રાજકોટના કોઠારીયાની સરકારી જમીન બોગસ દસ્તાવેજ બનાવી ભુમાફિયાઓએ વેચી નાખી

શહેરના ભાગોળે કોઠારીયા રોડ પર સાઈ બાબા સર્કલ પાસે આવેલી ૬૦૦૦ ચો.મી. સરકારી જમીનનો બારોબાર સોદો કરવાના ગુનામાં મામલતદારની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શસ્ખો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

સાંઈબાબા સર્કલ પાસે આવેલી ૬૦૦૦ ચો.મી. સરકારી જમીનનો સોદો કરવામાં ત્રણ શખ્સો સામે નોંધતો લેન્ડ ગ્રેબિંગનો ગુનો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલુકા મામલતદાર કે.એમ.કથીરિયાએ આજીડેમ પોલીસ મથકમાં એલ.કે.રાઠોડ, પી.કે.પટેલ અને મનુઆતા નામની ત્રણ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ કોઠારીયા નજીક સાંઈ બાબા સર્કલ નજીક આવેલી ૬,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીનમાં ૧૮ શેડ, બે ઓરડી અને બે વંડા સહિતનું દબાણ થયું હોવાની તંત્રને જાણ થઈ હતી. જે ફરિયાદના પગલે ગત ડિસેમ્બર માસમાં સરકારી જમીનમાં ઉભું કરાયેલા દબાણમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

ડિમોલિશન દરમિયાન ઉપરોક્ત જમીનમાં ખાનગી સર્વે નંબર ૩૫૨ પૈકીની હોય અને સરકારી ખરાબાની જમીનની ખરીદી વેચાણમાં અનેક શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જે દરમિયાન તપાસમાં સરકારી જમીનનું ગેરકાયદેસર રીતે સબ પ્લોટિંગ બનાવી વેચાણ કરી આપી ખોટા સર્વે નંબર નાખી જમીન વેચી નાખી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેથી મામલતદારની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આજીડેમ પોલીસે તપાસ હાથધરી છે.