Abtak Media Google News
  • એકલ દોકલ કે આલિયા-માલિયાને નહીં પણ ગુન્હાહિત ટેવવાળાને પાસામાં ધકેલાશે : પાસાની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી દેવાશે 
પાસાનું શસ્ત્ર ધારદાર રાખવા માટે રાજ્ય સરકારે પાસા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હમણાં થોડા સમયથી ગમે તેવા ગુન્હામાં ગમે તે રીતે પાસાના શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેના લીધે પાસાનું શસ્ત્ર બુઠું થતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હતું જેના લીધે હવે રાજ્ય સરકારે પાસા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉપરાંત નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દર મહિને પાસા અંગે બેઠક કરી અરજીઓનક તાત્કાલિક નિકાલ કરવામાં આવે જેથી દરખાસ્તોનો ભરાવો થાય નહીં.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ અટકાયતના આદેશો પસાર કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવા આદેશ આપવામાં આવ્યો છે.
3 મેના રોજ રાજ્યના ગૃહ વિભાગે અધિકારીઓ માટે 12 પગલાં રજૂ કર્યા હતા, જેમાં તેમને હકીકતો વિશે સતર્ક રહેવા અને જો વ્યક્તિ જાહેર અવ્યવસ્થાનું કારણ ન હોય તો પાસાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.  હાઈકોર્ટે 5 મેના રોજ આદેશ આપ્યો હતો કે વધુ ત્રણ મુદ્દા સામેલ કરવામાં આવે અને માર્ગદર્શિકા 12 અઠવાડિયામાં ફરીથી જારી કરવામાં આવે.
જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ ડી એ જોશીની ખંડપીઠે જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા અટકાયતના આદેશો પસાર કરવાની પ્રક્રિયાને નિયંત્રિત કરવા વિશે છે. જેમાં કેવા સંજોગોમાં પાસાનું શસ્ત્ર ઉગામી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સરકારને અન્ય એક પરિપત્ર જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓને માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરતા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.
અદાલતે આદેશ આપ્યો કે, અટકાયતના આદેશો પસાર કરવામાં અત્યંત કાળજી લેવામાં આવે કારણ કે  તેના માટે, વ્યક્તિની સ્વતંત્રતા સર્વોચ્ચ છે અને તે ભારતના બંધારણની કલમ 21 માં માન્ય અને એમ્બેડ કરવામાં આવી છે.
પાસાના આદેશને પડકારતી એડવોકેટ એચઆર પ્રજાપતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ પાસા માર્ગદર્શિકા ઘડવા માટે હાઇકોર્ટએ આદેશ આપ્યા છે. બેન્ચે નોંધ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં હાઇકોર્ટએ આશરે 5,500 પાસાના આદેશો રદ કર્યા છે.
ગુન્હાહિત ઇતિહાસ હોય તો જ પાસાના શસ્ત્રનો ઉપયોગ
નવી માર્ગદર્શિકા અનુસાર એકલ દોકલ કેસ નોંધાયા હોય તેવા ઈસમો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ નહીં કરવાની જોગવાઈ કરવામાં આવનાર છે. જો આરોપી સતત ગુન્હો કરવાની ટેવ ધરાવતો હોય તો જ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવશે.
દારૂનો માતબર જથ્થો ઝડપાયો હોય તો બુટલેગરને પાસામાં ધકેલો!!
દારૂના ગુન્હામાં જયારે બુટલેગર પાસેથી માતબર જથ્થો પકડાયો હોય અને અગાઉ પણ આ પ્રકારના ગુન્હા નોંધાયેલા હોય તો જ બુટલેગરને પાસામાં ધકેલવા નવી માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હવે જાતીય સતામણીના ગુન્હામાં પણ પાસા કરાશે!!
હાલ સુધી જાતીય સતામણીના ગુન્હામાં ભાગ્યે જ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હશે પણ હવે જાતીય સતામણીના ગુન્હામાં પણ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવશે. જો કે, આ પ્રકારના ગુન્હામાં પીડિતાનું પોલીસ સમક્ષ આપેલા નિવેદનને ધ્યાનમાં લેવું પડશે.
વારંવાર વ્યાજ વટાવના ગુન્હામાં સંપડાતા વ્યાજંકવાદીને પાસામાં ધકેલાશે
થોડા સમયથી કદાચ મની લેન્ડિંગ એક્ટ હેઠળ વ્યાજ વટાવના એક જ ગુન્હામાં આરોપી તરીકે નોંધાયા હોય તેવા શખ્સો વિરુદ્ધ પણ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું હતું પણ નવી જોગવાઈ હેઠળ વારંવાર વ્યાજંકવાદમાં સંપડાતા હોય તેવા શખ્સો વિરુદ્ધ જ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આદેશ આપવામાં આવ્યો છે.
જુગાર રમતા પકડાય તેવા નહીં પણ જુગારધામના સંચાલકો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવા સૂચન
જુગારની રેઇડ દરમિયાન જેટલાં પણ શકુનીઓ ઝડપાય તેમની વિરુદ્ધ ગેમલિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની જોગવાઈ છે જયારે નવા સુધારા મુજબ  જુગારધામના સંચાલકો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવા સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.