Abtak Media Google News

નાનાં મોટા કૌભાંડોને કારણે અને એકાધિકાર તેમજ વ્યકિતવાદના અતિરેકને આપણા દેશમાં અર્થતંત્ર-નાણાતંત્ર ખોટ કરતા થવા લાગ્યા છે. એવા હતાશાજનક અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે. આની સાથે કરોડો દેશવાસીઓને અર્ધભૂખ્યા અને અર્ધ નગ્ન રાખતી ગરીબાઈ એકધારી વકરતી રહી છે.

અનેકવિધ જંગી ખર્ચમાં જંગી કરકસર કરવાનું અનિવાર્ય છે. એવા કસોટીજનક સમયે સરકાર આંકડાઓની ઈન્દ્રજાળ સજર્યા કરીને ખર્ચમાં જંગી વધારો કર્યે જાય છે.

પાકિસ્તાનના આતંકવાદી પરિબળો અને કટ્ટરવાદી હૂમલાઓ સામે અને અન્ય ઉશ્કેરીઓ સામે લડવા ભારતને મદદ કરવાની અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી છે.

ભારતના વડાપ્રધાને અમેરિકામાં વસતા પચાસ હજાર જેટલા ભારતવાસીઓનાં જાજરમાન અને હર્ષોલ્લાસભીના જમેલામાં ટ્રમ્પની ખોબેખોબા પ્રશંસા કરીને અને તેમને સમગ્ર વિશ્વના (પ્લેનેટ)ના મહાન નેતા તરીકે બિરદાવીને અમેરિકી ચૂંટણીમાં તેઓ ફરીવાર ચૂંટાઈને સત્તા ઉપર આવશે એવો પડઘો પાડયો હતો. હવે ટ્રમ્પે તેમને ‘ફાધર ઓફ ઈન્ડીઆ’ તરીકે બિરદાવીને પાકિસ્તાનની સામે બાથ ભીડવા જોઈતી મદદ આપવાની ખાતરી આપી છે.

ટ્રમ્પ રૂઢિચૂસ્ત પાર્ટીના છે અને તેમને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની સામે ચૂંટણી લડવાની છે. આનો અર્થ એવો થાય કે, ટ્રમ્પને તેમની પાર્ટી બીજી વખત ચૂંટાવશે, જેમાં ભારત અમેરિકામાં વસતા ભારતીયોને ટ્રમ્પને મત આપવાનું પછી તેમના હરીફ ઉમેદવાર ગમે તે હોય અને અમેરિકામાં લોકપ્રિય હોય…

કદાચ આ પ્રકારનાં આદાનપ્રદાનની આ પહેલી ઘટના બની રહેશે!

ભારતના બહુ મોટા બજાર પ્રતિ ટ્રમ્પ તંત્રની નજર હશે પરંતુ વૈશ્ર્વિક મંદીના ઘોડાપુર સામે ભારતના અર્થતંત્રને નાણાતંત્રને સાબૂત રહેવું પડે તેમ છે. અને કસોટીને વખતે વિશ્વની રાજદ્વારી ગતિવિધિ કેવી હશે તેને અનુરૂપ રાજરમત ભારત સરકારે અપનાવવી પડે તેમ હશે તો મોદી-ટ્રમ્પનાં આલિંગનની કસોટી થયા વિના નહિ રહે.

ભારતની વર્તમાન આર્થિક હાલત તેને ખર્ચમાં જબરી કરકસર કરવાની ફરજ પાડશે.

અહી મહાત્મા ગાંધીજીની જીવન શૈલીનું એક દ્રષ્ટાંત યાદ આવ્યા વિના રહેતું નથી.

ગાંધીજી એકવાર તેમના ઘરગથ્થુ સાગ્રીતની સાથે વાતચીત કરતા બેઠા હતા. એટલામાં ટપાલીએ આપેલી ટપાલો એમના હાથમાં આવી.

એમના સાગ્રીતે ટપાલો ખોલીને તેમને આપવા માંડી, જે ટપાલોમાં નિંદા હતી અને કશાજ કામની નહોતી તે તેમણે બાજુએ મૂકીને ઢગલો કર્યો. પેલો સાગ્રીત તે બધા કાગળોનું ખોખું ફેંકી આવ્યો. ગાંધીજીનું એ તરફ ધ્યાન ગયું કે તરત જ તેમણે એ ખોખું પાછું લાવવાનું કહ્યું.

તુરત તેમણે એક પછી એક એ કાગળો હાથમા લીધા અને તેમાંની ટાંચણીઓ કાઢી કાઢીને તેમને ફેંકી દીધા ટાંચણીઓને તેમણે નિશ્ચિત સ્થાને મૂકી દીધી.

આ વાત સાવ નાની હોવાનું લાગે છે, પરંતુ એમા કરકસરનાં સિધ્ધાંતનું પ્રતિબિંબ હતું.

ગાંધીજીએ હસતા હસતા કહેલું કે, ‘જૂઓ કરકસરનું આપણા જીવનમાં અને અર્થતંત્રમાં ઘણું બધું મહત્વ છે. કરકસર બીજો ભાઈ છે એમ સમજવું… અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘યોર સેવિંગ ઈઝ યોર સેલેરી…’

આપણી સરકારના નાણામંત્રી માટે તો આ ખાસુ અપનાવવા જેવી બાબત છે.

જયારે બહુ મોટા ખર્ચ અને આર્થિક વ્યવહારોના કિસ્સા હોય ત્યારે નાની કરકસર પણ ‘લાખની પાણ’ બની જાય છે.

મોટામોટા યુધ્ધો અને લડાઈઓમાં પણ ‘કરકસર’ અને સાચવણી ખરાખરીને વખતે મદદરૂપ થાય છે.

હમણા હમણા પાકિસ્તાનની અવળચંડાઈ વધી છે.

શ્રી નગરના એક અહેવાલ મુજબ ભારતીય હવાઈ દળના એરબેઝ પર હુમલા કરવા માટેની ઘાતક યોજના ખતરનાક ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ દ્વારા તૈયાર કરવામાં આવી હોવાના ચોકાવનારા હેવાલ મળ્યા છષ. આ પ્રકારના અહેવાલ મળ્યા બાદ ભારતીય હવાઈ દળ એરબેઝ પર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તપાસ સંસ્થાઓએ ચેતવણી આપતા કહ્યું છે કે જેશે મોહમ્મદના આઠથી દસ ત્રાસવાદીઓના એક મોડયુલને લઈને ચેતવણી જારી કરી છે.

એક બીજા અહેવાલ મુજબ પાકિસ્તાની ત્રાસવાદી સંગઠ્ઠન જેશે મોહમ્મદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોની અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ પર હુમલા કરવા માટે ત્રાસવાદીઓની એક ખાસ ટુકડી તૈયાર કરી લેવામાં આવી છે.

આનાથી વધુ ગંભીર ચંદીગઢનો આ અહેવાલ છે જેમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાંથી ભારે ડ્રોન મારફતે પંજાબમાં મોટી સંખ્યામાં હથીયારો ઉતારવાની ઘટના સપાટી પર આવ્યા બાદ પંજાબ સરકાર એલર્ટ અને સાવધાન થઈ ગઈ છે.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, પાકિસ્તાન ભારતને લશ્કરી રીતે મુંઝવવાનો અને એને લગતા જંગી ખર્ચ દ્વારા ભારતને નુકશાન પહોચાડવાનો છે.

પાકિસ્તાનનું અર્થતંત્ર ડુબી રહ્યું છે.

પાકિસ્તાનનું શાસન ખળભળી રહ્યું છે.

‘હાર્યો જુગારી બમણો રમે’ એવી હાલત અત્યારે પાકિસ્તાનની છે.

ભારતે સાવધાન રહેવું પડે તેમ છે. ભારતનું અર્થતંત્ર પણ ‘હાકલા પડકારા’ ઉપર શ્ર્વાસ લે છે.

ભારત સરકાર કરકસર નહિ કરીને આ દેશની પેઢી કાચી પડે તેવો જુગાર રમી રહી છે.

કહે કે સર્વેશ્વર જેમના શરાફ ન હોય એ પેઢી કાચી પડે જ ! આપણા રાજકીય પ્રવાહોમાં કયાંય કોઈ સર્વેશ્વર નથી. નવી નવી ખોટનો પાર નથી. એ કયારે ગળાબૂડ સુધી પહોચી જશે, એ તો ભગવાન જાણે !

પાકિસ્તાન અને ભારત, બેઉ સાથે બૂડે તો નવાઈ નહિ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.