Abtak Media Google News

ઢાઈ અક્ષર પ્રેમ કા, મોત સે ભી બડા… પ્રેમ કરનારાઓ મોતનો ડર પણ રાખતા નથી.  અત્યારના સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમ એક તરફ રહી ગયો છે. આકર્ષણ વધી ગયું છે. જેને પ્રેમનું જ નામ આપવામાં આવે છે. પણ આ પ્રેમ ઓછી વેલીડીટી વાળો હોય છે. થોડા સમયમાં પૂરો થઈ જાય છે. ફરી નવો થાય છે અને પૂરો થઈ જાય છે. જો કે બધા કિસ્સા સરખા હોતા નથી. પણ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આ જ સિસ્ટમ ચાલે છે.

વાત પ્રેમની થાય છે ત્યારે ઘણા કિસ્સામાં સમાજ રૂઢીઓને કારણે પ્રેમને સ્વીકારતો નથી. આ ઉપરાંત ઘણી વખત પ્રેમમાં જે કાંટો બને છે. તો આવા સમયે કોઈ પણ પરિણામ વિશે ચિંતા કરતું નથી. માટે જ રાજ્યમાં પ્રેમ પ્રકરણને લઈને ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ ડેની હમણાં જ ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઘણા પ્રેમીઓએ પોતાના પ્રેમનો એકરાર કર્યો હશે તો કેટલાક પ્રેમીઓ એકમેકને મોંઘીદાટ ગિફ્ટ પણ આપી હશે. પ્રેમના આ પર્વ દરમિયાન અનેક લોકો એવા પણ છે જેમની પ્રેમ પ્રકરણને કારણે હત્યા પણ થઇ છે. ગુજરાતમાંથી જ છેલ્લા 10 વર્ષમાં 1446 વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા 10 વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે સૌથી વધુ 179 હત્યા વર્ષ 2021માં થઇ હતી. વર્ષ 2022ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રેમ પ્રકરણને કારણે  134ની હત્યા થઇ હતી.  પ્રેમ પ્રકરણને કારણે વર્ષ 2022માં સૌથી વધુ હત્યા થઇ હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 253 સાથે મોખરે, બિહાર 171 સાથે બીજા, મધ્ય પ્રદેશ 146 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 143 સાથે ચોથા જ્યારે ગુજરાત પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાંથી એક વર્ષમાં 1401 વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી. ગુજરાતમાં રાજકીય, અનૈતિક સંબંધો, અંગત વેર જેવા કારણો કરતાં પણ પ્રેમ પ્રકરણને કારણે વધુ હત્યા થાય છે. અમદાવાદમાંથી છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે 40 વ્યક્તિની હત્યા થયેલી છે. જેમાં 2020માં 6, 2021માં 11 અને 2022માં 8 હત્યાનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરતમાંથી ગત વર્ષે પાંચ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી.

આ અંગે મનોચિકિત્સકોનું માનવું છે કે, પ્રેમ પ્રકરણમાં હત્યા માટે અનેક કિસ્સામાં એકતરફી પ્રેમ પણ જવાબદાર હોય છે. કોઇ પાત્ર મારું ના થઇ શકે તો બીજાનું પણ નહીં તેવી માનસિક્તા હાવી થઇ જાય તો તેવા કિસ્સામાં પણ હત્યા થતી હોય છે. પ્રેમના એકરારને સામે વાળું પાત્ર ફગાવી દે તો તે ઘણાંથી ઝીરવાતું નથી અને તે સ્થિતિમાં તેઓ આવું અવિચારી પગલું ભરી દેતાં હોય છે. કોઇ મિત્રમાં સામે વાળું મારું ના થઇ શકે તો અન્યનું નહીં તેવી ભાવના જોવા મળે તો તાકીદે તેના માતા-પિતાને જાણ કરવી હિતાવહ છે. કોઇ પાત્ર ઈન્કાર કરે તો તેને જીવનનો અંત માનવાને બદલે ભવિષ્યમાં હજુ વધારે કંઇક સારું થશે તેમ માનીને જીવનમાં આગળ વધવું જોઇએ.

જો કે ઘણા ઘાયલો દિલાસો આપતા કહે છે જે મળી જાય તે પ્રેમ શેનો ? પ્રેમ એ જ છે જે મળે નહીં. આમ પ્રેમમાં નિષ્ફળ થયા બાદ આવી રીતે હિંમત રાખવી પણ જેવા તેવા લોકોનું કામ નથી. બીજી તરફ સુરતના ચકચારી બનાવ જેવો પ્રેમ જેમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાનું ગળું વાઢી નાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.