે ૧૬૦૦ કિલોમીટરનો દરીયાઈ કાંઠો વિસ્તાર રહેલો છે. જેને જોડી દેવા માટે ખાનગી બંદરોને પ્રોત્સાહિત કરી શકાય તે માટે સરકારે નવી પોલીસી જાહેર કરી છે જેમાં ખાનગી રોકાણકારોને નવી જેટી ઉભી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા નવી બંદર પોલીસી હેઠળ ટ્રેડ અને રોકાણમાં વધુ મજબુતાઈ મળે તે માટે જે મંદ પડેલી જેટી છે તેને ખાનગી પાર્ટીનાં કાર્ગોનું સંચાલન કરવા માટેની પણ પરવાનગી આપી દેવામાં આવી છે. હાલ બંદરમાં રહેલી જેટીઓને ફરીથી વિકસિત કરાશે અને તે દિશામાં અનેકવિધ નવત્તર પ્રયોગો પણ હાથ ધરવામાં આવશે. નવી બંદર પોલીસી હેઠળ સરકાર ખાનગી રોકાણકારોને આવકારવા અને પ્રોત્સાહિત કરવા માટે નવી જેટી ઉભી કરવા ૩૦૦ કરોડ રૂપિયાનાં રોકાણ સાથે અને કાર્ગોની કેપેસીટી પ્રતિ માસ ૫ મિલીયન ટનની રાખવા માટે આવકારશે. નવી બંદર પોલીસી હેઠળ જે નવી જેટીઓ બનાવવા માટે સરકાર વિચાર કરી રહી છે તેમાં નવી જેટીઓ ચાલુ જેટીઓથી ૩ કિલોમીટર દુર બનાવવા માટેનું સુચન પણ કરવામાં આવ્યું છે ત્યારે નવી બંદર પોલીસી હેઠળ હાલ દહેજ અને હજીરા પોર્ટને બાકાત રાખવામાં આવ્યા છે ત્યારે નવી જેટી જે દહેજ અને હજીરા પોર્ટ ઉપર બનશે તે ચાલુ જેટીથી માત્ર ૧ કિલોમીટરનાં અંતરે જ બનાવવાનું સરકારે યોજનામાં જાહેર કર્યું છે. નવી પોલીસી હેઠળ જે મંદ પડેલી જેટીઓ છે ત્યારે પાર્ટીએ ૫૦ ટકાનો વધારાનો વારફેજ ચાર્જ થર્ડ પાર્ટી કાર્ગો પર લગાવવામાં આવશે.

નવી પોલીસી હેઠળ ૩૨ મંદ પડેલી જેટીઓને કોમર્શીયલ પ્લોટ એકટીવીટી માટે ફરીથી કાર્યરત કરાશે ત્યારે આગામી દિવસોમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વધુ વિકસિત કરવા આશરે ૪ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. હાલ નેશનલ કાર્ગોમાં ગુજરાત રાજયનો શેર ૪૧ ટકાનો હતો જે નવી પોલીસી અમલી બન્યા બાદ ૪૬ ટકા જેટલો થઈ જશે. રાજય સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી નવી ઈકોનોમી પોલીસી હેઠળ આશરે ૭૦ હજાર કરોડ રૂપિયા ઈકોનોમી એકટીવીટી મારફતે વપરાશ કરવામાં આવશે. નવી પોલીસીનાં માધ્યમથી આશરે ૨૫ હજાર નવી રોજગારીની તકો પણ ઉભી થશે. સાથો સાથ રાજય સરકારને અંદાજીત ૪૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ થાય તેવું પણ જાણવા મળી રહ્યું છે. નવી બંદર પોલીસીનાં માધ્યમથી ગુજરાત રાજયમાં જે લોજીસ્ટીક ક્ષેત્ર મંદ પડયું છે તે પણ ફરી ધમધમતું થશે. નવી જેટી બનાવવા માટે સરકાર દ્વારા જે પ્રોત્સાહન ખાનગી રોકાણકારોને આપવામાં આવી રહ્યું છે તેનાથી બંદરનાં વિકાસમાં પણ અનેકગણો વધારો થશે જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે, સરકાર તમામ ક્ષેત્રોની સાથે દરીયાઈ માર્ગને પણ વધુ વિકસિત કરવા માટે કામગીરી હાથધરી રહ્યું છે ત્યારે આ નવી પોલીસીથી ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો જે દરિયાઈ વિસ્તાર છે તે વધુને વધુ વિકસિત થશે અને ધમધમતો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.