તારાણા-મોરાણાની રેતી ચોરવા ખનિજ માફીયા દરિયા સુધી પહોંચ્યા

જોડીયા: બાદનપર ગામે ખનિજ ચોરો પર સ્ટેટ મોનીટરીંગ સેલની તવાઈ

જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં બાદનપર સહિતના આસપાસના વિસ્તારોમાં સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ બેફામ બનેલા ખાનીજચોરો પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે. જેમાં ડમ્પર, ટ્રેકટર અને રેતી સહિત રૂ.2.34 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની તવાઈની તાત્કાલિક અસરથી પોલીસવડાએ તાત્કાલિક ધોરણે જોડીયા પીએસઆઇ ડી.પી. ચુડાસમાની બદલીના આદેશ આપ્યા છે.જોડીયામાં બાદનપુરની આસપાસ આવેલા તારાણા મોરાણાના દરિયાઈ વિસ્તારમાં પણ ખનિજ ચોર બેફામ બન્યા છે. નદી અને સરકારી જમીનોમાંથી ખનિજ ચોરી બાદ હવે રેતી ખનન કરતા ખનિજ માફિયા દરિયામાં પણ પડતા તંત્રનો હાલ બેહાલ થયો છે.

ડમ્પર, ટ્રેકટર, મોટર સાયકલ, ઓઈલ  અને રેતી સહિત  રૂ. 2.34 કરોડનો મુદ્દામાલ કબ્જે

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનની હદમાં બાદનપર ગામની સીમમાં આવેલા ઉંડ 2 નદીના કિનારે તથા બાદનપર ગામની સરકારી જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન તથા વહન અંગે રેઈડ કરી, કુલ રૂ.2,34,49,505નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને બાતમી હકિકત મળેલી કે, અમુક માણસો જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાદનપર ગામની સીમમાં ઉંડ-2 નદીના કિનારેથી રેતી કાઢી, બે લોડર દ્વારા ડમ્પરો તેમજ ટ્રેક્ટરોમાં બાદનપરની સરકારી જગ્યામાં ભેગી કરી, કોઈ ખાણ-ખનીજ વિભાગની લીઝ કે મંજુરી લીધા વગર બેફામ રેતી ચોરી કરી રહ્યા છે.” તે માહિતી આધારે રેઈડ કરતાં મોટાપાયે ખનીજચોરી કરતા તત્વો હાથ લાગતા ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોની મિલીભગત છતી થઇ છે. સ્ટેટ મોનીરીંગ સેલના દરોડા બાદ સૌરાષ્ટ્રભરમાં ખનિજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી સ્થળ ઉપરથી રૂ.2.10 કરોડની કિંમતના સાત ડમ્પર, રૂ. 14 લાખની કિંમતના બે લોડર, રૂ. 16,286ની કિંમતની 47.900 મેટ્રિક ટન રેતી, રૂ.10,03,644ની કિંમતના બે ટ્રેકટર અને તેમાં ભરેલી 10,720 મેટ્રિક ટન ભરેલી રેતી, મોટર સાયકલ, રૂ. 25,000નું એન્જિન જ્ઞશહદતફવશિં હિસાબના ચોપડા સાથે ફૂલ રૂ. 2,34,49,505નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં આગળની તપાસ જોડીયા પોલીસ મથકને સોંપવામાં આવી છે.

દરોડાના પગલે પીએસઆઈ ડી.પી. ચુડાસમાની બદલી કરતા પોલીસવડા

જોડીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલની તવાઈના ધેરા પડઘા પડ્યા હતા. જેના પગલે પીએસઆઈ ડી.પી.ચુડાસમાની તત્કાલ બદલી કરવાના આદેશ મળ્યા હતા જોડીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડને પગલે જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જોડિયા પીએસઆઈ ડી.પી.ચુડાસમાની તત્કાલ અસરથી બદલી કરી અને તેમને સીટી સી ડીવીઝનમાં મૂકી દેવામાં આવ્યા છે, તો જોડિયા પીએસઆઈ તરીકે કે.આર.સીસોદિયાને મુકવામાં આવ્યા છે.