Abtak Media Google News
  •  PM JANMAN હેઠળ જંગલોમાં વસતા આદિમજૂથોને આવાસની સુવિધા પૂરી પાડવા રૂ. ૧૬૪ કરોડની જોગવાઇ

  •  ઘન કચરાના નિકાલ માટે રાજ્યના ૧૫ હજારથી વધુ ગામોમાં કચરાનું ડોર-ટુ-ડોર કલેકશન શરુ કરાયું

  •  મનરેગા યોજનામાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના તમામ જોબ કાર્ડ ડિજીટલ કરાયા

  •  વડાપ્રધાનશ્રીએ કરેલા આહવાનને ઝીલી લઇ રાજ્ય સરકારે ગુજરાતભરમાં ૨,૬૪૯ અમૃત સરોવરનું નિર્માણ કર્યું

  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૨-૨૩ સુધીમાં ૬ લાખથી વધુ આવાસોને મંજૂરી અપાઈ

ગુજરાત ન્યૂઝ

વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી  કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગ્રામ વિકાસની જે સંકલ્પના કરી હતી, તે સંકલ્પનાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે ચરિતાર્થ કરી રહી છે. પરિણામે આજે ગુજરાતના વિકાસ કાર્યોની સુવાસ સમગ્ર દેશમાં પ્રસરી રહી છે.

મંત્રી શ્રી હળપતિએ કહ્યું કે, રાજ્ય સરકારે ગામડામાં વસતા નાગરિકોને રહેવા માટે પાકા ઘર, સ્વચ્છતા, વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધા અને યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે આ વર્ષના બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘર વિહોણા પરિવારોને પોતાનું પાકુ ઘરનું ઘર પ્રદાન કરવામાં સહાયરૂપ થવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અમલમાં છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૨-૨૩ સુધીમાં ૬ લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે અને આશરે ૫ લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂપિયા ૨૦ હજાર એમ કુલ ૭૨ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરુ થયેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત જંગલોમાં વસતા આદિમજૂથોને આવાસની સુવિધા પૂરી પાડવા વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટમાં રૂ. ૧૬૪ કરોડની જોગવાઇ કરાઈ છે.

તેમણે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંગે વાત કરતા કહ્યું કે, ગત બે વર્ષમાં રાજ્ય સરકારે શૌચાલય વિહોણા ૬૮, ૪૬૩ કુટુંબોને પાકા શૌચાલયની સુવિધાથી આવરી લેવાયા છે. સાથે સાથે પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ૪.૯૪ લાખ વ્યક્તિગત સોકપીટ અને ૬૪ હજાર સામુહિક સોકપીટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઘન કચરાના નિકાલ માટે ૧૫ હજારથી વધુ ગામોમાં કચરાનું ડોર-ટુ-ડોર કલેકશન પણ કરવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત ગોબરગેસને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત ૩૮ ક્લસ્ટર બેઇઝ બાયોગેસ પ્લાન્ટ માટેના આયોજન સાથે ૭,૨૭૬ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં કલસ્ટર દીઠ ગોબરધન પ્રોજેકટ માટે આ વર્ષે અંદાજપત્રમાં રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ૨૩,૪૩૨ સ્વ-સહાય જુથોની રચના કરી ૩.પ૦ લાખથી વધુ પરિવારોને જોડવામાં આવ્યા છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ૧૯ હજારથી વધુ યુવક/યુવતીઓને કૌશલ્‍ય વર્ધન દ્વારા સ્વ-રોજગાર માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. આગામી ૫ વર્ષમાં ગુજરાતના ૧૦ લાખ ગ્રામીણ મહિલાઓના સ્વ-સહાય જૂથને સામાજિક સાહસોના માધ્યમથી આજીવિકા સાથે જોડાણ કરવા માટે રૂ.૧૦ કરોડ સોશિયલ એન્ટરપ્રાઈઝ ફંડ આપવાની જોગવાઈ કરાઈ છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, મનરેગા યોજના હેઠળ પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર દ્વારા તમામ જોબ કાર્ડ ડિજીટલ કરવામાં આવ્યા છે અને શ્રમિકોના બેંક ખાતાઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે. આશરે ૨૭.૬૬ લાખ કાર્યરત શ્રમિકો પૈકીના ૯૫ ટકા શ્રમિકોના બેંક ખાતામાં આધાર બેઝડ પેમેન્ટ સીસ્ટમ માટે સક્ષમ બન્યા છે. આ ઉપરાંત એરિયા ઓફિસર એપ્લીકેશન, નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ, સ્વતંત્ર સામાજિક ઓડિટ યુનિટ જેવા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. સાથે જ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૯,૩૨૬ ગ્રામ પંચાયતોનું સામાજિક ઓડિટ પૂર્ણ કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ અમૃત સરોવરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ કરેલા આહવાનને ઝીલી લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ૨,૬૪૯ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના – વોટરશેડ ડેવલપમેન્ટ ક્મ્પોનન્ટ ૨.૦ની વાત કરતા કહ્યું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં જમીન અને ભેજ સંરક્ષણના, જળસંગ્રહના અને ભૂ-જળરિચાર્જના કુલ ૧૦,૨૩૩ કામો તેમજ આજીવિકા વૃધ્ધિને લગત ૨૯,૯૬૮ કામો પૂર્ણ થયા છે. વોટરશેડ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ રૂ. ૨૫૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.