Abtak Media Google News

બોર્ડ ઓફ ગર્વનન્સને સંસદની લીલીઝંડી મેડિકલ શિક્ષાની કમાન સંભાળશે

દેશની સૌથી મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા-એમસીઆઈને સરકારે ભંગ કરી તેની જગ્યાએ બોર્ડ ઓફ ગવર્નસની નિમણુક કરી છે. બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

બોર્ડ ઓફ ગર્વનન્સ-બીઓજીને સંસદની લીલીઝંડી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ પણ સંબંધિત અધિસુચના પર હસ્તાક્ષર કરી બોર્ડમાં સાત વ્યકિતઓની નિમણુક પણ બુધવારે જ કરી દેવાઈ હતી. લોકસભામાં પેન્ડીંગ નેશનલ મેડિકલ કાઉન્સીલ બીલ (એનએમસી) જયાં સુધી પાસ ન થઈ જાય ત્યાં સુધી દેશમાં મેડિકલ શિક્ષાનું વ્યવસ્થાપન આ બોર્ડ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, એમસીઆઈમાં ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે ૨૦૧૬માં ઓવરસાઈટ કમિટીની રચના કરવાનો કેન્દ્રને આદેશ આપ્યો હતો પરંતુ આ કમિટીની રચના બાદ તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું હતું જેમનું કહેવું હતું કે, એમસીઆઈ કમિટીને સહયોગ કરવાને બદલે નવી અડચણો ઉભી કરે છે.

સરકાર ઈચ્છતી હતી કે ચોમાસુ સત્રમાં એમસીઆઈની જગ્યાએ એનએમસી બીલ પસાર થાય પરંતુ તે લોકસભામાં પાસ થઈ શકયું નહીં. આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપને ધ્યાને રાખી અને દેશમાં મેડિકલ શિક્ષાનું સ્તર સુધારવા માટે એમસીઆઈને ખતમ કરવી જરૂરી બની ગઈ છે. આથી જ સરકારે અધ્યાદેશ જારી કર્યો છે. જેને રાષ્ટ્રપતિની પણ મંજુરી મળી ગઈ છે અને બોર્ડ ઓફ ગર્વનન્સની નિમણુક કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.