Abtak Media Google News

અન્યોની જમીન પર પોતાનો ગેરકાયદે કબ્જો જમાવી માલિક બનવાના પ્રયાસમાં રહેતા ભૂમાફિયાઓ વધ્યા છે. એમાં પણ રાજકોટમાં ભૂમાફિયાઓ જાણે ફૂલ્યા ફાટયા હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના યુનિવર્સીટી પોલીસ મથક તો જાણે લેન્ડ ગ્રેબિંગ કેસનું મોટું મથક બની ગયું હોય તેમ ફરિયાદો વધી છે. રાજકોટમાં છેલ્લા ૬ દિવસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ચોથી ફરિયાદ નોંધાઇ છે. એમાં પણ આ ૪માંથી ૩ ફરિયાદ તો યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાઇ છે.

ખોટા કુલમુખત્યારનામાના આધારે બોગસ દસ્તાવેજ ઉભા કરી પ્લોટ પચાવી પાડનાર વધુ 4  માફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. ગાંધીગ્રામ પોલીસે તમામ ૪ આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ અંગેના કાયદો કડક બનાવી ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા કરેલા આદેશના પગલે જિલ્લા કલેકટર દ્વારા બનેલી કમિટીમાં જરૂરી તપાસમાં વધુ એક જમીન કૌભાંડ બહાર આવ્યું છે. છેલ્લા છ દિવસમાં ચાર ગુના જમીન કૌભાંડ અંગે પોલીસમાં નોંધાયા છે.

સૌરષ્ટ્ર યુનિર્વસિટી કર્મચારી સોસાયટીના કરોડોની કિંમતના જમીનના બોગસ દસ્તાવેજ બનાવી મહિલા સહિત ચાર શખ્સોએ બારોબાર વેચી નાખ્યા અંગેની કલેકટર કચેરીમાં કરેલી અરજીની કમિટી દ્વારા તપાસના અંતે ચારેય સામે લેન્ડ ગ્રેબીંગ અંગે ગુનો નોંધવા થયેલા આદેશના પગલે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલી સ્નેહ સૃષ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા અને એચ.એસ.બીસી બેન્કમાં ફરજ બજાવતા વિશાલ અમૃતભાઇ કોઠારીએ ઉદયનગરમાં રહેતા પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ, ત્રંબા ગામે રહેતા અરજણ નાથા માટીયા, સુખરામનગરમાં રહેતા અશોક મસા માટીયા અને ઠેબચડાના ખોડા રાઘવ બાંભવા નામના શખ્સો સામે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિશાલભાઇ કોઠારીના માસી પ્રફુલાબેનની માલીકીનો રૈયા સર્વે નંબર 26ની સૌરાષ્ટ્ર યુનિર્વસિટી કર્મચારી કો.ઓ.હાઉસીંગ સોસાયટીના પ્લોટ નંબર 12ની 200 ચોરસ મીટર જમીનના પ્લોટ આવ્યો છે. તા.20-5-97ના રોજ પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલના નામનુ બોગસ કુલમુખત્યારનામું બનાવી દસ્તાવેજમાં ચેક ચાક કરી 1-5-2019ના રોજ સબ રજીસ્ટાર ઓફિસમાં સોગંદનામું રજુ કર્યુ હતું. પરંતુ પ્રફુલાબેનનું તા.2-9-2008ના રોજ અવસાન થયુ હતું. આ બોગસ દસ્તાવેજમાં અરજણ નાથા માટીયાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

વેચાણ દસ્તાવેજમાં અશોક માટીયા અને ખોડા બાંભવાએ ખોટી ઓળખ આપી સાક્ષીમાં સહી કરી હતી. પફુલાબેનના માલિકીના પ્લોટનું વિશાલભાઇ કોઠારીને કુલમુખત્યારનામું આપ્યું હતું. જેના આધારે કલેકટર કચેરીના અરજી કરી હતી. કાયદા હેઠળ નિમાયેલી સમતીએ ગુનો નોંધવા ભલામણ કરતા યુનિર્વસિટી પોલીસમાં ચારેય સામે જમીન કૌભાંડ અંગેનો ગુનો નોંધાયો છે. પશ્ર્ચિમ વિભાગના એસીપી પી.કે.દિયોરાએ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ ટામવાની કિંમતી જમીનનો મૃતકના નામનો બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર પ્લોટ વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.  જેમાં 3 સામે ગુનો નોંધાયો હતો.  આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉપલેટા તાલુકાના સાજડીયાળી ગામના વતની અને હાલ નાના મવા મેઇન રોડ પર આવેલા ગોવિંદ પાર્કમાં રહેતા કાંતીભાઇ ભુરાભાઇ પટેલે પોપટપરા પાસે આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતા મિલન ખોડા મકવાણા, દેવભૂમિ દ્વારકા દોલુભા દેવાભા સુમાણીયા, ગોંડલના જીતેન્દ્ર રમેશ ગજેરા, માસ્તર સોસાયટીમાં રહેતા હરસુખ મગન ચૌહાણ અને મૃતક ભુરાભાઇનું ખોટુ નામ ધારણ કરનાર સામે જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચાણ કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.